તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવો નુસખો:રાજકોટમાં ઇ-મેમોથી બચવા યુવકે બાઇકમાં ખોટા રજિસ્ટ્રેશન નંબર લગાવ્યા, વાહન ચેકિંગમાં બોગસ દસ્તાવેજ સામે આવ્યા, ગુનો દાખલ

રાજકોટ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
આરોપી પરેશ મકવાણા - Divya Bhaskar
આરોપી પરેશ મકવાણા
  • ઇ-મેમો ન આવે એ માટે બોગસ નંબર પ્લેટ લગાવ્યાની કબૂલાત

ટ્રાફિક નિયમના ભંગ બદલ પોલીસ દ્વારા ઈ-મેમો ફટકારવાનું શરૂ થતાં નિયમનું પાલન કરવાના બદલે અનેક લોકોએ નંબર પ્લેટ સાથે ચેડાં શરૂ કર્યા છે. પરંતું દંડથી બચવાના પ્રયાસમાં નાગરિક કેવો ગંભીર ગુનો કરી બેસે છે અને આવા ગુનામાં જેલના સળિયા ગણવાનો વારો આવે છે એવી એક ફરિયાદ નોંધાઇ છે. મૂળ વડીયા ગામના વતની અને હાલ રાજકોટના સરધાર ગામે રહેતા યુવકે ઈ-મેમોથી બચવા બાઇકમાં ફેન્સી રીતે ખોટા રજિસ્ટ્રેશન નંબર લખાવ્યા હતા. પરંતુ વાહન ચેકિંગમાં ઝડપાય જતાં તેની સામે બોગસ દસ્તાવેજ ઉભા કરવાનો ગુનો નોંધાયો છે.

પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી
આજી ડેમ પોલીસ મથકનો સ્ટાફ ગત સાંજે કોઠારીયા ચોકડી નજીક વાહન ચેકિંગમાં હતો. આ સમયે આગળ નંબર પ્લેટ વગર અને પાછળ ફેન્સી નંબર પ્લેટ લગાવીને ડબલ સવારીમાં નીકળેલા બાઇક ચાલકને પોલીસે અટકાવ્યો હતો. બાઇકમાં GJ-R-1.5-8685 નંબર હતા. પોલીસે એન્જિન, ચેસીસ નંબરના આધારે પોકેટ કોપમાં ખરાઇ કરતા વાહનના ઓરજીનલ રજિસ્ટ્રેશન નંબર GJ-14-HR-7180 હોવાનું જણાયું હતું. ખોટી નંબર પ્લેટ લગાવીને બાઇક લઇને નિકળેલા ચાલકની પૂછપરછ કરવામાં આવી હતી.

ઇ-મેમો ન આવે એ માટે બોગસ નંબર પ્લેટ લગાવ્યાની કબૂલાત
પૂછપરછ કરતા તેણે પોતાનું નામ પરેશ ભુપતભાઇ મકવાણા હોવાનું તેમજ પોતાની પાસે લાયસન્સ ન હોવાથી તેમજ ઇ-મેમો ન આવે એ માટે બોગસ નંબર પ્લેટ લગાવ્યાની કબૂલાત આપી હપી. કોન્સ્ટેબલ શૈલેષભાઇ નેચડાની ફરિયાદ પરથી આરોપી વિરૂદ્ધ બોગસ દસ્તાવેજ ઉભા કરવાની કલમ મુજબ ગુનો નોંધી તેની ધરપકડ કરી બાઇક કબ્જે કરવામાં આવ્યુ઼ં હતું. ઉલ્લેખનીય છે કે, આજીડેમ પોલીસે છેલ્લા એક સપ્તાહમાં નંબર પ્લેટ વગરના 21 વાહન ડિટેઇન કર્યા છે. જે પૈકી 6 વાહન ચાલકે આરટીઓમાં દંડ ભરી નિયમ મુજબની નંબર પ્લેટ બનાવ્યા બાદ વાહન મુક્ત કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...