આમાં કેમ શહેર ઢોરમુક્ત થશે?:રાજકોટમાં બાઇક પર આવેલા બે શખસે ઢોર પકડ પાર્ટીના બે કર્મીની આંખમાં સ્પ્રે છાંટ્યો, થોડીવારમાં દેખાવાનું બંધ થયું, આંખો સૂજી ગઈ

રાજકોટએક મહિનો પહેલા
બન્ને કર્મચારીને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા.

હાઇકોર્ટના આદેશ મુજબ, રાજકોટમાં રાત્રે પણ મ્યુનિસિપિલ કોર્પોરેશનની ઢોર પકડ પાર્ટી દ્વારા શહેરમાં રસ્તા પર રખડતાં ઢોરોને પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ આજે વહેલી સવારે શહેરના અમૂલ સર્કલ પાસે ઢોર પકડ પાર્ટીના બે કર્મચારીની આંખ પર બાઇક પર આવેલા બે અજાણ્યા શખસે કેમિકલ સ્પ્રે છાંટ્યો હતો. બાદમાં બન્ને શખસ ફરાર થઈ ગયા હતા. જોકે સ્પ્રે છાંટતાં જ બન્ને કર્મચારીને થોડીવારમાં આંખે દેખાવાનું બંધ થઈ ગયું હતું અને બાદમાં બન્નેની આંખો સૂજી ગઈ હતી, આથી સાથે રહેલા સ્ટાફે તાત્કાલિક તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા.

અમારા પર હુમલા બંધ નહીં થાય તો કામ નહીં કરીએ
જો કે, હુમલો થતા ઢોર ડબ્બાના કર્મચારીઓ રોષે ભરાયા છે. મોટી સંખ્યામાં ઢોર ડબ્બાના કર્મચારીઓ એકત્ર થઈ મનપા કમિશનરને રજૂઆત કરવા પહોંચ્યા છે. ઉચ્ચ અધિકારીઓ ધ્યાન ન દેતા કર્મચારીઓ રજૂઆત કરવા પહોંચ્યા છે. કર્મચારીઓની સાથે ભાજપના નેતા અને કર્મચારી મંડળના પ્રમુખ કશ્યપ શુક્લ પણ રજૂઆત કરવા પહોંચ્યા હતા. તેઓએ ઢોર પકડ પાર્ટીના કર્મચારીઓને સઘન સુરક્ષા આપવાની માગ કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે, રાજકોટમાં ઢોર પકડ પાર્ટી ખૂબ જ સારી કામગીરી કરે છે. અમારા કર્મચારીઓ પર એસિડ જેવો પદાર્થ છાંટવામાં આવ્યો છે. જ્યારે કર્મચારીઓએ અમારા પર હુમલાઓ બંધ નહીં થાય અને સઘન સુરક્ષા આપવામાં નહીં આવે તો અમે કામ કરીશું નહીંની ચિમકી ઉચ્ચારી હતી. અમે કામગીરી ચાલુ રાખીશું પણ અમને સંતોષકારક સુરક્ષા આપવી પણ જરૂરી છે.

બાઇક પર આવેલા બન્ને શખસે ઝપાઝપી પણ કરી હતી
શહેરના હથીખાનામાં રહેતા ધીરુભાઈ નારણભાઈ ડોરાસિયા(ઉં.વ.52) અને નવા થોરાળામાં રહેતા મેરુ કરણભાઈ ચાવડા(ઉં.વ.28) એમ બન્ને આજે વહેલી સવારે થોરાળઆ વિસ્તારમાં ઢોર પકડ પાર્ટી સાથે નીકળ્યા હતા, ત્યારબાદ તેઓ ગાયો પકડીને તેઓના ભાવનગર રોડ પર આવેલ ઢોર રાખવાની જગ્યા પર જતાં હતા. ત્યારે અમુલ સર્કલ પાસે પહોચતા ત્યાં બે બુકાનીધારી શખસે બાઈક પર આવી વાહન રોકાવી ઝપાઝપી કરી હતી અને બન્ને શખસે કેમિકલ સ્પ્રે છાંટતા બન્નેને આંખોમાં બળતરા થતા તેઓને ઇન્સ્પેક્ટર રવિભાઈ નંદાણીયાએ સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા.

