હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે. આથી મિશ્ર વાતાવરણને કારણે શહેરમાં ડેન્ગ્યુ , મેલેરિયા, ચિકનગુનિયા, ટાઈફોઈડ, કોલેરા, ઝાડા-ઉલ્ટી, વાયરલ તાવના કેસમાં વધારો થયો છે. જુલાઇ મહિનામાં ડેંગ્યુ, મેલેરીયા અને ચિકનગુનીયાના દોઢ ડઝન કેસ સત્તાવાર રીતે ચોપડા પર ચડયા છે. શહેરના ખાનગી દવાખાનાઓમાં પણ વાયરલ રોગચાળાના દર્દીઓની ભીડ દેખાઇ રહી છે તો મચ્છર તો દરેક વિસ્તારમાં અને ઘરે ઘરે દેખાતા હોય, ચાલુ મહિનામાં રોગચાળો વધુ માથુ ઉંચકે તેવી તંત્રને ભીતિ છે.છેલ્લા 43માં જ કુલ 2163 કેસ નોંધાયા છે. આ અંગે મનપાના આરોગ્ય અધિકારી લલિત વાઝાએ જણાવ્યું હતું કે,ચોમાસાની પેટર્ન બદલાતા રોગચાળો વધ્યો છે.
જુલાઈ અને ઓગસ્ટમાં 15 કેસ નોંધાયા
વધુમાં તેમણે જણાવ્યું હતું કે,1 જુલાઈથી 12 ઓગસ્ટ સુધીમાં કુલ 2163 કેસ નોંધાયા છે. જેમાં શરદી ઉધરસ ના 1,656 કેસ, ઝાડા ઉલ્ટીના 445 કેસ, મરડાના 15 કેસ અને કમળાના 8 કેસ નોંધાયા છે. જ્યારે મેલેરિયા ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસની વાત કરવામાં આવે તો જાન્યુઆરીથી લઇ અને જૂન મહિના સુધીમાં મેલેરિયાના માત્ર 6 કેસ નોંધાયા હતા. જેની સામે જુલાઈ અને ઓગસ્ટમાં 10 કેસ નોંધાયા છે. જાન્યુઆરીથી 12 ઓગસ્ટ સુધીમાં કુલ 16 મેલેરિયાના કેસ રાજકોટ શહેરમાં નોંધાયો છે. જો ડેન્ગ્યુની વાત કરવામાં આવે તો જાન્યુઆરીથી લઈને જૂન મહિના સુધીમાં માત્ર 7 કેસ નોંધાયા હતા. જેની સામે જુલાઈ અને ઓગસ્ટમાં 15 કેસ નોંધાયા છે.
વિવિધ પ્રિમાઈસીસમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે,રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મચ્છરજન્ય રોગચાળો અટકાવવા શહેરના અલગ અલગ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે દરમિયાન બાંધકામ સાઈટ, ઈન્ડસ્ટ્રીઝ સહિત વિવિધ પ્રિમાઈસીસમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.મચ્છરજન્ય રોગચાળો નાથવા આરોગ્ય વિભાગ દ્વારા ફોગીંગની કામગીરી હાથ ધરાઈ રહી છે. આરોગ્ય વિભાગની અલગ અલગ ટીમો બનાવી જે જગ્યાએ પાણી ભરાયું હોય ત્યાં મચ્છર નાશક દવાઓ નાખી મચ્છરોનો ઉપદ્રવ ઘટાડવામાં આવી રહ્યો છે. હું લોકોને અપીલ કરું છું કે તેમના ઘરમાં કે વરસાદી પાણી ભરેલું હોય તો તેમને તાત્કાલિક નિકાલ કરવો જેથી કરીને રોગચાળાને વધતો અટકાવી શકાય.
મચ્છરજન્ય રોગ
1 જુલાઈથી 12 ઓગસ્ટ સુધી
મેલરીયા 10 કેસ
ડેન્ગ્યુ 15 કેસ
ચિકનગુનિયાના 1 કેસ
1 જાન્યુઆરીથી 30 જૂન સુધી
મેલરીયા 6 કેસ
ડેન્ગ્યુના 7 કેસ
ચિકનગુનિયાના 0 કેસ
સામાન્ય રોગ
1 જુલાઈથી 12 ઓગસ્ટ
શરદી અને ઉધરસ 1656 કેસ
ઝાડા 445 કેસ
મરડો 15 કેસ
કમળો 8 કેસ
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.