યુનિક મતદાન:રાજકોટમાં રાજવી વિન્ટેજ કારમાં, માલધારી આગેવાન ગાય સાથે અને AAPના ઉમેદવાર સાઇકલ પર મતદાન મથકે પહોંચ્યા

રાજકોટ6 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજકોટમાં થતું મતદાન ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. સામાન્ય રીતે લોકો મતદાન કરવા માટે તેમના વાહન મારફત પહોંચતા હોય છે પરંતુ રાજકોટમાં એવા અનેક કિસ્સા બન્યા જેમાં મતદારો આગવી શૈલીથી મતદાન કરવા માટે આવ્યા અને આકર્ષણનું કેન્દ્ર બન્યા. જેમાં રાજકોટના રાજવી 8 સિલિન્ડર એન્જિનવાળી વિન્ટેજ કારમાં સવાર થઈ મતદાન મથકે પહોંચ્યા હતા. જયારે માલધારી આગેવાન ગાય-વાછરડાને લઈને આવ્યા હતા. અને AAPના ઉમેદવારે તો સાયકલ પર તેલનો ડબ્બો અને પાછળ ગેસનો બાટલો લગાવીને મતદાન કરવાનો સંદેશ આપ્યો હતો

વિન્ટેજ કાર આકર્ષણનું કેન્દ્ર બની
રાજકોટનાં ઠાકોર સાહેબ માંધાતસિંહજી જાડેજા પોતાની વિન્ટેજ કારમાં બેસીને પરિવાર સાથે મતદાન મથક પહોંચ્યા હતા. જે કારમાં તેઓ મતદાન કરવા ગયા હતા તે રાજ પરિવારની વિશિષ્ટ ફોર–ડોર સ્ટુડ બેકર કમાંડર કનવરતીબલ સેદાન વર્ષ 1933 સ્ટ્રેટ એઇટ સિલિન્ડર એન્જિન જે 2013 Cartier Concours d'Eleganceમાં જાહેર માન્યતા “RESURRECTION CLASS”માં વિજેતા બની છે. આજ રોજ વિધાનસભાની ચૂંટણીમાં મતદાન કરવા તેઓ અને રાજ પરિવાર આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કાર લઇને પહોંચતા આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. આ તકે તેમણે અન્ય લોકોને પણ મતદાન કરવાની અપીલ કરી હતી.

રણજિત મુંધવા માલધારી સમાજના પહેરવેશમાં ગાય અને વાછરડા સાથે મતદાન કરવા નીકળ્યા હતા.
રણજિત મુંધવા માલધારી સમાજના પહેરવેશમાં ગાય અને વાછરડા સાથે મતદાન કરવા નીકળ્યા હતા.

માંધાતસિંહજીએ મતદાનની અપીલ કરી
આ અંગે માંધાતસિંહજી જાડેજાએ મીડિયાને જણાવ્યું હતું કે, ચૂંટણી એ લોકશાહીનો ઉત્સવ છે. આપણે ઘરના ઉત્સવમાં જે ઉત્સાહથી ભાગ લઈએ છીએ એમ જ આ ઉત્સવમાં પણ ભાગ લઈએ. એટલે આ કાર લઈને અમે મતદાન કરવા આવ્યા છીએ.આપણી ફરજ છે કે આજે આપણે અવશ્ય મતદાન કરીએ અને લોકશાહીના પર્વને ઉજવીએ.

લોકોમાં પણ જાગૃત કેળવાય એટલે ગાય માતાને સાથે રાખ્યા
પોતાના પરંપરાંગત પરિધાન અને ગાય-વાછરડા સાથે મતદાન અંગે માલધારી આગેવાન રણજિત મુંધવાએ મીડિયાને જણાવ્યું હતું કે, લમ્પી વાઇરસના કારણે ગુજરાતમાં અનેક ગયોના મોત થયા હતા ત્યારે આ અબોલ જીવને ન્યાય મળે એ માટે ગાય માતાને સાથે રાખી મતદાન મથકે મત આપવાનું નક્કી કર્યું હતું.જેથી મતદાન મથક પર ઉભેલા લોકોમાં પણ જાગૃત કેળવાય.

દિનેશ જોશી સાઇકલ પર ગેસનો બાટલો અને તેલના ડબ્બા સાથે મત આપવા નીકળ્યા.
દિનેશ જોશી સાઇકલ પર ગેસનો બાટલો અને તેલના ડબ્બા સાથે મત આપવા નીકળ્યા.

AAPના ઉમેદવાર સાયકલ પર મતદાન કરવા આવ્યા
ઉલ્લેખનીય છે કે રાજકોટ હાઈ પ્રોફાઈલ પશ્ચિમ બેઠકમાં AAPના ઉમેદવાર દિનેશ જોષી સાયકલ પર મતદાન કરવા આવ્યા હતા અને આગળ તેલનો ડબ્બો અને પાછળ ગેસનો બાટલો રાખ્યો હતો. નોંધનીય છે કે દિનેશ જોષી બ્રહ્મસમાજના ગાંધીગ્રામ વિસ્તારના ઉપપ્રમુખ રહી ચૂક્યા છે. જ્યારે ઓમકારેશ્વર મહાદેવ મંદિરના ટ્રસ્ટી પણ તેઓ છે અને આમ આદમી પાર્ટીમાં સક્રિય છે. જેને લઈને આ વખતે રાજકોટ પશ્ચિમ વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટી દ્વારા દિનેશ જોષીને ટિકિટ આપવામાં આવી છે.

પ્રજ્ઞાચક્ષુ મહિલાઓએ મતદાન કર્યું
પ્રજ્ઞાચક્ષુ મહિલાઓએ મતદાન કર્યું

21 પ્રજ્ઞાચક્ષુ મહિલાઓએ મતદાન કર્યું
રાજકોટમાં અંધ મહિલા વિકાસ ગૃહે અંધ મહિલાઓને મતદાન કરી લોકશાહીના પર્વમાં ભાગીદાર બની હતી. સ્કૂલની વિદ્યાર્થિનીઓ આ 21 પ્રજ્ઞાચક્ષુ મહિલાઓની ટેકણ લાકડી બની હતી અને મતદાન મથક ચૂંટણીપંચની માર્ગદર્શિકાનું શબ્દશ: પાલન કરીને તેમને સન્માનપૂર્વક લાવવા-લઈ જવામાં આવ્યાં હતાં. આ પ્રસંગે અંધ મહિલા વિકાસ ગૃહના કેમ્પસ ઈન્ચાર્જ કલ્યાણીબેન જોષીએ કહ્યું હતું કે લોકશાહીના આ તહેવારમાં દિવ્યાંગો પાછળ ના રહી જાય તે માટે વહિવટી તંત્રએ કરેલા પ્રયત્નો સરાહનીય છે. દિવ્યાંગો લોકશાહીમાં મતદાન કરી શકતા હોય ત્યારે અન્યોએ પણ અચૂક મતદાન કરવું જોઈએ. મતદાન કરવું એ દરેકનો અધિકાર છે. અંધ લોકો માટે બ્રેઈલ-લિપિનો ઉપયોગ કરીને મતદાન કરવામાં આવે છે.