શહેરમાં સામાન્ય બાબતે મારામારીના બનાવો રોજિંદા થઇ ગયા છે. રોજ શહેરમાં છરી, લાકડી, પાઇપ જેવા હથિયારો સાથે સરાજાહેર મારામારીના બનાવો વચ્ચે વધુ એક બનાવમાં સત્તાના મદમાં ભાજપના વોર્ડ પ્રમુખે દાદાગીરીનું વરવું પ્રદર્શન કરી યુવાન પર હુમલો કર્યો છે. હુમલામાં ઇજાગ્રસ્ત યુવાને પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
મવડી ચોકડી પાસે આવેલી ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં રહેતા નિલેશભાઇ બાબુભાઇ સીંગડિયા નામના યુવાને નોંધાવેલી ફરિયાદમાં, બુધવારે રાતે તે ઘરે હતા. ત્યારે પાડોશમાં રહેતા અને વોર્ડ નં.11ના ભાજપ પ્રમુખ સંજય નથુ પીપળિયાએ તેની કાર ઘર પાસે પાર્ક કરી હતી. સંજય પીપળિયાએ પાર્ક કરેલી કાર નડતરરૂપ હોય તેને કાર ઘર પાસે પાર્ક કરવાની ના પાડી હતી. સંજય પીપળિયા વધુ ઉશ્કેરાઇ ગયા હતા અને બૂમો પાડી ઝઘડો કરી ઓળખશ મને, હું વોર્ડ પ્રમુખ છું. તેમ છતાં સંજય પીપળિયાને કાર ઘર પાસે રાખવાની ના પાડતા તે વધુ ઉગ્ર બની પોતાની સાથે ઝપાઝપી કરી હતી.
બાદમાં સંજય પીપળિયાએ ત્યાં પડેલી ઇંટ ઉપાડી પોતાના માથામાં ત્રણ ઘા ફટકારી લોહીલુહાણ કરી દીધો હતો.બનાવને પગલે રહેવાસીઓ એકઠા થઇ ગયા હતા અને પોતાને માથામાં ગંભીર ઇજા થતા 108 ને બોલાવી હતી. બાદમાં ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો. માથામાં ગંભીર ઇજા થઇ હોવાથી તુરંત સારવાર આપવામાં આવી હતી.
ત્યારબાદ હોસ્પિટલ ચોકીના સ્ટાફ આવી બનાવની વિગત જાણ્યા બાદ તાલુકા પોલીસને જાણ કરી હતી. બનાવની જાણ થતા તાલુકા પોલીસ હોસ્પિટલ દોડી આવી હતી. તાલુકા પોલીસે સંજય પીપળિયા સામે આઇપીસી 324ની કલમ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. સત્તાના મદમાં વોર્ડ પ્રમુખે આચરેલા કૃત્યથી વિસ્તારના લોકોમાં ભારે રોષ ફેલાયો હતો. જો કે બનાવ સમયે લોકો એકઠા થઇ જતાં મામલો થાળે પડ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.