આજે વરસાદના દૂર દૂર સુધી એંધાણ નહીં:રાજકોટમાં ગઈકાલ કરતા બફારો ઓછો રહેશે, ખેલૈયાઓ છઠ્ઠા નોરતે ગરબાની રમઝટ બોલાવવા થઈ જાવ તૈયાર

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોરોનાના બે વર્ષ બાદ આ વર્ષે ગુજરાતીઓનો પ્રિય તહેવાર નવરાત્રિ ધૂમધામથી ઉજવાઇ રહ્યો છે. આજે છઠ્ઠા નોરતે વરસાદના દૂર દૂર સુધી એંધાણ જોવા મળશે નહીં. આથી ખેલૈયાઓ આજે વરસાદના ટેન્શન વગર ગરબાની રમઝટ બોલાવવા તૈયાર થઈ જજો. ગઈકાલ કરતા આજે બફારાનું પ્રમાણ પણ ઓછું જોવા મળશે. આજે ગરબાના સમયે છૂટા છવાયા વાદળોથી આકાશ ઘેરાયેલું રહેશે. પણ છૂટાછવાયા વરસાદની પણ શક્યતા નહીંવત છે. ગરબાના સમાપન સમયે તો વાતાવરણમાં ઠંડક પણ અનુભવાશે. આથી ખેલૈયાઓનો અડધો થાક તો ઠંડા વાતાવરણને કારણે જ ઉતરી જશે.

આજે બપોર પછી 3 વાગ્યે હાઈએસ્ટ તાપમાન 35 ડિગ્રી રહેશે
આજે છઠ્ઠા નોરતાના દિવસે તાપમાનની વાત કરીએ તો બપોર પછી સૌથી વધુ 35 ડિગ્રી તાપમાન રહેશે. જે ગઈકાલે 36 ડિગ્રી નોંધાયું હતું. તેમજ જેમ સાંજ પડતી જશે તેમ તાપમાનમાં પણ ઘટાડો જોવા મળશે. સાંજના 7 વાગ્યે 31 ડિગ્રી તાપમાન રહેશે અને સાથે વાદળછાયા વાતાવરણને કારણે બફારાનો અનુભવ પણ થશે. પરંતુ રાતના 9 વાગ્યે ગરબા શરૂ થતા જ એક ડિગ્રી તાપમાન ઘટશે. એટલે ધીમે ધીમે બફારાનું પ્રમાણ પણ ઘટતું જશે. રાતના 12 વાગ્યા સુધીમાં ક્રમશઃ તાપમાનમાં ઘટાડો થતો જશે અને ઠંડકનો અનુભવ થશે.

અત્યારસુધી મેઘરાજા વિઘ્ન બન્યા નથી
નવરાત્રિના પાંચ નોરતા પૂર્ણ થઈ ગયા છે અને અત્યારસુધીમાં મેઘરાજાનું વિઘ્ન આવ્યું નથી. પહેલા બે નોરતામાં વરસાદી ઝાપટા વરસ્યા હતા. પરંતુ બાદમાં ક્યાંક છૂટોછવાયો તો ક્યાંક વરસાદી છાંટા જ પડ્યા હતા. વરસાદને કારણે બફારાનું પ્રમાણ પણ વધ્યું હતું. જો કે, હવે મેઘરાજા વિઘ્ન ન બને તેવી ખેલૈયાઓ આશા રાખી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...