રાજકોટમાં આવેલા ગોકુલધામ આવાસ યોજનાના કવાર્ટરમાં રહેતો કિશન ભરતભાઈ ડોડીયા નામનો 24 વર્ષનો યુવાન રાત્રીના બારેક વાગ્યાના અરસામાં ગોકુલધામના ગેઈટ પાસે આવેલી પાનની દુકાનમાં હતો ત્યારે હિરેન ગોવિંદ પરમાર અને કાંચો નેપાળી નામના શખ્સે છરી વડે હુમલો કરી છરીના ઘા ઝીંકી દીધા હતાં. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા યુવાનને તાત્કાલીક સારવાર માટે દોશી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં યુવકની તબિયત નાજુક જણાતા વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જીવલેણ ઘટનાની જાણ થતાં જ માલવીયાનગર પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક સિવિલ હોસ્પિટલે દોડી ગયો હતો અને હુમલામાં ઘવાયેલા ઈજાગ્રસ્ત યુવકની પત્ની રાધિકાબેન કિશનભાઈ ડોડીયાની ફરિયાદના આધારે હુમલાખોર શખ્સો વિરૂધ્ધ હત્યાની કોશીષનો ગુનો નોંધ્યો હતો.
પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ
હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા કિશન ડોડીયાએ વહેલી સવારે સારવારમાં દમ તોડી દેતાં બનાવ હત્યામાં પલટાયો હતો. યુવકના મોતથી પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. બનાવ હત્યામાં પલટાયો હોવાની સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે માલવીયાનગર પોલીસને જાણ કરતાં માલવીયાનગર પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. પોલીસે જરૂરી કાર્યવાહી કરી યુવકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે મેડીકલ કોલેજ ખાતે ખસેડયો હતો અને માલવીયાનગર પોલીસે મૃતક યુવકની પત્નીએ નોંધાવેલી ફરિયાદમાં હત્યાની કલમનો ઉમેરો કરી કાર્યવાહી હાથ ધરી છે.
અગાઉ પ્રેમ સંબંધ હતો
મૃતક કિશન ડોડીયા ત્રણ ભાઈમાં નાનો અને તેને સંતાનમાં એક પુત્ર છે. કિશન ડોડીયા છુટક વેલ્ડીંગ કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. કિશન ડોડીયાએ પત્ની રાધિકા સાથે પ્રેમ લગ્ન કર્યા હતાં પરંતુ પત્ની રાધિકાને હત્યારા હિરેન પરમાર સાથે અગાઉ પ્રેમ સંબંધ હતો અને તેની સાથે પ્રેમ સંબંધ ટૂંકાવી કિશન ડોડીયા સાથે લગ્ન કરી લીધા હતા.
રાધિકાને પોતાની સાથે રહેવા દબાણ કરતો
જેને પગલે હિરેન પરમાર અવારનવાર ધાક ધમકી આપતો હતો અને રાધિકાને પોતાની સાથે રહેવા આવી જવા માટે દબાણ કરતો હતો અને હિરેન પરમારે અગાઉ ચારેક મહિના પહેલા કિશન ડોડીયાના ઘરમાં ઘુસી તોડફોડ કરી હતી અને જે બાબતે સમાધાન કરી લેવા ધમકી આપતો હતો. જે અદાવતનો ખાર રાખી પત્નીના પૂર્વ પ્રેમીએ મિત્ર સાથે મળી પતિને છરીના ઘા ઝીંકી હત્યા કરી હતી.
ચાર માસ પૂર્વે તોડફોડ કરી હતી
પૂર્વ પ્રેમિકાના પતિને મિત્ર સાથે મળી છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારનાર પૂર્વ પ્રેમિ હિરેન ગોવિંદભાઈ પરમાર પૂર્વ પ્રેમિકા રાધિકાને કિશન ડોડીયાને છોડી પોતાની સાથે રહેવા આવી જવા દબાણ કરતો હતો પરંતુ રાધિકા હિરેન પરમારના વશ નહીં થતાં હિરેન પરમાર અવારનવાર ધાક ધમકી આપતો હતો અને છેલ્લા ચાર માસ પૂર્વે રાધિકાના ઘરમાં ઘુસી ટીવી સહિતની ઘર વખરીમાં તોડફોડ કરી હતી.
સમાધાન કરી લેવા ધમકી જે અંગે રાધિકાએ હિરેન પરમાર વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદમાં સમાધાન કરી લેવા બાબતે પણ હિરેન અવારનવાર ધાક ધમકી આપતો હતો અને અંતે જે અદાવતનો ખાર રાખી કિશન ડોડીયા ઉપર ખુની હુમલો કરી હત્યા નિપજાવી હોવાનો પત્ની રાધિકા ડોડીયાએ આક્ષેપ કર્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.