600 કરોડના ખર્ચે 24 કલાક પાણીની યોજના 10 વર્ષથી કાગળ પર છે તેવા રાજકોટમાં રોજ 20 મિનીટ પાણી પણ નિયમિત અપાતું નથી અને વારંવાર પાણીકાપ મુકવામાં આવે છે. આજે ફરી એક વખત માત્ર લાઈન તૂટ્યાના કારણ સાથે ઢેબર રોડ અને ગોંડલ રોડ પરના શહેરના સેન્ટ્રલ ઝોનમાં 3 લાખ લોકોને ઉનાળાના આકરા તાપ વચ્ચે પાણીકાપનો ડામ દેવામાં આવ્યો છે. વોર્ડ નંબર 13ની મહિલાઓ પાણી વગર પરેશાન થઈ ગઈ હતી. શિવાજીનગર વિસ્તારની મહિલાઓ આક્રોશ સાથે એકત્ર થઇ હતી અને પાણીની માગ કરી હતી. રોષે ભરાયેલી મહિલાઓએ માટલું પણ ફોડ્યું હતું. મહિલાઓના રોજિંદા કામ પાણી વગર અટવાય ગયા હતા. મહિલાઓએ કહ્યું હતું કે, આવા ઉનાળામાં તંત્ર દ્વારા પાણીકાપ ન આપવો જોઈએ.
ભાદર ડેમની 900 MMની મુખ્ય પાઈપલાઈનમાં ભંગાણ
રાજકોટના ગુરૂકુળ ઝોનમાં જ્યાંથી પાણી આવે છે તે 900 MM વ્યાસની મુખ્ય પાઈપલાઈન ભાદર ડેમ નજીક નવાગામ-લિલાખા ગામ વચ્ચે ભંગાણ થયું છે. જેના કારણે ભાદર ડેમથી પાણી મળે તેમ ન હોય માટે આજરોજ ગુરૂકુળ અને વાવડી ઝોન હેઠળ આવતા વિસ્તારોમાં પાણીકાપ મુકવામાં આવ્યો છે.
ડેમોમાં ચોમાસા સુધી ચાલે તેટલું પાણી
રાજ્ય સરકાર દ્વારા સૌની યોજના મારફત આજી અને ન્યારી ડેમમાં ચોમાસા સુધી ચાલે એટલું પાણી ઠાલવી દીધું છે, ભાદર ડેમમાં આરામથી ચાલે એટલું પાણી સંગ્રહિત છે અને છતાં આ પાણી લોકો સુધી પહોંચાડવા નક્કર આયોજન સાથે વ્યવસ્થા કરવાને બદલે છાશવારે પાણીકાપ મુકવામાં આવે છે.
25 હજાર લોકો હજી ટેન્કર પર આધારિત
રાજકોટમાં ટેન્કર યુગનો અંત આવ્યો છે અને પાણીના પ્રશ્નમાંથી લોકોને મુક્તિ મળી છે તેવી વાતો કરતા કદી નેતાઓ થાક્યા નથી. પરંતુ હકિકત એ છે કે, આજે પણ શહેરમાં 25,000 લોકો ટેન્કર પર આધારિત છે, મતલબ કે ટેન્કર યુગ હજુ પુરો થયો નથી. ઉલ્લેખનીય છે કે, મનપા દ્વારા પાણીચોરીનું ચેકિંગ કરી ગઇકાલે 23 ડાયરેક્ટ પમ્પિંગના કેસો પકડી પાડી રૂ. 21,250ના દંડની વસુલાત કરી હતી. તેમજ ફળિયું ધોવા પાણી બગાડતા લોકોને પણ દંડ કરાયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.