વ્યાજખોરથી ત્રસ્ત મહિલા ચોધાર આંસુએ રડી:રાજકોટમાં વ્યાજખોરે ધમકી આપતાં કહ્યું, 'આ દંડા તમારા માટે જ રાખ્યા છે, મને વ્યાજ નહીં આપો તો દંડે-દંડે મારીશ’

રાજકોટ24 દિવસ પહેલા

રાજકોટમાં વ્યાજખોરો સામે કાર્યવાહી કરવા માટે બે દિવસ પહેલાં શહેર પોલીસ દ્વારા હેમુ ગઢવી હોલમાં લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં એક પરિવારે પિન્ટુ રાઠોડ નામાના વ્યાજખોર સામે ફરિયાદ કરી હતી. પરિવારની મહિલા ચોધાર આંસુ સાથે રડી પડી હતી અને જણાવ્યું હતું કે પિન્ટુભાઈ પાસેથી 17.50 લાખ 5 ટકાના વ્યાજે રૂપિયા લીધા હતા, જેનો દર મહિને 27.50 હજારનો હપતો 2016થી ચૂકવતા આવ્યા છીએ. હવે પરિવાર વ્યાજ ચૂકવવામાં અસમર્થ છે. એકવાર હું પિન્ટુભાઈની ઓફિસે ગઈ તો તેણે કહ્યું હતું કે આ દંડા તમારા માટે જ રાખ્યા છે, મને વ્યાજ નહીં આપો તો દંડે-દંડે મારીશ. મહિલાની ફરિયાદ પરથી અંતે થોરાળા પોલીસે પિન્ટુ રાઠોડ સામે મનીલેન્ડ એક્ટ અને IPC કલમ 386 હેઠળ ગુનો નોંધ્યો છે.

ડાયાબિટીસ અને બીપીની બીમારી છે
મનીષાબેને વધુમાં જણાવ્યું હતું કે 2016માં અમે પિન્ટુભાઈ કવાભાઈ રાઠોડ પાસેથી વ્યાજે પૈસા લીધા હતા. હાલ અમે પૈસા ભરી શકીએ એમ નથી. ડાયાબિટીસ અને બીપીની બીમારી હોવાથી અમે એવી કોઈ મહેનત કરી શકતા નથી કે વ્યાજ ભરી શકીએ. 10 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા અને એનું ત્રણ ગણું વ્યાજ ચૂકવ્યું છે. મારું મકાન પણ લોન પર છે. મેં તેને કહ્યું, મારું મકાન જોઇએ તો લઈ લો, પણ દબાણ ન કરો, વારંવાર ફોન કરી ગાળો આપે છે. એકવાર હું પિન્ટુ રાઠોડની ઓફિસે ગઈ તો કહ્યું, આ દંડા તમારા માટે જ રાખ્યા છે. તમે મને વ્યાજ નહીં આપો તો અમે દંડે-દંડે તમને મારીશું. મારા મકાનની ફાઈલ બેંકમાં પડી છે તો એને હું કઈ રીતે આપું. કુલ અમે 17.50 લાખ લીધા હતા અને 2016થી દર મહિને 27.50 હજારનો હપતો ચૂકવ્યો છે.

મહિલા ચોધાર આંસુ સાથે રડી.
મહિલા ચોધાર આંસુ સાથે રડી.

ધમકીને કારણે એક દીકરો છોડીને જતો રહ્યો
તેમણે વધુમાં જણાવ્યું હતું કે પિન્ટુભાઈ પાસેથી 5 ટકા વ્યાજે રૂપિયા લીધા છે. પોલીસ પાસે અમે અપેક્ષા રાખીએ છીએ કે અમને હવે આમાંથી છોડાવો. આ મકાનની ફાઈલ મારા નણદોઈની છે. મારા નણદોઈને પણ ત્રણ દીકરી જ છે અને તેને બીજો કોઈ આધાર નથી. અત્યારે મારા નણદોઈને અને મારે કોઈ કમાવાવાળું નથી. બે પુત્ર છે એ બન્ને અલગ અલગ થઈ ગયા છે. એક તો ધમકીને કારણે છોડીને જતો રહ્યો છે.

