રાજકોટના કુવાડવા રોડ પર સિટી સેલેનિયમ બિલ્ડિંગમાં રહેતા કમલેશભાઇ ગીરધરભાઇ રાઠોડે બી.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લોન અપાવી દેવાના બહાને 2,39,500 રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં આરોપી તરીકે મહાવીરસિંહ જીતેન્દ્રસિંહ સોલંકીનું નામ આપ્યું છે. આથી પોલીસે આરોપી વિરૂદ્ધ 406, 420 અને આઇટી એક્ટ હેઠળ ગુનો નોંધી પીઆઇ આર.જી. બારોટ સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી છે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે મહાવીરસિંહ કમલેશભાઈના બેંક એપનો પાસવર્ડ મેળવી 13 હજાર ઉપાડી લીધા હતા. ઉપર જતાં કમલેશભાઈની જાણ બહાર 2.26 લાખની લોન પણ મંજૂર કરાવી દીધી હતી.
મહાવીરસિંહે લોનની જરૂરિયાત છે કહ્યું હતું
કમલેશભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું પેડક રોડ પાણીના ઘોડા પાસે ત્રાસીયા રોડ ઉપર રાઠોડ ટેઇલર્સ નામની દુકાન ચલાવું છું. હું છેલ્લા 10 વર્ષથી રાઠોડ ટેઇલર્સ નામે દુકાન ચલાવું છું. ગત તા.03/02ના એક ભાઈ મારી દુકાને આવ્યા હતા અને તેમણે મને લોનની જરૂરિયાત છે? તેમ પૂછતા મારે કોઈ લોનની જરૂરિયાત નથી તેમ જણાવ્યું હતું. તેમણે તેનું નામ મહાવીરસિંહ સોલંકી જણાવ્યું હતું.
મહાવીરસિંહે સીબીલ સ્કોર ચેક કરવા કહ્યું
ત્યારબાદ તે મને મોબાઈલ નંબર આપી જતો રહ્યો હતો. ત્યારબાદ તમારો મોબાઇલ આપો, તમારો સીબીલ સ્કોર ચેક કરી આપું. જેથી ખબર પડે કે તમારે કેટલી લોન થાય તેમ છે? જેથી મેં મારો મોબાઇલ ફોન તેને આપ્યો હતો. પોતે સીબીલ સ્કોર બતાવી બીજા દિવસે તા.05/02ના રોજ આવ્યો અને મને કહ્યું કે, ગૂગલ પે તથા બેંક ઓફ બરોડાની એપ્લીકેશન છે, જેના પાસવર્ડ મને આપો તેની જરૂર પડશે કે તમારે કેટલી લોન થાય એમ છે. જેથી મેં મારા બન્ને પાસવર્ડ તેને આપી દીધા હતા. ત્યારબાદ સતત ચારેક દિવસ અલગ અલગ સમયે દુકાને આવી મારા મોબાઈલમાં કાંઈક કરીને જતો રહેતો હતો.
આરોપીએ ફોન ન ઉપાડતા મને શંકા ગઈ હતી
બાદમાં તા.14/02ના રોજ સવારે મેં તેને ફોન કરતા મારો ફોન ઉપાડ્યો નહી. જેથી મને શંકા ગઈ કે, આ મહાવીરે મારી સાથે કંઇક ખોટું કર્યું છે. જેથી હું બેંક ઓફ બરોડાએ ગયો અને મારા બેંક એકાઉન્ટનું સ્ટેટમેન્ટ કઢાવ્યું હતું. ત્યારે મને જાણવા મળ્યું કે, મારા બેંક એકાઉન્ટમા મારા આશરે રૂ.13,000 જેટલા જે હતા તે ન હતા. પરંતુ મારા એકાઉન્ટમાં માત્ર રૂ.107 જ હતા. જેથી મેં મારા બેંક એકાઉન્ટનો અભ્યાસ કરતા જાણવા મળ્યું કે તા.10/02ના રોજ રૂ.1,88,200 અન્ય એપ્લિકેશન દ્વારા મારા બેંક એકાઉન્ટમાંથી અલગ અલગ દિવસે અલગ અલગ ટ્રાન્ઝેક્શન કર્યા હતા.
2,26,500ની લોન મારી જાણ બહાર મંજૂર કરાવી
તેમજ તા.11/02ના રોજ એટીએમમાંથી રૂ.22,000 ઉપાડ્યા હતા. બાદમાં મેં મારા મિત્ર નયનભાઇ પરમાર અને અશોકભાઇ ખાંભરા, ભાનુભાઇ બોરીચાને આ બાબતે વાતચીત કરી અને મારા મોબાઈલમા તેમજ બેંકનું સ્ટેટમેન્ટ ચેક કરતા જાણવા મળ્યું કે, મની વ્યુ એપમાંથી રૂ.2 લાખ, મોબીક્વીક એપમાંથી રૂ.10,000, રીંગ એપમાંથી રૂ.6000, કીસ્ટ એપમાંથી રૂ.10,500 એમ કુલ રૂ.2,26,500ની લોન મારી જાણ બહાર મંજૂર કરાવી બેંક એકાઉન્ટમા રહેલા આશરે રૂ.13000 એમ કુલ રૂ.2,39,500 એટીએમમાંથી ઉપાડી લઈ છેતરપિંડી કર્યા અંગેની ફરિયાદ નોંધવામાં આવતા બી ડિવિઝન પોલીસ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.