રાજકોટ શહેરના રેસકોર્સ ગાર્ડનમાં ખરી પોલીસ કરતા ખોટી નકલી પોલીસ અવારનવાર યુવક યુવતીને પકડી ધમકાવીને તોડતાડ કરતી હોવાના કિસ્સાઓ બનતા રહે છે. આજે બપોરના સમયે લવ ગાર્ડનમાં નિરાંત જીવે બેઠેલા લવબર્ડ પાસે પોલીસના સ્વાંગમાં ધસી આવેલા અધિક કલેકટરના PA મહેન્દ્રભાઈ લુણાગરીયાનો પુત્ર રક્ષીત લુણાગરીયા પ્રેમી પંખીડાને ધમકાવી રોફ જમાવ્યાની ઘટના પ્રદ્યુમનનગર પોલીસ મથક સુધી પહોંચી હતી.
પ્રેમી યુગલ પોલીસ સમજીને ડરી ગયું હતું
રેસકોર્સ લવ ગાર્ડનમાં આજે રક્ષિત લુણાગરિયા નામનો શખસ ગાર્ડનમાં નિરાંતે બેઠેલા પ્રેમી યુગલ પાસે પહોંચી ગયો હતો. પોતે પોલીસ હોવાની ઓળખ આપી અહીં શું બેઠા છો? કેમ બેઠા છો? કયા રહે છો? સહિતનાં પોલીસની ભાષાના શબ્દો સાથે યુગલને ધમકાવ્યું હતું. પ્રેમી યુગલ પોલીસ સમજીને ફફડી ઉઠયું હતું. જો કે, હોહા થતા ગાર્ડની બહારની સાઈડમાં બેઠેલા કેટલાક વ્યકિતઓ દોડી આવ્યા હતા. પોલીસનો સ્વાંગ રચનાર શખ્સ ખરેખર પોલીસ નહીં પણ પોલીસના નામે રોફ જમાવનારો હોવાનું બહાર આવ્યું હતું જેથી તુરંત જ ખરી પોલીસને જાણ કરતા સાથે જ પ્રદ્યુમનનગર પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને પોલીસના નામે રોફ જમાવનાર રક્ષિતને પોલીસ મથકે લઈ જવાયો હતો.
પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
પોલીસ બનીને લવબર્ડ પાસે ચઢી ગયેલો રક્ષિત પોલીસ મથકે પહોંચતા પોતે જ ફફડવા લાગ્યો હતો. પોલીસ સમક્ષ તોડ કે આવો ઈરાદો ન હોવાનું પણ માત્ર ધમકાવવા જ પોલીસનો સ્વાગં રચ્યાનું કથન કર્યુ હતું. PI એલ.એલ.ચાવડાના કહેવા મુજબ રક્ષિતે પોતાના પિતા અધિક કલેકટરના PA હોવાનું પોલીસ સમક્ષ જણાવ્યું છે. પોલીસનો સ્વાંગ રચનાર રક્ષીત સ્પર્ધાત્મક પરિક્ષાઓની તૈયારી કરતો હોવાનું સામે આવ્યું છે. હાલ પ્રદ્યુમનનગર પોલીસે ડુપ્લીકેટ પોલીસની ઓળખ આપનાર રક્ષિત સામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.