તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તોળાતું જળસંકટ:રાજકોટમાં પાણીકાપની શક્યતા, આજી ડેમમાં માત્ર 30 દિવસનું જ પાણી, મેયરે કહ્યું- ઓગસ્ટ મહિના સુધી ચાલે તેટલું પાણી આજીમાં ઉપલબ્ધ છે

રાજકોટ21 દિવસ પહેલા
આજી ડેમમાંથી દરરોજ 120 એમ.સી.એફ.ટી પાણીનો ઉપાડ થાય છે
  • વરસાદ નહીં પડે તો શહેરીજનોને પાણીકાપનો સામનો કરવો પડે તેવી સ્થિતિ

રાજકોટમાં વરસાદે વિરામ લેતાં બફારાથી લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. ચોમાસાની સારી જમાવટ થયા બાદ અચાનક વરસાદે વિરામ લેતાં ગરમી અને બફારાનું પ્રમાણ વધી ગયું છે. હાલ જૂલાઈ શરૂ થવા છતાં વરસાદના એંધાણ ન વર્તાતા આજી અને ન્યારી ડેમની સપાટી ધીરે-ધીરે ઘટી રહી છે. અને હાલ માત્ર 30 દિવસ ચાલે તેટલો જથ્થો ઉપલબ્ધ છે. ત્યારે જો સમયસર વરસાદ ન આવે તો શહેરમાં પણ પીવાના પાણીની મુશ્કેલી ઉભી થાય તેવી સંભાવના જોવાઈ રહી છે. આ અંગે મેયર ડો.પ્રદીપ ડવે નિવેદન આપતા જણાવ્યું હતું કે, હાલ શહેરનાં મુખ્ય જળાશયોમાં ઓગષ્ટ મહિના સુધી ચાલે તેટલું પાણી છે. અને જરૂર પડ્યે સૌની યોજના હેઠળ ડેમો ભરી આપવામાં આવશે.

સૌની યોજના દ્વારા આજી અને ન્યારી ડેમ ભરાયા હતા
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, અગાઉ શહેર માત્ર વરસાદ આધારિત હતું. પરંતુ PM મોદી અને CM રૂપાણીનાં પ્રયાસોને કારણે સૌની યોજના શરૂ થયા બાદ પાણીની મુશ્કેલી ભૂતકાળ બની ચુકી છે. હાલ આજી ન્યારી અને ભાદર ડેમમાં તેની કુલ ક્ષમતાનાં 50 ટકા પાણી છે. જેને કારણે ઓગષ્ટ મહિના સુધી પાણીની તંગી સર્જાય તેવી કોઈ શક્યતા નથી. તેમજ નર્મદાનું પાણી પણ મળતું હોવાથી પાણીકાપ મુકવો પડે તેવો સવાલ જ નથી. છેલ્લે એપ્રિલ મહિનામાં સૌની યોજના દ્વારા આજી અને ન્યારી ડેમ ભરાયા હતા. અને જરૂર પડ્યે ફરીથી આ ડેમો ભરવાની તૈયારી પણ તેમણે દર્શાવી છે.

મેયર ડો.પ્રદીપ ડવ
મેયર ડો.પ્રદીપ ડવ

દૈનિક 120 એમ.સી.એફ.ટી પાણીનો ઉપાડ થાય છે
ઉલ્લેખનીય છે કે રાજકોટવાસીઓના માથે પાણીનું સંકટ ઘેરાયુ રહ્યું છે, શહેરમાં અનેક વિસ્તારોને પાણી પુરૂ પાડતો આજી ડેમમાં માત્ર 30 દિવસ ચાલે તેટલો જ પાણીનો જથ્થો છે. હાલ આજી ડેમમાં ટોટલ 15.5 ફૂટ પાણીનો જથ્થો છે. જેમાંથી દરરોજ 120 એમ.સી.એફ.ટી પાણીનો ઉપાડ થાય છે. હાલ પંપહાઉસ ઉપર પાણીનો જથ્થો હોવાથી પૂરતા ફોર્સથી પાણી મળી રહે છે પરંતુ આવતા દિવસોમાં જ્યારે પાણીનું લેવલ પંપહાઉસ નીચે આવશે ત્યારે પાણી ઓછા ફોર્સથી મળે તેવી સમસ્યા પણ ઊભી થઈ શકે છે. જેના કારણે આગમની દિવસોમાં શહેરીજનોને પાણીકાપની સમસ્યાનો સામનો કરવો પડે તેવી શક્યતા વર્તાઈ રહી છે .

પાણી ઓછા ફોર્સથી મળે તેવી સમસ્યા પણ ઊભી થઈ શકે
પાણી ઓછા ફોર્સથી મળે તેવી સમસ્યા પણ ઊભી થઈ શકે
અન્ય સમાચારો પણ છે...