મહોરમના પર્વ અનુસંધાને આ વખતે કોરોનાને કારણે તાજીયાનું જુલૂસ નહિ કાઢી તાજીયા માતમમાં જ રાખવા અને એક જ સ્થળે તાજીયા રાખી વધુ લોકો એકઠા નહિ કરવા તેમજ પર્વની શાંતિમય રીતે ઉજવણી થાય તે માટે સમજ આપવા પોલીસ અધિકારીઓની એક બેઠક પ્ર.નગર પોલીસ સ્ટેશન ખાતે યોજવામાં આવી હતી. જેમાં પોલીસના સુચનને લઘુમતિ સમાજના આગેવાનોએ માન્ય રાખી સહકાર આપ્યો હતો.
ગાઇડ લાઇન મુજબ ઉજવણી થશે
આ અંગે રાજકોટ શહેરના DCP ઝોન 2 મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, આગામી મહોરમ (તાજીયા)ના પર્વ અનુસંધાને હિન્દુ-મુસ્લીમ સમાજના આગેવાનો સાથે પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન ખાતે એસીપી પી. કે. દિયોરાની અધ્યક્ષતામાં પ્ર.નગર પીઆઇ એલ. એલ. ચાવડા અને ગાંધીગ્રામ પીઆઇ કે. એ. વાળાની હાજરીમાં શાંતિ સમિતીની મીટીંગ યોજવામાં આવી હતી. મહોરમ (તાજીયા)ના પર્વની શાંતી પુર્ણ વાતાવરણમાં તથા કોવિડ-19 કોરોના વાયરસ અન્વયે સરકારે બહાર પાડેલી ગાઇડ લાઇન મુજબ ઉજવણી થાય તે અંગેની સમજ આ બેઠકમાં અપાઇ હતી.
નિયમનું પાલન નહિ થાય તો કાયદેસરની કાર્યવાહી થશે
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે આ વર્ષે તાજીયા એક જ સ્થળ પર રાખી લોકોને કોવિડ ગાઇડલાઇન મુજબ તહેવાર મનાવવા સૂચના આપવામાં આવી છે જેમાં નિયમનું પાલન નહિ થાય તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે શાંતિ પૂર્ણ માહોલમાં ભાઈચારા સાથે તહેવાર મનાવવા લોકોને શહેર પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.