હજુ ઠંડી થરથરાવશે:રાજકોટમાં ઠંડીનો પારો 11 ડિગ્રીએ પહોંચ્યો, બુધવારથી તાપમાન વધશેે

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સૌરાષ્ટ્રમાં મંગળવાર સુધી હજુ ઠંડી થરથરાવશે, બુધવારથી લઘુતમ તાપમાન 12 ડિગ્રીથી ઉપર જશે

રવિવારે રાજકોટમાં લઘુતમ તાપમાન 11 ડિગ્રીએ સ્થિર થયું હતું. હવામાન ખાતાના જણાવ્યાનુસાર કોલ્ડવેવમાં સામાન્ય તાપમાન કરતા ઠંડીનો પારો ત્રણથી ચાર ડિગ્રી નીચે જતું હોય છે. હજુ મંગળવાર સુધી ઠંડી રહેશે. બુધવારથી તાપમાન ઊંચું જવાની શક્યતા છે અને બે દિવસ સુધી ઠંડીનો પારો 12 થી 15 ડિગ્રીની વચ્ચે રહેશે.

રવિવારે રાજકોટમાં મહત્તમ તાપમાન 28.3 ડિગ્રી રહ્યું હતું. જે સામાન્ય તાપમાન કરતા 2 ડિગ્રી નીચું હતું. સૌરાષ્ટ્રમાં સૌથી નીચું તાપમાન રાજકોટમાં જ રહ્યું હતું. અમરેલીમાં 11.6 ડિગ્રી, ઓખા 18.8, પોરબંદર 14.6 ડિગ્રી, સાસણ ગીર 16.1 ડિગ્રી નોંધાયું હતું. હવામાન ખાતાના જણાવ્યાનુસાર રવિવારે સાંજે હવામાં ભેજનું પ્રમાણ 29 ટકા રહ્યું હતું. જ્યારે સવારે હવામાં ભેજનું પ્રમાણ 46 ટકા હતું. સવારના સમયે હવામાં ભેજનું પ્રમાણ વધારે રહેવાને કારણે ઠાર અનુભવાયો હતો. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ગત બુધવાર બાદ કોલ્ડવેવ રહ્યું હતું.

જેને કારણે ઠંડીનો પારો સતત નીચો રહ્યો હતો અને 9 ડિગ્રી સાથે સિઝનમાં સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. સામાન્ય દિવસોમાં રવિવારે રાજકોટમાં ફરવા લાયક સ્થળોમાં લોકોની ભારે ભીડ હોય છે, પરંતુ ઠંડા પવનને કારણે ટ્રાફિક પણ ઓછો રહ્યો હતો. ઠંડીને કારણે હાલ આઈસક્રીમ- ગોલા બજારમાં ડિમાન્ડ ઓછી થઇ છે. ગત સપ્તાહમાં રાજકોટમાં પ્રથમ વખત કોલ્ડવેવ રહ્યું હતું રવિવારે તાપમાન ભલે ઊંચુું રહ્યું હોય પણ ઠંડા પવન અને ભેજનું પ્રમાણ વધારે રહેવાને કારણે ઠારનો અનુભવ વધારે રહ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં છેલ્લા અેક અઠવાડિયાથી ઠંડીનો પારો સતત ગગડી રહ્યો છે. જેની જનજીવન પર પણ અસર પડી છે. જો કે, રવિવારે લઘુતમ તાપમાનમાં વધારો થતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો. બીજી તરફ શહેરના પ્રદ્યુમન પાર્ક ઝૂમાં પ્રાણીઓને ઠંડી સામે રક્ષણ મળી રહે તે માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...