મધરાતે પોલીસ સ્ટેશન બાનમાં લીધું, LIVE:રાજકોટમાં બૂટલેગરના પરિવારની મહિલાઓનું પોલીસ સાથે ઘર્ષણ, બેફામ ગાળો ભાંડી, 50 હજારના હપ્તાનો આક્ષેપ

રાજકોટ2 મહિનો પહેલા

રાજકોટમાં ગઈકાલે રાત્રે સ્થાનિક પોલીસને ઊંઘતી રાખી સ્ટેટ વિજિલન્સની ટીમે ગોકુલધામ વિસ્તારમાં નામચીન બૂટલેગર હાર્દિક ઉર્ફે કવિ હરેશભાઈ સોલંકીના દેશી દારૂના અડ્ડા પર દરોડો પાડ્યો હતો. બાદમાં પોલીસે હાર્દિક સહિત 5થી 6 શખ્સોને ઝડપી લઈ ચાર વાહન, મોબાઈલ સહિત લાખોની મતા કબજે કરી હતી. બાદમાં હાર્દિકના પરિવારની મહિલાઓ માલવિયાનગર પોલીસ સ્ટેશન પહોંચી હતી અને આખું પોલીસ સ્ટેશન બાનમાં લીધું હતું. મહિલાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. મહિલાઓએ પોલીસને બેફામ ગાળો ભાંડી હતી અને આક્ષેપ કર્યો હતો કે, પોલીસ 50 હજાર રૂપિયા લઈ જાય છે. જો કે થોડીવાર તો પોલીસ સ્ટેશનમાં તંગ વાતાવરણ બની ગયું હતું.

20 હજાર વિજિલન્સવાળા ડીઝલના લે છે
વીડિયોમાં જોવા મળતી વિગત મુજબ પોલીસ સાથે રકઝક થતાં જ હાર્દિક બે હાથ ઊંચા કરીને એક જ રટણ કરી રહ્યો છે કે, ચાલો મને મારી નાખો હાલો... જ્યારે એક યુવતી કહે છે કે, મારતા નહીં તો પોલીસકર્મી બોલે છે કે કોઈ નથી મારતું તમારા પપ્પાને. ત્યારે યુવતી બોલે છે કે વિજિલન્સવાળા પૈસા લઈ જાય તોય આવે છે દરોડો પાડવા. બાદમાં યુવતી બેફામ પોલીસને ગાળો દેવા લાગે છે અને કહે છે મને હાથ લગાડ. એક મહિલા બોલે છે કે 50-50 હજાર રૂપિયા લઈ જાય છે. દારૂનો ધંધો મોજથી કરો અમે બેઠા છીએ એવું કહે છે. પોણા બે લાખ રૂપિયા માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં જાય છે, બાકી આ લેડીઝ મોઢે બુકાની બાંધીને 2-2 હજાર લઈ જાય છે. 20 હજાર વિજિલન્સવાળા ડીઝલના લે છે.

પોલીસ સ્ટેશનમાં મહિલાઓ ઉગ્ર બની.
પોલીસ સ્ટેશનમાં મહિલાઓ ઉગ્ર બની.

પોલીસવાળા 4 હજારવાળી દારૂની બોટલ લઈ જાય છે
વીડિયોમાં મહિલા વધુમાં જણાવે છે કે, પોલીસ અત્યારે રેડ પાડવા આવે છે કે દારૂ પીવા આવે છે તે રીતનું વર્તન કરે છે. 90 હજાર સેટીમાં રાખ્યા હતા તે પણ લઈ ગયા છે. મુદ્દામાલમાં લખ્યા છે તે પોલીસ ફરિયાદમાં લખ્યું છે કે નહીં તે બતાવો. હાલતા પોલીસવાળા 4-4 હજારવાળી દારૂની બોટલ લઈ જાય છે. હાર્દિક દેશી વેચે અને પોલીસવાળાને 4-4 હજારવાળી દારૂની બોટલ આપે છે. દર મહિને પોતાના પરિવારને ફરવા માટે દીવ લઈ જાય ત્યારે હાર્દિકને કહે છે કે, હાર્દિક 20 હજારનું બિલ થયું છે, ફ્રીઝ, એસી લઈ દે. દરોડો પાડવા આવ્યા ત્યારે પોલીસ બેઠાં બેઠાં દારૂ કેમ પીતા હતા? જેટલાએ પીધો તેનો ટેસ્ટ કરાવો.

બૂટલેગર હાર્દિકની પોલીસે ધરપકડ કરી.
બૂટલેગર હાર્દિકની પોલીસે ધરપકડ કરી.

200 લિટર દારૂ અને 3 હજાર લિટર આથો જપ્ત
ગોકુલધામ ક્વાર્ટરમાં નામચીન બૂટલેગર હાર્દિક સરાજાહેર દારૂ બનાવતો અને વેચતો હોવાની વધુ એક વખત માહિતી મળતાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ ખાબકી હતી. આ ટીમે સ્થળ પરથી 200 લિટર દારૂ અને 3 હજાર લિટર જેટલો આથો જથ્થો જપ્ત કર્યાની પ્રાથમિક માહિતી બહાર આવી હતી. મંગળવારે રાત્રે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ ત્રાટક્યાની જાણ થતાં માલવિયાનગર પોલીસમાં સોપો પડી ગયો હતો અને કેટલો દારૂ પકડાયો, મોટો જથ્થો છે કે કેમ તે સહિતની માહિતી મેળવવા સ્થાનિક પોલીસ ખાનગી રીતે સક્રિય બની હતી.

