પિસ્તોલની અણીએ લૂંટ:રાજકોટમાં લૂંટારાઓએ ‘થેલી આપી દે, નહીંતર તારું પુરુ કરી નાંખીશ’ કહી આંગડીયાના મેનેજર પાસેથી રૂ.19 લાખ લૂંટ્યા

રાજકોટએક મહિનો પહેલા
મેનેજરે બે અજાણ્‍યા શખ્‍સો વિરૂધ્‍ધ દાખલ કરાવી

રાજકોટ શહેરના સોની બજાર ખત્રીવાડ ભીચરી નાકામાં આવેલ કેશવકુંજ એપાર્ટમેન્‍ટમાં રહેતાં પી. મગનલાલ આંગડિયા પેઢીના ત્રીસ વર્ષ જુના કર્મચારી બ્રાહ્મણ વૃધ્‍ધ સાંજે સોની બજાર બ્રાંચ ખાતેથી હિસાબની રકમ રૂ. 19,56,000 થેલીમાં રાખી પોતાના ફલેટના પગથીયા ચડી રહ્યા હતાં ત્‍યારે પહેલા માળે પહોંચતા જ અગાઉથી રાહ જોઇ ઉભેલા બે શખ્‍સોએ સામે આવી એક શખ્‍સે પિસ્‍તોલ બતાવી ‘થેલી અમને આપી દે નહિતર તારું પુરું કરી નાંખીશ' તેમ કહી ધમકી દેતાં અને બીજા શખ્‍સે છરી બતાવી બીવડાવી થેલી ખેંચતા મેનેજર વૃધ્‍ધે પણ સામે બળ કરી થેલી ખેંચી રાખતાં તેના બંને નાકા તૂટી જતાં તેઓ પાછળથી તરફ પડી જતાં લૂંટારૂના હાથમાં રોકડવાળી થેલીનો ભાગ આવી જતાં એ બંને દોટ મુકી ભાગ્‍યા હતાં અને આગળ કાર સાથે ઉભેલા સાગ્રીત સાથે બેસી ભાગી નીકળ્‍યા હતાં. લૂંટની ઘટનાથી સનસનાટી મચી ગઇ હતી. હાલ પોલીસે CCTV ફૂટેજને આધારે તપાસ કરતા છેલ્લે લૂંટારૂ બેડી ચોકડીથી મોરબી તરફ ભાગ્‍યાની પ્રાથમિક વિગતો સામે આવી હતી.

30 વર્ષથી મેનેજર તરીકે નોકરી કરે છે
રાજકોટ એ-ડિવીઝન પોલીસે સોની બજાર ખત્રીવાડ ભીચરીનાકામાં આવેલા કેશવકુંજ એપાર્ટમેન્‍ટમાં ચોથા માળે એ-401 માં રહેતાં અને સોની બજાર માંડવી ચોકમાં મોદી શેરીના ખુણે આવેલી પી. મગનલાલ એન્‍ડ સન્‍સ નામની આંગડિયા પેઢીમાં 30 વર્ષથી મેનેજર તરીકે નોકરી કરતાં રજનીકાંતભાઇ ગોવિંદલાલ પંડયા (ઉ.વ.62)ની ફરિયાદ પરથી બે અજાણ્‍યા શખ્‍સો વિરૂધ્‍ધ આઇપીસી 392, 341, 506 (2), 114, 37 (1), 135 મુજબ રજનીકાંતભાઇને પિસ્‍તોલ જેવું હથીયાર તથા છરી બતાવી મારી નાંખવાની ધમકી આપી તેની પાસેનો થેલો લૂંટી જવાનો ગુનો નોંધ્‍યો છે. થેલામાં રૂ.19 લાખ 56 હજારની રોકડ હતી.

આ દરરોજનો ક્રમ છે
રજનીકાંતભાઇ પંડયાએ ફરિયાદમાં જણાવ્‍યું હતું હું પી. મગનલાલ એન્‍ડ સન્‍સ નામની આંગડિયા પેઢીમાં 30 વર્ષથી નોકરી કરુ છું. આ પેઢીની રાજકોટમાં બે બ્રાંચ છે. જેમાં સોની બજારની બ્રાંચ હું અને ચંદનસિંહ ભરતજી વિહોલ સંભાળીએ છીએ. જ્‍યારે ગોંડલ રોડ સમૃધ્‍ધી ભવનની બ્રાંચમાં અરવિંદભાઇ કાનજીભાઇ પટેલ અને તેમનો પુત્ર સચીન પટેલ બેસે છે. રોજે રોજ અરવિંદભાઇ સમૃધ્‍ધી ભવનની પેઢીનો હિસાબ ચિઠ્ઠીમાં લખી સોની બજાર બ્રાંચમાં સાંજે સાતેક વાગ્‍યે આવે છે. આ પછી અમે બંને મળી પેઢીનો હિસાબ કરીએ છીએ. હિસાબ થયા બાદ રોકડા અને કંપનીનો મોબાઇલ ફોન થેલીમાં રાખી મારી ઘરે લઇ જાઉ છું. અરવિંદભાઇ મને તેના એક્‍ટીવામાં મારા ફલેટ સુધી મુકવા આવે છે. આ દરરોજનો ક્રમ છે.

