કોન્સ્ટેબલની દાદાગીરી:રાજકોટમાં ટ્રાન્સપોર્ટરે કહ્યું- 12.50 લાખ ઉછીના આપ્યા, પાછા માગતા ગુનામાં ફીટ કરવાની ધમકી આપી, કિડની વેચી રૂપિયા આપવાના વાયદા કર્યા'તા

રાજકોટ6 મહિનો પહેલા
  • ટ્રાન્સપોર્ટરે બે બે વખત પોલીસને અરજી કરી પણ કોઈ જવાબ નહીં
  • મારી માગ છે કે, મને મારા પૈસા પરત આપવામાં આવે

રાજકોટ દક્ષિણના ધારાસભ્ય ગોવિંદ પટેલનાં લેટરબોમ્બ બાદ રાજકોટ પોલીસથી પીડિત ફરિયાદીઓ એક બાદ એક મીડિયા સમક્ષ આવી પોતાની આપવીતિ જણાવી રહ્યા છે. જોકે આજે એક નવી મોડેસ ઓપરેન્ડી પણ સામે આવી છે. જેમાં રાજકોટ પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા અજીતસિંહ પરમારે ટ્રાન્સપોર્ટનો ધંધો કરતા યુવાન સાથે મિત્રતા કેળવી હાથ ઉછીના 12.50 લાખ રૂપિયા લઇ પરત ન આપવાની ઘટના સામે આવી છે. પોલીસથી પીડિત ટ્રાન્સપોર્ટરે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, અજીતસિંહને મિત્રના દાવે 12.50 લાખ રૂપિયા મદદ માટે ઉછીના આપ્યા હતા. પરંતુ પરત માગતા તેણે કોઈ ગુનામાં ફીટ કરવાની ધમકી આપી હતી. અજીતસિંહે કિડની વેચી તારા રૂપિયા આપીશ તેવા વાયદા કર્યા હતા.

કોન્સ્ટેબલે અમદાવાદ જઈ કિડની વેચી પૈસા આપવાની વાત કરી હતી
જોકે આ બાદ ફરિયાદી ફરિયાદ કરવા પહોંચ્યા પણ તેમની ફરિયાદ કોઈ લેવા તૈયાર થઇ રહ્યું નથી અને અરજીનાં આધારે કોઈ કામગીરી કરવામાં આવતી નથી. કારણ કે, આ ફરિયાદમાં આરોપ પોલીસકર્મી પર જ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં ફરિયાદીની ઓફિસમાં બેસી અજીતસિંહ આજથી 4 મહિના પહેલા અમદાવાદ જઇ કિડની વેચીને તમને પૈસા આપી દઉં તેવું બોલતા રહ્યા પણ આજ દિવસ સુધી રૂપિયા પરત ન આપતા ફરિયાદી મીડિયા સમક્ષ આવી આપવીતી જણાવી હતી.

મિલન અજાણીને અજીતસિંહ સાથે મિત્રતા બંધાઈ હતી
પોલીસના અવનવા કરતૂતોનો દરરોજ ભાંડાફોડ થઇ રહ્યો છે. રાજકોટમાં ધીરજ એન્ટરપ્રાઇઝ નામે ટ્રાન્સપોર્ટ ચલાવતાં મિલન અજાણીએ આક્ષેપ કર્યો હતો કે, અગાઉ તેમનો પરિચય ક્રાઇમ બ્રાંચના કોન્સ્ટેબલ અજીતસિંહ જેમુભા પરમાર સાથે થયો હતો, પોલીસમેન અવારનવાર તેની ઓફિસે આવતા હતા. ગત જુલાઇ મહિનામાં અજીતસિંહે ટ્રાન્સપોર્ટરને કહ્યું હતું કે, PSI સોનારાના રૂ.1 કરોડ પોતાની પાસે પડ્યા હતા. જેમાંથી રૂ.55 લાખ વિક્રમભાઇ વાંકને ટ્રકનો ધંધો કરવા આપ્યા હતા, PSI સોનારાને રૂ.1 કરોડ પરત આપવાના છે. તેમાં રૂ.20 લાખ ઘટતા હોય તે 10 દિવસ માટે આપવાનું કહ્યું હતું.

આજે મિલન અજાણીએ મીડિયા સમક્ષ આવી પોતાની વ્યથા ઠાલવી.
આજે મિલન અજાણીએ મીડિયા સમક્ષ આવી પોતાની વ્યથા ઠાલવી.

બે વખત અરજી કરી પણ કોઈ જવાબ નહીં
અજીતસિંહે વધુમાં જણાવ્યું હતું કે મારી પાસે તે સમયે રૂ.12.50 લાખ હોય તે રકમ આપી હતી, ત્યારબાદ અનેક વખત ઉઘરાણી કરવા છતાં પોલીસમેન અજીતસિંહ પરમારે રકમ પરત આપી નહોતી અને કોઇ પણ ગુનામાં ફીટ કરી દેવાની ધમકી આપી હતી. અગાઉ બે વખત અરજી પણ કરવામાં આવી છે. અરજીનો કોઈ જવાબ આવ્યો નથી અને તપાસ પણ કરવામાંઆવી નથી.

બી ડિવિઝન પીઆઇને મળ્યો પણ કોઈ જવાબ આપ્યો નહીં
અજીતસિંહે વધુમાં જણાવ્યું હતું કે, જોકે બાદમાં અરજી બી. ડિવીઝન પોલીસ સ્ટેશનમા પહોંચતા ત્રણ મહિના પૂર્વ બી ડિવિઝન પીઆઇ ઔસુરાને પણ મળ્યા હતા. પરંતુ તેમને યોગ્ય ઉત્તર આપ્યો નહોતો અને આગળ કંઈ નહીં થાય કહી બહાર કાઢ્યા હતા. અમારી માગ છે કે, અમને અમારા પૈસા પરત આપવામાં આવે. કારણ કે અમે પણ એકબીજા મિત્રોએ સાથે મળી અજીતસિંહને રૂપિયા આપ્યા છે, હવે તેઓ કોઈ જવાબ આપતા નથી.

પોલીસ કોન્સ્ટેબલ મિલનની ઓફિસે અવારનવાર આવતા (સર્કલમાં કોન્સ્ટેબલ અજીતસિંહ)
પોલીસ કોન્સ્ટેબલ મિલનની ઓફિસે અવારનવાર આવતા (સર્કલમાં કોન્સ્ટેબલ અજીતસિંહ)

અજીતસિંહની યુનિવર્સિટી પોલીસમાં બદલી
ઉલ્લેખનીય છે કે, અજીતસિંહ પરમારની થોડા સમય પહેલા રાજકોટ યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે બદલી કરવામાં આવી છે. તેઓ વારંવાર ટ્રાન્સપોર્ટની ઓફિસ બેસવા પણ જતા હતા અને ગત 1 ઓક્ટોબર 2021નાં રોજ તેઓ ત્યાં ઓફિસમાં બેસી કહ્યું હતું કે, હું અમદાવાદ જઈને મારી કિડની વેચીને પણ પૈસા આપી દઇશ. અત્યારની મારી પરિસ્થિતિ શું છે એ તમને ખબર જ છે. જોકે 6 મહિના કરતા વધુ સમય થયો રૂપિયા પરત ન મળતા ફરિયાદી યુવાન ન્યાયની માગ સાથે મીડિયા સમક્ષ આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...