કનકનગરમાં રહેતા પરિવારે વ્યાજખોર સામે ફરિયાદ નોંધાવી
સંત કબીર રોડ પરની કનકનગર સોસાયટી શેરી નં.2માં રહેતા અને મજૂરી કરતા હેમંતભાઈ હરિભાઈ ટુડિયાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેને સંતાનમાં બે પુત્ર છે. સાત વર્ષ પહેલાં હૃદયરોગનો હુમલો આવ્યો હતો. બીપી, ડાયાબિટીસની પણ તકલીફ હતી. 2015માં નાણાંની જરૂર પડતાં કાકાના પુત્ર દીપક મારફત ભાવનગર રોડ પર આરએમસી શાળા નં.13 સામે ઓફિસ ધરાવતા પિન્ટુનો સંપર્ક કર્યો હતો. તેની પાસેથી રૂ.1 લાખ 5 ટકાના વ્યાજે લીધા હતા, જેનું નિયમિત વ્યાજ ચૂકવતા હતા. ત્યાર બાદ રૂ.6.50 લાખ વ્યાજ લઈ બદલામાં 7 કોરા ચેક આપ્યા હતા.

વ્યાજખોર પિન્ટુ રાઠોડની ફાઈલ તસવીર.
વ્યાજખોર પિન્ટુ રાઠોડની ફાઈલ તસવીર.

2018માં ફરી હૃદયરોગનો હુમલો આવ્યો
થોડા સમય બાદ 6.50 લાખ પરત આપી દીધા હતા. આ પછી ફરીથી 6.50 લાખ લઈ બદલામાં બીજા કોરા 7 ચેક આપ્યા હતા. 2018માં તેને ફરીથી હૃદયરોગનો હુમલો આવતાં સારવાર અને કામધંધા માટે વધુ 10 લાખ વ્યાજે લીધા હતા. એ વખતે પિન્ટુએ જામીનગીરી માટે દસ્તાવેજ આપવાની વાત કરતાં કનકનગરમાં પોતાના નામે આવેલા મકાન પર લોન લીધેલી હોવાથી એ મકાનના કાગળો લેવાની પિન્ટુએ ના પાડતાં પોતાના બનેવી વીરજીભાઈના પિતા રમેશભાઈ પોપટભાઈ લાઠિયાના નામે રાજારામ સોસાયટીમાં સૂચિતનું મકાન હોવાથી એના કાગળોની ફાઈલ આપી હતી. બાદમાં પિન્ટુએ તેના બદલામાં રૂ.10 લાખ આપ્યા હતા. આ પછી વધુ 1 લાખ 5 ટકા વ્યાજે લીધા હતા, જેનું નિયમિત વ્યાજ ચૂકવતા હતા.

સોનાના દાગીના વેચી વ્યાજ ચૂકવતા
એટલું જ નહીં, પોતાના ગામ લુણસરિયામાં પિતાના નામે આવેલી ખેતીની સાડાચાર વીઘા જમીનની બુક પણ પિન્ટુને ગીરવી તરીકે આપી હતી. આ દરમિયાન બીમારી વધી જતાં મુદ્દલ રકમ ચૂકવી શક્યા નહોતા, સાથોસાથ બનેવીના મકાનની ફાઈલ પણ છોડાવી શક્યા નહોતા. ઘરના સોનાના દાગીના વેચી વ્યાજ ચૂકવતા હતા, પરંતુ પછીથી નાણાંની વ્યવસ્થા નહીં થતાં ગત 20-6-2022ના રોજ પિન્ટુએ નાણાં આપવા માટે દબાણ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

પિન્ટુ વારંવાર ધમકીઓ આપતો.
પિન્ટુ વારંવાર ધમકીઓ આપતો.

સૂચિતનું મકાન આપો, નહીંતર ટાંટિયા ભાંગી નાખીશની ધમકી
જેને કારણે ડરીને સગાસંબંધીઓ પાસેથી જેમ તેમ કરી રૂ.50 હજારની વ્યવસ્થા કરી તેને ચૂકવી દીધા હતા. છેલ્લા ઘણા સમયથી ધંધો પડી ભાંગતાં વ્યાજ ચૂકવી નહીં શકતાં પિન્ટુ અવારનવાર ઓફિસે બોલાવી અને ઘરે આવી ધમકીઓ આપતો હતો. આ ઉપરાંત બનેવીના ઘરે જઈને પણ એવી ધમકી આપતો હતો કે સૂચિત મકાન મને કરી આપો, નહીંતર તમારા ટાંટિયા ભાંગી નાખીશ. આ ધમકીના કારણે તેનો પુત્ર હાર્દિક બીજે રહેવા જતો રહ્યો હતો. પિન્ટુનો ત્રાસ સહન નહીં થતાં આખરે તેના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ કેસમાં મનીલેન્ડ એક્ટ અને IPC કલમ 386 લગાડી છે, જેમાં 10 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે.

અન્ય સમાચારો પણ છે...