નાઇટ શિફ્ટ પૂરી કરી પરત ડબ્બે આવતા હતા
રાજકોટ લાઈફ કેર એન્ડ એનિમલ રિસર્ચ કંટ્રોલ ડિપાર્ટમેન્ટના અધિકારી નિલેશ ગલચરે જણાવ્યું હતું કે હાલ ઢોક પકડવાની ઝુંબેશ ચાલુ છે. હાઇકોર્ટના નિયમ મુજબ, આપણે નાઇટ શિફ્ટ પણ ચાલુ કરવામાં આવી છે. નાઇટ શિફ્ટમાં અમે જ્યારે રાઉન્ડ પૂરો કરી પરત ડબ્બે આવતા હતા એ દરમિયાન અમૂલ સર્કલ પાસે ટ્રેક્ટરમાં બે ડ્રાઇવર અને શ્રમિક બેઠેલા હતા. ત્યારે બે શખસ બાઇક પર આવ્યા હતા અને ડ્રાઇવર અને શ્રમિકની આંખમાં કેમિકલ સ્પ્રે છાંટવામાં આવ્યો હતો. સ્પ્રે છાંટતાં જ બન્નેને આંખમાં દેખાવાનું બંધ થઈ ગયું હતું. બાદમાં તાત્કાલિક બન્નેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ મામલે પોલીસ ફરિયાદ કરવામાં આવશે.

ટ્રેક્ટરના ડ્રાઇવર અને શ્રમિકની આંખમાં સ્પ્રે છાંટ્યો હતો.
ટ્રેક્ટરના ડ્રાઇવર અને શ્રમિકની આંખમાં સ્પ્રે છાંટ્યો હતો.

એક કર્મચારીના હાથમાં ચાંદા પડવા લાગ્યા હતા
નિલેશ ગલચરે વધુમાં જણાવ્યું હતું કે ગત રાત્રે 11.30 વાગ્યે રાઉન્ડ કરી 1.30 વાગ્યા સુધીમાં બે પશુ પકડ્યા હતા. આ પશુઓ અમે સોરઠિયાવાડી સર્કલ પાસેથી પકડ્યા હતા. આ બન્ને પશુને ડબ્બે મૂકી ફરી બીજા રાઉન્ડમાં નીકળ્યા હતા. બીજો રાઉન્ડ પૂરો કરી પરત ડબ્બે આવતા હતા ત્યારે જ અમૂલ સર્કલ પાસે આ બનાવ બન્યો હતો. સ્પ્રેને કારણે ડ્રાઇવર અને શ્રમિકને આંખોમાં બળતરા થવા લાગી હતી અને થોડી વાર દેખાવાનું બંધ થઈ ગયું હતું. એકને હાથમાં પણ ચાંદા પડવા લાગ્યા હતા તેમજ બન્નેની આંખો સૂજી ગઈ હતી. કંઈપણ બોલ્યા વગર સ્પ્રે છાંટીને બન્ને શખસ ફરાર જ થઈ ગયા હતા.

ગઈકાલે ઢોર પકડ પાર્ટી પર પથ્થરમારો થયો હતો
ઇન્સ્પેક્ટર રવિભાઈએ આક્ષેપ કર્યો હતો કે, ગઈકાલે પણ રેસકોર્સ તેમજ વિરાણી ચોકમાં અમારી ઢોર પકડ પાર્ટી પર પથ્થરમારો કરાયો હતો. તેમજ રાજકોટમાં જ્યારે પણ વિસ્તારોના અમારી ઢોર પકડ પાર્ટી રખડતા ઢોરને પકડવા જાય છે ત્યારે અલગ અલગ વિસ્તારમાં થઈને 70થી વધુ લોકો એવા હોય છે જે પાર્ટીને પોતાની કામગીરી કરવા દેતા નથી અને અડચણરૂપ બને છે. આ ઘટનાને ધ્યાને રાખી સારવારમાં રહેલા ધીરુભાઈ અને મેરુભાઈનું થોરાળા પોલીસે નિવેદન નોંધ્યું છે.

