તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડિમાંડનો ભાવ:રાજકોટમાં ઓક્સિજનની માંગ વધતા સિલિન્ડરનો ભાવ વધ્યો, હવે એક સિલિન્ડરનું ભાડું 316 રૂપિયા, રોજના 300થી 400 સિલિન્ડર ભાડે અપાય છે

રાજકોટ5 મહિનો પહેલા
  • સિલિન્ડરની કિંમત 170 રૂપિયાથી વધારીને જીએસટી સાથે 316 રૂપિયા કરી દેવામાં આવી

ગુજરાતમાં કોરોના સંક્રમણની વિકટ પરિસ્થિતિને પગલે ઑક્સિજનની માંગ પણ દિવસે દિવસે વધી રહી છે. જેને જોતા ઑક્સિજન સપ્લાય કરતી કંપનીઓએ પણ ઑક્સિજન સિલિન્ડરની કિંમતમાં વધારો કરી દીધો છે. જેના કારણે લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે.રાજકોટના બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ લોકોને ઓક્સિજન સિલિન્ડર ભાડેથી આપવામાં આવી રહ્યા છે. જેમાં પણ ખૂબ મોટી માત્રામાં વધારો થયો છે. જેથી એક વાત નિશ્ચિત છે કે, રાજકોટમાં કોરોના સંક્રમણ હરણફાડ ગતિએ આગળ વધી રહ્યું છે.

ઓક્સિજનની માંગ વધતા કંપનીઓએ ભાવ વધાર્યા
રાજકોટની વર્ષો જૂની સેવાભાવી સંસ્થા બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વર્ષોથી લોકોને મેડિકલી સાધનો પણ ભાડે આપવામાં આવી રહ્યા છે. હાલના સમયમાં પણ ઘણા દર્દીઓને બોલબાલા ટ્રસ્ટ મદદ પુરી પાડી રહ્યું છે. ટ્રસ્ટના પ્રમુખ જયેશ ઉપાધ્યાય ના જણાવ્યા મુજબ હાલની સ્થિતિમાં ઓક્સિજન સિલિન્ડર ભાડે લઇ જવાની માંગ ખૂબ મોટી માત્રામાં વધી છે અગાઉ રોજના 50 જેટલા સિલિન્ડર ભાડે આપવામાં આવતા તે આજે 300થી 400 સુધી પહોંચ્યો છે. આ સાથે તેઓએ એ પણ જણાવ્યું હતું કે, ઓક્સિજનની માંગ વધતા કંપનીઓ દ્વારા ઓક્સિજન સિલિન્ડરના ભાવમાં પણ વધારો ઝીંકવામાં આવ્યા છે. જે ખૂબ જ ગંભીર બાબત માની શકાય છે.

અગાઉ ઑક્સિજન સિલિન્ડરની કિંમત 160 થી 170 રૂપિયા હતી
અગાઉ ઑક્સિજન સિલિન્ડરની કિંમત 160 થી 170 રૂપિયા હતી

પહેલા એક સિલિન્ડર રૂ.160માં મળતો હતો
રાજકોટમાં કોરોના દર્દીઓની સંખ્યા વધી છે જેની સાથે સાથે ઓક્સિજનની જરૂરિયાત હોય તેવા દર્દીઓની સંખ્યામાં પણ વધારો થયો છે. જેના કારણે કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજન બેડ મળવા મુશ્કેલ સાબિત થઇ રહ્યા છે એટલે કે ઓક્સિજન બેડની અછત પણ સર્જાઇ રહી છે. અગાઉ જે ઑક્સિજન સિલિન્ડરની કિંમત 160 થી 170 રૂપિયા હતી તેને વધારીને કંપનીઓ દ્વારા 285 રૂપિયા કરી દેવામાં આવી છે જેના પર જીએસટી પણ ચૂકવવો પડે છે. આમ એક ઑક્સિજન સિલિન્ડર 316 રૂપિયામાં પડે છે. એવામાં સરકારે પૂરતા પ્રમાણમાં ઑક્સિજન મળી રહે તો માટે યોગ્ય વ્યવસ્થા કરવી ખૂબ જ આવશ્યક છે.

ઑક્સિજન પૂરતો ન મળવાના કારણે દર્દીઓના મૃત્યુઆંકમાં પણ વધારો થઇ રહ્યો છે
ઑક્સિજન પૂરતો ન મળવાના કારણે દર્દીઓના મૃત્યુઆંકમાં પણ વધારો થઇ રહ્યો છે

ઑક્સિજન પૂરતો ન મળતા મૃત્યુઆંક વધ્યો
બે દિવસ પૂર્વે રાજકોટમાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી દ્વારા જિલ્લા વહીવટી તંત્ર તેમજ અન્ય અધિકારીઓ પદાધિકારીઓ સાથે બેઠક કરી પરિસ્થિતિ અંગે ચિતાર મેળવવામાં આવ્યો હતો. પરિસ્થિતિ જોતા તાત્કાલિક અસરથી ઓક્સિજન બેડ વધારવા જાહેરાત કરી દેવામાં આવી છે જે માટે તંત્ર પુરજોશમાં કામે લાગી ગયું છે. ઑક્સિજન પૂરતો ન મળવાના કારણે દર્દીઓના મૃત્યુઆંકમાં પણ વધારો થઇ રહ્યો છે તે પણ ખૂબ ચિંતા નો વિષય છે.