અંધશ્રદ્ધામાં જુવાનજોધ દીકરો ખોયો:રાજકોટમાં યુવાને ઝેરી દવા પીધી, પરિવાર હોસ્પિટલને બદલે વાંકાનેરના પડા ગામે ઝેર ઉતારવા લઇ જતા હતા ને રસ્તામાં દમ તોડ્યો

રાજકોટ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • મૃતક દોઢ-બે મહિનાથી ડ્રાઇવિંગનું કામ ન મળતા આર્થિક ભીંસમાં આવી ગયો હતો

વિજ્ઞાન અને ટેક્નોલોજીના યુગમાં હજુ પણ લોકો અંધશ્રદ્ધામાં વિશ્વાસ કરે છે. અંધશ્રદ્ધાને કારણે રાજકોટના એક યુવાનનો પરિવારે જીવ ખોયો છે. શહેરના જૂનામાર્કેટ યાર્ડ પાસે રહેતા એક યુવાને આર્થિક ભીંસથી કંટાળી ઝેરી દવા પી લેતા પરિવારજનો યુવાનને હોસ્પિટલ લઇ જવા બદલે વાંકાનેર નજીક પડા ગામ ખાતે ઝેર ઉતારવા માટે લઇ જઇ રહ્યા હતા. પરંતુ પડા ગામ પહોંચે તે પહેલા જ યુવાને રસ્તામાં જ દમ તોડી દેતા મોત નીપજ્યું હતું.

રસ્તામાં શ્વાસ બંધ થઇ જતાં કુવાડવા હોસ્પિટલમાં ખસેડ્યો
બનાવની વિગત એવી છે કે, રાજકોટના જૂના માર્કેટ યાર્ડ પાસે મંછાનગર-1માં રહેતાં લાલા સુરાભાઇ હણ (ઉં.વ.32) નામના યુવાને ગઇકાલે ઝેરી દવા પી લેતાં અને બહારથી ઝેર પી ઘરે આવતાં પરિવારજનો અને પડોશમાં જ રહેતાં સગા-સંબંધીઓ તેને દવાખાને લઇ જવાને બદલે વાંકાનેરના પડા ગામે ઝેર ઉંતારવા લઇ જવા રવાના થયા હતાં. તે વખતે રસ્તામાં શ્વાસ બંધ થઇ જતાં કુવાડવા હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહીં તબીબે મૃત જાહેર કરતાં ગમગીની વ્યાપી ગઇ હતી.

મૃતક ડ્રાઇવિંગ કરી પરિવારનું ગુજરાન ચલાવતો
બનાવની જાણ થતાં બી-ડિવીઝનના હેડકોન્સ્ટેબલ એચ. જે. જોગડા સહિતે જરૂરી કાર્યવાહી કરી હતી. આપઘાત કરનાર લાલો હણ ડ્રાઇવિંગ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. દોઢ-બે મહિનાથી ડ્રાઇવિંગ કામ મળતું ન હોય આર્થિક ભીંસ ઊભી થતાં કંટાળીને તેણે આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.