બે શખ્‍સ સામે આવ્‍યા હતાં
ગઈકાલે સાંજે સાડા સાતકે વાગ્‍યે હું સોની બજાર માંડવી ચોક બ્રાંચમાં હતો ત્‍યારે અરવિંદભાઇ આવ્‍યા હતાં. એ પછી અમે હિસાબ કર્યો હતો. હિસાબની રકમ રૂ. 19,56,000 થઇ હતી. જે મેં ગુલાબી પીળા કલરની થેલીમાં મુકી હતી. તેમજ તેમાં બે મોબાઇલ ફોન એક કીપેઇડ વાળો સાદો અને બીજો એન્‍ડ્રોઇડ હતો તે પણ મુક્‍યા હતાં. એ પછી રાબેતા મુજબ અરવિંદભાઇ પટેલ મને એક્‍ટીવામાં બેસાડી મારા ફલેટ સુધી મુકવા આવ્‍યા હતાં. તેઓ મને ઉતારીને રવાના થયા પછી હું ફલેટના પગથીયા ચડતો હતો ત્‍યારે પહેલા માળે પહોંચતા જ બીજા માળેથી પગથીયા ઉતરી બે શખ્‍સ આશરે 30 થી 32 વર્ષના મારી સામે આવ્‍યા હતાં.

પિસ્‍તોલવાળો શખ્‍સ દોટ મુકી ભાગ્યો
જેમાં એક શખ્‍સે પરપલ કલરનું ટી-શર્ટ પહેરેલુ હતું. તેના હાથમાં પિસ્‍તોલ જેવું હથીયાર હતું. તેણે પાછળ થેલો ટીંગાડી રાખ્‍યો હતો. બીજા શખ્‍સ પાસે છરી હતી. પિસ્‍તોલવાળા શખ્‍સે ગુજરાતી ભાષામાં કહ્યું હતું કે-થેલી અમને આપી દે નહિતર તારું પુરુ કરી નાંખીશ'. છરી વાળાએ મને છરી બતાવી બીવડાવતાં મેં રાડારાડી કરતાં તેણે મારી પાસેથી પૈસા ભરેલી થેલી જોરથી ખેંચતા મેં પણ થેલી સામે ખેંચતા થેલીના નાકા મારા હાથમાં રહી ગયા હતાં અને હું પાછળના ભાગે પડી ગયો હતો. પૈસા ભરેલી થેલી છરીવાળા શખ્‍સના હાથમાં આવી જતાં તે અને પિસ્‍તોલવાળો શખ્‍સ દોટ મુકી ભાગ્‍યા હતાં.

બન્ને મરચા પીઠ રોડ તરફ ભાગ્‍યા
હું ઉભો થઇને પાછળ દોડયો હતો. પરંતુ બંને દેખાયા નહોતાં. ઘર બહાર માણસોએ મને કહેલું કે બે જણા દોડતા દોડતા મરચા પીઠ રોડ તરફ ગયા છે. જેથી હું એ તરફ પાછળ ગયો હતો. પણ મને એ બંને દેખાયા નહોતાં. ત્‍યાં જ સફેદ રંગની એક ફોરવ્‍હીલ ગાડીમાં એ બંને શખ્‍સો બેસીને મરચા પીઠ રોડ તરફ ભાગ્‍યા હતાં. દેકારો થતાં માણસો ભેગા થઇ ગયા હતાં. એ દરમિયાન મારો દિકરો કૃણાલ પણ આવી ગયો હતો. અમે આ બનાવથી જાણ પેઢીના માલિક-શેઠ જનકભાઇ નટવરલાલ પટેલને ફોનથી અમદાવાદ ખાતે કરી હતી. બાદમાં એ-ડિવીઝન પોલીસ સ્‍ટેશને પહોંચી જાણ કરી હતી.

ફોન પણ સ્‍વીચઓફ કરી દીધા
પોલીસે લૂંટારા જે તરફ ભાગ્‍યા ત્‍યાંના અને ઘટના બની તે સ્‍થળ આસપાસના ફૂટેજ મેળવવા તજવીજ કરી હતી. જેમાં CCTV ફૂટેજ વેહલી સવાર સુધી ચકાસવામાં આવ્‍યા હતાં. જે કાર લઇ લૂંટારૂ ભાગ્‍યા એ કાર છેલ્લે બેડીથી મોરબી તરફ ગઇ હોવાની વિગતો સાંપડતા એ તરફ ટીમો દોડી ગઇ હતી. જે રીતે ઘટના બની છે તે જોતાં પુર્વયોજીત કાવતરુ ઘડી રેકી કર્યા બાદ ઘટનાને અંજામ અપાયાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. દરરોજ રજનીકાંતભાઇ તેની પેઢીએથી રોકડ સાથે ઘરે આવે છે અને એક વ્‍યક્‍તિ તેને મુકવા આવે છે તેનો પુરેપુરો અભ્‍યાસ કર્યા બાદ લૂંટારાઓએ પ્‍લાન પાર પાડયો કે પછી જાણભેદૂ હશે? તે સહિતના મુદ્દે તપાસનો ધમધમાટ થઇ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે લૂંટારાઓએ રોકડની થેલી લૂંટી હતી તેની સાથે બે મોબાઇલ ફોન પણ હતાં. જેથી લુટારુએ રાજકોટ બહાર નીકળે એ પહેલા આ બંને ફોન પણ સ્‍વીચઓફ કરી દીધા હતા.

અન્ય સમાચારો પણ છે...