રાત્રે મોતનો ખેલ:રાજકોટમાં જામીન પર છૂટેલા યુવકની માત્ર 35 સેકન્ડમાં સરાજાહેર હત્યા, ઘટના CCTVમાં કેદ

રાજકોટ5 મહિનો પહેલા
બાકડા પર બેઠેલા યુવક પર અચાનક હુમલો.
  • યુવાનની ધારિયું અને છરીના ઘા ઝીંકી હત્યા
  • CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ
  • મૃતક થોડાં વર્ષો અગાઉ સગીરાને ભગાડી ગયો હતો

રાજકોટ શહેરના થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાત્રે બે બુકાનીધારીએ યુવાનની ધારિયા અને છરીના ઘા ઝીંકી સરાજાહેર હત્યા કરતાં ચકચાર મચી જવા પામી છે. હત્યાની સમગ્ર ઘટના CCTVમાં કેદ થતાં પોલીસે આરોપીઓને ઝડપી લેવા માટે કાર્યવાહી હાથધરી છે. હત્યાની ઘટનાને માત્ર 35 સેકન્ડમાં અંજામ આપવામાં આવ્યો હતો.

મૃતક વિજય મેરની ફાઇલ તસવીર
મૃતક વિજય મેરની ફાઇલ તસવીર

રાત્રિના 8.52ના સમયે બનાવ બન્યો
શહેરમાં ગુરુવારે મોહરમની રાતે સરાજાહેર હત્યાનો બનાવ પ્રકાશમા આવ્યો છે. હત્યાના બનાવને પગલે બંદોબસ્તમાં વ્યસ્ત પોલીસમાં દોડધામ થઇ ગઇ છે. સંત કબીર રોડ પર આવેલા કનકનગર-1ના ખૂણે રાત્રિના 8.52ના સમયે બન્યો છે. આ જ વિસ્તારમાં રહેતો વિજય ધીરુભાઇ મેર નામનો 30 વર્ષનો યુવાન મિત્ર સાથે મકાનના ઓટલા પર બેઠો હતો. ત્યારે બાઇક પર બે બુકાનીધારી શખસ ધસી આવી વિજય કંઈ સમજે એ પહેલાં જ ધારિયું અને છરીથી હુમલો કર્યો હતો.

ધારિયાથી આડેધડ 10 ઘા ઝીંકી દીધા
વિજય પર હુમલો થતાં જ તેની સાથે બેઠેલો તેનો મિત્ર ત્યાંથી નાસી ગયો હતો. ત્યારે બે બુકાનીધારી પૈકી એક શખસે વિજયને ધારિયાથી આડેધડ 10 ઘા ઝીંકી દીધા હતા. જ્યારે બીજા બુકાનીધારી શખસે છરીના ત્રણ ઘા ઝીંકી બાઇક પર નાસી ગયા હતા. બનાવને પગલે વિસ્તારના લોકો એકઠા થઇ ગયા બાદ લોહીલુહાણ થયેલા વિજયને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં તેને સારવાર મળે એ પહેલાં જ ફરજ પરના તબીબે મોત નીપજ્યાનું જાહેર કર્યું હતું. બનાવની જાણ થતાં થોરાળા પોલીસ તેમજ ક્રાઇમ બ્રાંચની ટીમ ઘટનાસ્થળે દોડી ગઇ હતી.

હત્યાના સ્થળે તપાસ માટે દોડી આવેલો પોલીસકાફલો.
હત્યાના સ્થળે તપાસ માટે દોડી આવેલો પોલીસકાફલો.

સગીરાના અપહરણમાં યુવક આરોપી હતો
બનાવ સ્થળે સીસીટીવી કેમેરામાં સમગ્ર ઘટના કેદ થઇ હોઈ, પોલીસે ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે અને હત્યા કરી નાસી છૂટેલા હત્યારાઓને પકડવા શહેરભરમાં નાકાબંધી કરી છે. વિજય મેર પાડોશમાં રહેતી તરુણીને ગત ઓકટોબર માસમાં ભગાડી ગયો હતો. બનાવની હાઇકોર્ટમાં હેબિયર્સ કોપર્સ દાખલ થતાં પોલીસે તપાસ શરૂ કરી એપ્રિલ મહિનામાં ઝડપી લઇ ધરપકડ કરી હતી અને વિજય હજુ થોડા દી’ પહેલાં જ જામીન પર છૂટયાનું પ્રાથમિક તપાસમાં બહાર આવતાં તે દિશામાં તપાસ હાથ ધરી છે.