મનપાના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
મનપાના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

ગ્રામ્ય પંથકમાં રખડતા ઢોર સામે કાર્યવાહી કરાશે
હવે ગ્રામ્ય પંથકમાં પણ રખડતા ઢોર સામે કાર્યવાહી કરવામાં આવશે. રાજકોટ કોર્પોરેશનની 5 કિમીની હદના ગામડાઓ, નગરપાલિકાઓની 5 કિમીની હદમાં આવતા ગામડાઓ તેમજ તાલુકા મથકના 5 હજારની વસ્તી ધરાવતા ગામડાઓમાં આ કાર્યવાહી કરવામાં આવશે. નેશનલ હાઇવે, સ્ટેટ હાઇવે પરના ગામડાઓમાં પણ આ કાર્યવાહી કરવામાં આવશે. ગુજરાત પંચાયત અધિનિયમ 1993ના પ્રકરણ 8 અનુસાર કાર્યવાહી કરવામાં આવશે. રખડતા ઢોર અંગે કેટલો દંડ વસૂલ કરવો તે નિર્ણય ગ્રામ પંચાયતે કરવાનો રહેશે. 5 સપ્ટેબરથી આ ઝુંબેશ શરૂ કરવામાં આવશે. ત્યાં સુધીમાં ગ્રામ્ય લેવલે પશુપાલકોને નિયમો અંગે સમજણ આપવામાં આવશે.

આજે વહેલી સવારે ઘટના બની.
આજે વહેલી સવારે ઘટના બની.

માલધારી સમાજે બેઠક કરી આંદોલનની રણનીતિ ઘડી
બીજી તરફ ગુજરાત સરકાર દ્વારા ચાલી રહેલા ગાય અને માલધારી સમાજ પર અત્યાચારને લઈને રાજકોટ માલધારી સમાજની મચ્છો માતાજીના મંદિરે બેઠક મળી હતી. 1000થી પણ વધારે યુવાનોની સાથે આવનારા દિવસોમાં કઈ રીતે આંદોલન કરવું અને કેવી રીતના આગળ વધુ એ બાબતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દિવસ-રાત ગાય પકડવાની ઝુંબેશ ચાલી રહી છે અને પોલીસ કમિશનર દ્વારા જે ગાયના ઘાસચારને લઈ અને જાહેરનામું બહાર પાડવામાં આવ્યુ છે તેની ચર્ચા બેઠકમાં થઈ હતી.

મચ્છો માતાજીના મંદિરે રાજકોટ માલધારી સમાજની બેઠક મળી.
મચ્છો માતાજીના મંદિરે રાજકોટ માલધારી સમાજની બેઠક મળી.

રસ્તા પર ઘાસચારો વેચી શકાશે નહીં
રાજ્યમાં રોડ ઉપર રખડતા ઢોરના મુદ્દે હાઈકોર્ટે કડક વલણ અપનાવતા રાજકોટના પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે તાજેતરમાં જ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું. જેમાં ઘાસચારો વેચનારા લોકો સામે કાર્યવાહી કરવા આદેશ આપ્યા છે. આ જાહેરનામું માર્ગ સલામતીને ધ્યાને રાખી પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. આ જાહેરનામામાં પશુઓને જાહેરમાં ઘાસચારા આપવા પર પણ પ્રતિબંધ મૂકી દેવાયો છે. સાથે જ નિયમનું ઉલ્લંઘન કરનારા વિરૂદ્ધ કાર્યવાહી કરવા આદેશ પણ કરવામાં આવ્યો હતો. જો કોઈ વ્યક્તિ નિયમનું પાલન નહીં કરે તો તેના વિરૂદ્ધ IPC કલમ 188 તથા જીપી એક્ટ કલમ 131 મુજબ કાર્યવાહી કરવામાં આવશે.