રાજકોટના કાલાવડ રોડ પર અવધ ક્લ્બ નજીક આવાસ યોજના ક્વાર્ટરમાં રહેતી ધોરણ 12ની વિદ્યાર્થિનીએ સ્કૂલેથી પરત ઘરે આવી માતા પાસે મોબાઈલ માંગતા માતાએ મોબાઈલ આપવા મનાઈ કરતા સવારના સમયે વિદ્યાર્થિનીએ ગળેફાંસો ખાઈ લીધો હતો. જોકે, ન્હાવા ગયેલા તેમના માતા બહાર આવતા દીકરીને લટકતી જોઇ દેકારો મચાવતા પાડોશીઓ દોડી આવ્યા હતા વિદ્યાર્થિનીનો જીવ બચાવી લીધો હતો. બાદમાં સારવાર માટે તેને સિવિલ હોસ્પિટલ ખસેડી યુનિવર્સીટી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
તારા પપ્પાએ મોબાઇલ આપવાની ના પાડી છે તેમ માતાએ કહ્યું હતું
પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ શહેરના કાલાવડ રોડ પર અવધ ક્લબ પાસે મુખ્યમંત્રી આવાસ યોજના ક્વાર્ટરમાં રહેતી અને આત્મિય સ્કૂલમાં ધોરણ-12માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની અવંતિકા (નામ બદલાવ્યું છે)એ ગઈકાલે સાંજે સ્કૂલેથી છુટીને ઘરે આવ્યા બાદ માતા પાસે મોબાઇલ ફોન માગતા તેમણે તારા પપ્પાએ ના પાડી છે તેમ કહી ફોન આપ્યો નહોતો. આથી અવંતિકાને માઠુ લાગી જતાં ગળેફાંસો ખાઇ લીધો હતો. માતા ન્હાવા ગયા હોય બહાર આવ્યા ત્યારે દીકરીને લટકતી જોતાં દેકારો મચાવતાં પડોશી આવી ગયા હતાં અને અવંતિકાનો જીવ બચાવી લઇ હોસ્પિટલે ખસેડી હતી. બાદમાં યુનિવર્સીટી પોલીસે હોસ્પિટલ ખાતે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
કોટડાસાંગાણીના રામોદ ગામના યુવાને ગળેફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી
મૂળ કોટડાસાંગાણીના રામોદ ગામના અને હાલ રાજકોટ ઉદયનગર-6માં પેઇંગ ગેસ્ટ તરીકે રહેતાં જેનીલ પરેશભાઇ વઘાસીયા (ઉં.વ.21) નામના યુવાને ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. જેનીલ કેટલાક સમયથી રાજકોટ રહી પ્રાઇવેટ નોકરી કરતો હતો. ગઇકાલે રૂમ પાર્ટનર બહારથી આવતાં જેનીલ લટકતો જોવા મળતાં 108 બોલાવી હતી. 108ના તબીબે તેને મૃત જાહેર કરતાં માલવીયાનગરના PSI બી. બી. રાણા અને પ્રશાંતસિંહે જરૂરી કાર્યવાહી કરી હતી. જેનીલના માતા-પિતા સહિતના પરિવારજનો રામોદ રહે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.