PGમાં રહેતી યુવતીને પ્રેમીએ મરવા મજબૂર કરી:રાજકોટમાં યુવકે લગ્નની લાલચ આપી મોહજાળમાં ફસાવી, ફોટો વાઇરલ કરવાની ધમકી, યુવતીએ એસિડ પી જિંદગી ટૂંકાવી

રાજકોટએક મહિનો પહેલા

રાજકોટમાં કોલેજ કરતી અને પેઇંગ ગેસ્ટ (PG) તરીકે એસિડ પી આપઘાત કરનાર યુવતીએ પ્રેમ સંબંધમાં જિંદગી ટૂંકાવી હોવાનું સામે આવ્યું છે. આથી પોલીસે આપઘાત કરવા મજબૂર કરનાર પ્રેમી વિરૂદ્ધ IPC 306 મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ 19 વર્ષીય યુવતીને તેજશ હિંડોચા સાથે પ્રેમસબંધ હતો. તેજશ યુવતીને લગ્નની લાલચ આપી મોહજાળમાં ફસાવી બાદમાં ત્યજી દીધી હતી. બાદમાં તેજશે ‘ફોટા વાઇરલ કરી બદનામ કરી દઈશ’ તેવી ધમકી આપી હતી. તેજશના માનસિક ત્રાસથી કંટાળી યુવતીએ આપઘાત કર્યો હોવાનું સામે આવતા પોલીસે યુવતીના પિતાની ફરિયાદ નોંધી છે.

મારી દીકરી બી.કોમ સેમેસ્ટર 5માં અભ્યાસ કરતી
યુવતીના પિતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું ટ્રાન્સપોર્ટનો ધંધો કરું છુ. મારે સંતાનમાં એક 19 વર્ષની દીકરી અને એક 16 વર્ષનો દીકરો છે. દીકરી છેલ્લા દોઢેક વર્ષથી રાજકોટના રૈયા રોડ પર આવેલ અક્ષત મકાનમાં પી.જી.તરીકે રહેતી હતી અને એચ.એન. શુક્લા કોલેજમાં બી.કોમ. સેમેસ્ટર 5માં અભ્યાસ કરતી હતી. ગત 19 સપ્ટેમ્બરના રોજ રાત્રિના ત્રણેક વાગ્યે હું મારા ઘરે હતો ત્યારે મારા ભત્રીજાનો ફોન આવ્યો હતો. તેણે જણાવ્યું હતું કે, તમે તાત્કાલિક રાજકોટ આવો દીકરીએ કાંઇક દવા પી લીધી છે.

હું અને મારી પત્ની રાજકોટ આવવા રવાના થયા
આથી હું અને મારી પત્ની બન્ને મારા ભાણેજ સાથે તેની કારમાં રાજકોટ આવવા નીકળ્યા હતા. સવારે સાતેક વાગ્યે રાજકોટ પહોંચ્યા અને મારી દીકરીને રાજકોટ ખાનગી હોસ્પિટલ દાખલ કરી હોવાનુ જાણવા મળતા ત્યાં ગયા હતા. ત્યારે મારી દીકરીની ICUમાં સારવાર ચાલુ હતી અને તે વેન્ટીલેટર પર ઉપર હતી. ત્યાં મારી ભત્રીજી હતી તેણે મને જણાવ્યું કે રાત્રિના આશરે અઢી વાગ્યાના અરસામાં તમારી દીકરીએ પોતાની જાતે કોઈ કારણસર બાથરૂમ સાફ કરવાનુ એસિડ પી લીધું હતું. બાદમાં ઊલટી-ઊબકા કરતી હોય તેની સાથે રૂમમાં રહેતી અન્ય એક વિદ્યાર્થિની જાગી જતા તેણે અમને જગાડ્યા હતા.

દીકરીએ સારવારમાં દમ તોડી દીધો હતો
ભત્રીજીએ વધુમાં જણાવ્યું હતું કે, તમારી દીકરી બેભાન જેવી થઇ જતા અમે તેને અહીં વોકહાર્ટ હોસ્પિટલમાં સારવારમાં લઈ આવ્યા હતા. બીજા દીવસે 20 સપ્ટેમ્બરના રોજ સાંજના ચારેક વાગ્યે મારી દીકરી સારવાર દરમિયાન મૃત્યુ પામી હતી. આ અંગે જે-તે વખતે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં મારી દીકરીનો અકસ્માત મોતનો બનાવ જાહેર થયેલ હતો અને બાદમાં મારી દીકરીના પીએમ બાદ અંતિમવિધિ માટે મૃતદેહ અમને સોંપતા અમે મીઠાપુર જઈ અંતિમવિધિ કરી હતી.

મારી પત્નીએ હકીકત કહી
બાદમાં મારી દીકરીનુ બેસણું પુરૂ થયા મારી પત્નીએ પરિવારના સભ્યોની હાજરીમાં વાત કરી કે ગત 18 સપ્ટેમ્બરના રોજ દીકરીનો વીડિયો કોલ આવ્યો હતો. ત્યારે પરીવારના બધા સભ્યોએ વાત કરી હતી. પછી મારી સાથે દીકરીએ એકાંતમાં વાત કરી હતી ત્યારે તે રડવા લાગી હતી. આથી મેં તેને રડવાનુ કારણ પૂછતા તેણે જણાવ્યું હતું કે, તેને આપણા ઘર સામે રહેતા તેજશ હીંડોચા સાથે ઘણા લાંબા સમયથી પ્રેમ સબંધ છે. તેને મારી સાથે લગ્ન કરવાનુ મને વચન આપ્યું હતુ. પરંતુ હવે તેજશ અવારનવાર ફોન ઉપાડતો નથી અને મને ઇગ્નોર કરે છે. કાંઇ જવાબ આપતો નથી અને તેને હવે બીજી છોકરી સાથે પ્રેમ સબંધ છે.

તેજશ અવારનવાર ધમકી આપી માનસિક ત્રાસ
દીકરીએ વધુમાં કહ્યું હતું કે, હું તેની સાથે લગ્ન કરવાનો છું. તું હવે મને ભુલી જજે અને મને ફોન કરતી નહીં અને અત્યારસુધી આપણે જે કર્યું છે તે ભૂલી જાજે, નહીંતર તારા ફોટા મારી પાસે છે. તે વાઇરલ કરી તને બદનામ કરી તને જીવવા નહીં દઉં તેમ કહી અવારનવાર ધમકી આપી માનસિક ત્રાસ આપે છે. હવે મારે શું કરવુ તેમ પૂછતા મે તેને સાંત્વના આપી હતી અને જણાવ્યું કે, હું તારા પપ્પાને વાત કરીશ બધુ સારૂ થઇ જશે. ત્યારબાદ મોડીરાત્રિના દીકરીએ એસિડ પી લેતા આ બનાવ બન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...