મહિલાઓએ પોલીસને બેફામ ગાળો ભાંડી.
મહિલાઓએ પોલીસને બેફામ ગાળો ભાંડી.

કુખ્યાત બૂટલેગર બિન્દાસ્ત રીતે દારૂ વેચતો હતો
અગાઉ વિદેશી દારૂનો વેપલો કરનાર હાર્દિકે ચારેક વર્ષથી દેશી દારૂની ભઠ્ઠી શરૂ કરી હતી અને ખજૂરી સહિતના ફ્રૂટનો દારૂ બનાવી તેનું વેચાણ કરતો હતો, ગત તા.26 એપ્રિલના પણ સ્ટેટ મોનિટરિંગ સેલે આ જ સ્થળે દરોડો પાડી દારૂ અને આથાનો મોટો જથ્થો પકડ્યો હતો, વિધાનસભાની ચૂંટણીનું મતદાન તા.1 ડિસેમ્બરે થવાનું છે, ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં થાય તે માટે શહેર પોલીસે બૂટલેગર અને અસામાજિક તત્ત્વો સામે લાલ આંખ કરી મોટા પ્રમાણમાં અટકાયતી પગલાં ભર્યાં છે તેવો મંગળવારે જ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે પત્રકાર પરિષદમાં દાવો કર્યો હતો.

પોલીસ અને યુવતી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ.
પોલીસ અને યુવતી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ.

7 મહિના પહેલાં પણ આ બૂટલેગરના અડ્ડા પર દરોડો પાડ્યો હતો
7 માસ પહેલાં પણ સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઈ પરમારે દરોડો પાડી 11 શખ્સોને ઝડપી લીધા હતા. જેની પ્રાથમિક તપાસમાં મિની બાર તેમજ દારૂની ભઠ્ઠી છએક માસથી ધમધમતી હોવાનું બહાર આવ્યું હતું. જ્યારે દરોડા બાદ સૂત્રધાર હાર્દિક પકડાયા બાદ કેટલાક સવાલો ઊઠવા પામ્યા છે. સ્ટેટ વિજિલન્સે 7 માસમાં બીજી વખત એક જ બૂટલેગરના બાર ઉપર દરોડો પાડ્યો છે ત્યારે પોલીસની બેદરકારી અંગે પગલાં લેવાશે કે કેમ તેના ઉપર સૌની મીટ મંડાયેલી છે. બનાવને પગલે વિસ્તારની મહિલાઓ સહિતનું ટોળું દારૂનો વેપલો બંધ કરાવવાની રજૂઆત કરવા માલવિયાનગર પોલીસ સ્ટેશને પહોંચતા પોલીસે કાર્યવાહી કરી છે.

બૂટલેગરને પોલીસે પકડી રાખ્યો.
બૂટલેગરને પોલીસે પકડી રાખ્યો.

આચારસંહિતા લાગુ થયાના 27 દિવસમાં 38 લાખનો દારૂ પકડ્યો
ગુજરાત રાજ્ય વિધાનસભાની ચૂંટણી જાહેર થતાંની સાથે જ સજ્જ થયેલા પોલીસ તંત્રે ચૂંટણી દરમિયાન શાંતિમય વાતાવરણ રહે તે માટે અસામાજિક તત્ત્વો સામે લાલ આંખ કરી ઝડપી લઇને કાર્યવાહી કરવાની ઝુંબેશ શરૂ કરી હતી. ત્યારે રાજકોટ પોલીસે ચૂંટણી સંદર્ભે લાગુ થયેલી આચારસંહિતાનો કડકપણે અમલ કરાવવાનું શરૂ કર્યું છે. 3 નવેમ્બરથી લાગુ થયેલા આચારસંહિતા દરમિયાન રાજકોટ શહેર પોલીસે 27 દિવસમાં અગાઉની ચૂંટણી સમયે બનેલા ગુનાઓને ધ્યાને રાખી તેમજ અગાઉ અસામાજિક પ્રવૃત્તિઓ આચરતા કુખ્યાત ગુનેગારો આગામી ચૂંટણીમાં ગુનો આચરે તે પહેલાં જ તેમની સામે કાર્યવાહી કરી છે. બે ઝોનમાં વહેંચાયેલા રાજકોટ શહેરમાં સમગ્ર પોલીસે જુદા જુદા વિસ્તારોમાંથી 3691 લિટર દેશી દારૂ તેમજ 10,081 બોટલ વિદેશી દારૂની મળી કુલ રૂ.38 લાખનો જથ્થો પકડી પાડ્યો છે.

બૂટલેગરે બે હાથ ઊંચા કરી મને મારી નાખોનું રટણ કર્યું.
બૂટલેગરે બે હાથ ઊંચા કરી મને મારી નાખોનું રટણ કર્યું.
પોલીસ સાથે મહિલાઓનું ઘર્ષણ.
પોલીસ સાથે મહિલાઓનું ઘર્ષણ.
ધરપકડ થતાં જ બૂટલેગર ઉશ્કેરાયો હતો.
ધરપકડ થતાં જ બૂટલેગર ઉશ્કેરાયો હતો.
પોલીસ અને બૂટલેગર વચ્ચે ઘર્ષણ.
પોલીસ અને બૂટલેગર વચ્ચે ઘર્ષણ.
અન્ય સમાચારો પણ છે...