દેવાયત ખવડના સાગરીતની જામીન અરજી નામંજૂર:રાજકોટમાં લોક સાહિત્યકાર દેવાયત ખવડ સહિત ત્રણ શખ્સે બિલ્ડર પર કર્યો હતો પાઇપથી હુમલો

રાજકોટ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતભરમાં ચકચારી બનેલા બનાવમાં લોક સાહિત્યકાર દેવાયત ખવડ અને તેના સાથી આરોપીઓએ સર્વેશ્વર ચોકમાં મયુરસિંહ રાણા નામના યુવક પર પાઇપ વડે કરેલ જીવલેણ હુમલાના કેસમાં લોક સાહિત્યકાર દેવાયત સહિત ત્રણેય આરોપી જેલ હવાલે છે. જેમાં આરોપી કિશન કુંભારવાડિયાએ કરેલી જામીન અરજી અદાલતે નામંજૂર કરતો હુકમ કર્યો છે.

દેવાયત ખવડ સહિત ત્રણેય આરોપી પોલીસ સમક્ષ હાજર થયા હતા મયુરસિંહ રાણાએ રાજકોટના એ ડિવિઝન પોલીસ મથકમાં લોકસાહિત્યકાર દેવાયત ખવડ અને તેના સાગરીત તેમજ કાર ડ્રાઈવર કિશન દિલીપભાઈ કુંભારવાડિયા વિરુદ્ધ હત્યાની કોશિશ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાવ્યો હતો. જે બાદ આરોપીઓ પોલીસ સમક્ષ હાજર થયા હતા. જે બાદ તેમને રાજકોટ સેન્ટ્રલ જેલમાં મોકલવામાં આવ્યા હતા. જેમાં હાલ જેલ હવાલે રહેલા આરોપી કિશન કુંભારવાડિયાએ જેલ મુક્ત થવા કોર્ટમાં જામીન અરજી કરી હતી.

કોર્ટે કિશનની જામીન અરજી રદ કરતો હુકમ ફરમાવ્યો આ જામીન અરજી પર સરકારી વકીલે કોર્ટમાં દલિલ કરી હતી કે, હુમલામાં કાર ચલાવનાર આરોપી કિશન હતો. તેણે હુમલા બાદ તુરંત જ આરોપી દેવાયત ખવડ અને કાનાને બેસાડી કાર હંકારી મૂકી હતી. જેથી આરોપીઓ ફરાર થયા હતા. ગુનામાં કાવતરાની કલમ પણ ઉમેરાઈ છે, એટલે આ આરોપી તેમાં પણ સામેલ હોય જામીન અરજી મંજૂર કરવી જોઈએ નહીં. અદાલતે બન્ને પક્ષની રજૂઆતો સાંભળ્યા બાદ કોર્ટે કિશન કુંભારવાડિયાની જામીન અરજી રદ કરતો હુકમ ફરમાવ્યો હતો.

શું છે સમગ્ર મામલો? કાલાવડ રોડ પરની વિષ્ણુવિહાર સોસાયટીમાં રહેતા બિલ્ડર મયૂરસિંહ સંપતસિંહ રાણા (ઉં.વ.42) 7 ડિસેમ્બર 2022ના રોજ બપોરે સર્વેશ્વર ચોકમાં ચિત્રકૂટ એપાર્ટમેન્ટ પાસે પાર્ક કરેલી પોતાની કાર પાસે જઈ રહ્યા હતા. ત્યારે પાછળથી એક કાર ધસી આવી હતી અને કારમાંથી દેવાયત ખવડ તથા એક અજાણ્યો શખસ નીચે ઊતર્યા હતા. મયૂરસિંહ કંઈ સમજે એ પહેલાં જ દેવાયત સહિત બન્ને શખસ ધોકા-પાઇપથી યુવક પર તૂટી પડ્યા હતા અને જાહેરમાં હિચકારો હુમલો કર્યો હતો. મયૂરસિંહને ધોકા-પાઇપના આડેધડ ફટકા ઝીંકી દેવાયત સહિતના શખસ કારમાં નાસી ગયા હતા. હુમલામાં ઘવાયેલા યુવકને લોહિયાળ હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં એ. ડિવિઝન પોલીસ હરકતમાં આવી હતી. પોલીસ આવવાના ભણકારા વાગતાં જ દેવાયત ભૂગર્ભમાં ઊતરી ગયો હતો.

દેવાયત ખવડનું નામ ડાયરા કરતાં વિવાદમાં વધુ રહ્યું દેવાયત ખવડ મૂળ રાજકોટ જિલ્લાના મૂળીદૂધઈ ગામનો વતની છે. આ જ ગામમાં તેણે પ્રાથમિક શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. તેના પિતા દાનભાઈ ખવડ મજૂરીકામ કરીને ઘરનું ગુજરાન ચલાવતા હતા. બાળપણથી દેવાયત જાણીતા લોકસાહિત્યકાર ઇશરદાન ગઢવીને સાંભળતો હતો અને તેમની પ્રેરણાથી જ તે લોકસાહિત્યકાર બન્યો હતો. દેવાયત ખવડનું નામ ડાયરા કરતાં વિવાદમાં વધુ ગુંજે છે. દેવાયત ખવડ પોતાના ડાયરામાં હરહંમેશ એક સંવાદ બોલે છે. એમાં બે વર્ષ પૂર્વે તેણે ‘રાણો રાણાની રીતે હો’ સંવાદ ડાયરા દરમિયાન બોલ્યો હતો અને આ સંવાદને કારણે ટિકટોક ગર્લ કીર્તિ પટેલ સાથે આક્ષેપ પ્રતિ-આક્ષેપમાં સપડાયો હતો.

અન્ય સમાચારો પણ છે...