રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત જંકશન પ્લોટ આરોગ્ય કેન્દ્રના ડો. વિરેન્દ્રસિંહ જાડેજા અને ડો.સિદ્ધિ વિઠલાણીએ સમગ્ર શહેરમાંથી જન્મજાત હૃદયરોગથી પીડિત 5 બાળકોને શોધી કાઢ્યા હતા અને બાળકો તથા તેમના વાલીઓના મનમાંથી રોગનો ડર દૂર કરી આ બાળકોનું યુ.એન.મહેતા હોસ્પિટલ ખાતે વિનામૂલ્યે ઓપરેશન કરાવી તેમને રોગ મુક્ત કર્યા હતા.
વાલીઓ સાથે ઘરે જઈને મુલાકાત કરી
આ અંગે દિવ્યભાસ્કર સાથે વાત કરતા ડો.સિદ્ધિ વિઠલાણીએ જણાવ્યું હતું કે, શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ અમે ગતવર્ષમાં જન્મજાત હૃદયરોગ ધરાવતા કુલ 11 બાળકોને શોધ્યા હતા. આ પૈકી 5 બાળકોને હૃદયની ગંભીર તકલીફ જણાતા તેમના વાલીઓ સાથે ઘરે જઈને મુલાકાત કરી યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું. તેમના મનમાં રહેલા ઓપરેશન અંગેનો ડર દુર કરી 5 બાળકોનું સફતાપૂર્વક ઓપરેશન કરવામાં આવ્યું હતું. ઓપરેશન બાદ નિયમિત રીતે તમામ બાળકોનું રસીકરણ થાય, યોગ્ય ખોરાક અપાય તથા વિકાસલક્ષી વિલંબ ન થાય તે માટે સંબંધિત પરિવારોના વડીલોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
લોકોએ જાગૃત થવાની જરૂર છે
વધુમાં ડો. વિરેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, બાળકોને પ્રાથમિક તબક્કાથી જ સારવાર આપવામાં આવે તો ગંભીર બીમારીઓ સામે સુરક્ષિત થઇ શકે છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આરોગ્ય ક્ષેત્રે ઘણીબધી સેવાઓ વિનામુલ્યે આપવામાં આવી રહી છે. લોકોએ જાગૃત થઇ સેવાઓનો લાભ લેવો જોઈએ અને બાળકોને ગંભીર રોગોથી સુરક્ષિત કરવા જોઈએ. માતા-પિતા જાગૃત થશે ત્યારે જ બાળકોની પ્રાથમિક તપાસ થશે અને વહેલી તકે સારવાર પ્રાપ્ત થશે.
મ્યુનિ. કમિશનરે સેવાને બિરદાવી
બાળકોના જન્મજાત હૃદય રોગના નિદાન, રેફરલ તથા સારવારની ઉત્કૃષ્ટ કામગીરી કરતા પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલ દ્વારા શિલ્ડ આપી તેઓ બંનેને સન્માનિત કરાવામાં આવ્યા હતાં. આ ઉપરાંત મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ પણ બંને ડોક્ટરોને અભિનંદન પાઠવી તેઓની સેવાને બિરદાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.