રાજકોટમાં મહાપાલિકાની વેરા વસૂલાત શાખા બાકીદારો પર તૂટી પડી છે. આજે વેરા વસુલાત શાખાની ટીમે ઈમ્પિરિયલ હાઈટસ અને મટુકી રેસ્ટોરન્ટ સહિત વોર્ડ નં.1થી 15માં ચેકિંગ હાથ ધરી કુલ 44.79 લાખની વેરા વસૂલાત કરી હોવાનું જાણવા મળે છે. જ્યારે 5 જેટલી મિલકતને સીલ લગાવી દેવાયું છે તો 21ને મિલકત જપ્તી નોટિસ આપવામાં આવી છે.
12 મિલકતોને ટાંચ જપ્તી નોટિસ ફટકારાઈ
આજે મહાપાલિકાની ટેક્સ બ્રાન્ચ દ્વારા 150 ફૂટ રોડ, સદગુરુનગર, ઈમ્પિરિયલ હાઈટસ, યોગીનગર, મટુકી રેસ્ટોરન્ટ, અમરનગર મેઈન રોડ, લક્ષ્મીવાડી સહિતના વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરી રિકવરી કરવામાં આવી હતી. ટેક્સ બ્રાન્ચ દ્વારા સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં 3 મિલકતોને સીલ મારવામાં આવ્યું હતું તો 12 મિલકતોને ટાંચ જપ્તી નોટિસ ફટકારાઈ હતી. આ સાથે જ રૂા.7.21 લાખની રિકવરી કરાઈ હતી.
એક જ દિવસમાં પાંચ મિલકતોને સીલ કરાઈ
જ્યારે વેસ્ટ ઝોન ટેક્સ બ્રાન્ચ દ્વારા ચાર મિલકતોને ટાંચ જપ્તી નોટિસ અને રૂા.16.42 લાખની રિકવરી કરાઈ હતી. ઈસ્ટ ઝોન ટેક્સ બ્રાન્ચ દ્વારા બે મિલકતોને સીલ લગાવાયા હતા તો પાંચ મિલકતોને ટાંચ જપ્તી નોટિસ ફટકારવામાં આવી હતી. અહીંથી રૂા.21.16 લાખની રિકવરી કરવામાં આવી હતી. આમ એક જ દિવસમાં પાંચ મિલકતોને સીલ કરાઈ હતી તો 21 મિલકતોને ટાંચ જપ્તી નોટિસ આપવામાં આવી હતી. મહાપાલિકા દ્વારા મિલકત વેરા વસૂલાત સઘન બનાવવામાં આવતાં બાકીદારોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.