ઘરેલુ હિંસાના બનાવો વચ્ચે વધુ એક બનાવની દસ મહિનાથી મવડી ચોકડી પાસે માતા સાથે રહેતી નંદની નામની યુવતીએ અમદાવાદ ચાંદલોડિયા રહેતા પાર્થ પંચાલ, સસરા રાજેન્દ્રભાઇ પંચાલ, સાસુ ગીતાબેન, નણંદ પૂજા, ટીનુ અને પતિનો મિત્ર હિતેશ દર્શલિયા સામે મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
યુવતીની ફરિયાદ મુજબ, પાર્થ પંચાલ સામે 2018ના વર્ષમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. જે કેસ હાલ કોર્ટમાં ચાલુ છે. તે પહેલા પોલીસમાં ફરિયાદ નોંધાયા બાદ પાર્થને જેલહવાલે કરાયો હતો. બાદમાં તે જેલમાંથી છૂટયા બાદ પાર્થે પોતાનો સંપર્ક કરી તે પોતાને પ્રેમ કરે છેનું નાટક કરી ફસાવી હતી. જે પ્રલોભનમાં પોતે ફસાઇ જતા પાર્થે 21-4-2021ના રોજ અમદાવાદ લઇ જઇ કોર્ટમાં લગ્ન કર્યા હતા.
ત્યાર બાદ લગ્નના એક મહિના પછી જ સાસુ, નણંદ, સસરા, પતિ સહિતનાઓએ ઘરકામ તેમજ કરિયાવર મુદ્દે ઝઘડા કરી ત્રાસ આપવાનું શરૂ કર્યુ હતુ. જેથી આ મુદે પતિ અને સાસરિયાઓને ત્રાસ ન આપવાની વાત કરતા તેઓ કહેતા કે તે પાર્થ સામે બળાત્કારનો કેસ કર્યો છે ને તેનો બદલો લીધો છે. એટલું જ નહિ પતિ પાર્થનો મિત્ર હિતેશ પણ રોજ ઘરે આવી પાર્થને નશાકારક વસ્તુ પીવડાવી પોતાના વિરૂધ્ધ ચડામણી કરી ઘરનું વાતાવરણ ડહોળતો હતો.
પતિ અને સાસરીયાઓએ અનહદ ત્રાસ આપતા લગ્નના બે મહિના બાદ માતાને ફોન કરી અમદાવાદ બોલાવ્યા હતા. ત્યારે પાર્થ સહિતનાઓએ માતા સાથે પણ ઝઘડો કરી જયા કેસ કરવો હોય ત્યાં કરી લેજે, પાર્થે તો બળાત્કારનો કેસ નબળો પડી જાય તે માટે જ લગ્ન કર્યા છે, પાર્થ માટે છોકરીઓની લાઇન છેની ધમકી આપી કાઢી મુકયા હતા.
પોતે માતા પાસે રાજકોટ આવી ગયાના પંદર દિવસ બાદ પોતાની શારીરિક ભૂખ ભાંગવા પોતાને લાલચો આપી તેમજ વિવિધ ચીજવસ્તુઓ લઇ આવી રાજકોટ આવતો હતો. ત્યાર બાદ ગત તા.19-3ના ફોન કરતા તેને ઝઘડો કરી પોતાનો મોબાઇલ નંબર બ્લેક લિસ્ટમાં મુકી દીધો હતો.
આમ પોતાને યેનકેન પ્રકારે પ્રેમજાળમાં ફસાવી પોતાના પર ત્રાસ ગુજારતા હતા અને તે ત્રાસના વિચારોથી પોતે છેલ્લા બે દિવસથી ભયભીત હોય મરી જવાના ઇરાદે ઘરે જ ઘંઉમાં નાંખવાની ઝેરી દવા પી લીધી હતી. માતાને ખબર પડતા તુરંત પોતાને સારવાર માટે હોસ્પિટલ લઇ ગયા હતા. જયાં પતિ સહિતના સાસરિયા સામે ફરિયાદ નોંધાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.