શાસક V/S વિપક્ષ:રાજકોટમાં મેયરે કહ્યું- રોજ પાણી વિતરણ કરવું પડકારભર્યું, વિપક્ષી નેતાએ કહ્યું- મનપા સરકારને પાણીનો વેરો નહીં પહોંચાડે તો કોંગ્રેસ પહોંચાડશે

રાજકોટ6 મહિનો પહેલા
મેયર ડો.પ્રદીપ ડવ (ડાબી તરફ) અને વિપક્ષી નેતા વશરામ સાગઠીયા (જમણી તરફ)
  • પાણી બાબતે રાજકારણ ન થવું જોઈએ- વિપક્ષી નેતા

રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં વરસાદ ખેંચાતા પીવાના પાણી માટે આવેલા જળાશયોના પણ તળિયા દેખાવા લાગ્યા છે. આ અંગે મેયર ડો.પ્રદીપ ડવે CMને પત્ર લખી સૌની યોજનાથી 150 MCFT પાણીનો જથ્થો આપવા માગણી કરી છે. અને પત્રમાં લખ્યું હતું કે, ઓગસ્ટ મહિનામાં રોજ 20 મિનીટ જ પાણી વિતરણ કરવું પડકારભર્યું બનશે. આ મુદ્દે વિપક્ષી નેતા વશરામ સાગઠીયાએ મનપા પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, શહેરમાં નાગરિકો દ્વારા પાણીનો વેરો ભરવામાં આવે છે છતાં પણ લોકોને પૂરતું પાણી મળતું નથી. હવે જો મનપા સરકારને પાણીનો વેરો નહીં પહોંચાડે તો કોંગ્રેસ પાણીના પૈસા સરકારને પહોંચાડશે.

પાણી બાબતે રાજકારણ ન થવું જોઈએ
હાલ રાજકોટમાં આજીડેમ, ન્યારી ડેમ અને ભાદર ડેમમાંથી પાણીનો જથ્થો શહેરમાં વિતરણ કરવામાં આવે છે. પરંતુ હાલ આજી-ન્યારીડેમમાં 25 ટકા અને ભાદર ડેમમાં માત્ર 20 ટકા જ પાણીનો જથ્થો બચ્યો છે. જોકે આ જથ્થો 31 જુલાઈ સુધી જ ચાલે તેમ છે. ત્યારે વધુમાં વિપક્ષી કોંગી નેતાએ જણાવ્યું હતું કે, મેયરે CMને પાણી મુદ્દે પત્ર લખ્યો તેને હું બિરદાવું છું. પણ પાણી બાબતે રાજકારણ ન થવું જોઈએ. આજે મેં આજીડેમની મુલાકાત લીધી, ડેમમાં પણ 3 ફૂટ કરતા નીચુ પાણી છે. જે પાણીની અછત દર્શાવે છે. આ ઉપરાંત વોર્ડ નં.4માં પીવાનું પાણી સમયસર આવતું નથી અને જ્યાં આવે છે ત્યાં ડહોળું પાણી આવે છે માટે પાણી બાબતે રાજકારણ ન થવું જોઈએ. મનપા એ આ સમસ્યાની જલ્દીથી જલ્દી ઉકેલ લાવવો જોઈએ.

વરસાદ નહીં પડે તો શહેરીજનોને પાણીકાપનો સામનો કરવો પડે તેવી સ્થિતિ
વરસાદ નહીં પડે તો શહેરીજનોને પાણીકાપનો સામનો કરવો પડે તેવી સ્થિતિ

દૈનિક 45 MLD પાણીનો ઉપાડ કરવામાં આવે
ઉલ્લેખનીય છે કે મેયરે ગઈકાલે CMને પત્રમાં જણાવ્યું છે હતું કે, રાજકોટને રોજ 20 મિનીટ પીવાનું પાણી પુરૂ પાડતા આજી-1, ન્યારી-1 અને ભાદર-1 ડેમમાં લગભગ 20થી 25 ટકા પાણીનો જથ્થો બચ્યો છે. 930 MCFTની ક્ષમતાવાળા આજીમાં 225 MCTF, 1248 MCFT ક્ષમતાવાળા ન્યારી-1માં 329 MCFT પાણી છે. બંને ડેમમાંથી રોજ રાજકોટ માટે અનુક્રમે 125 અને 60 MLD પાણી ઉપાડવામાં આવે છે. રાજકોટ જિલ્લાને પાણી પુરૂ પાડતા વિશાળ 6640 MCFT ક્ષમતાવાળા ભાદર-1 ડેમમાં હવે 1390 MCFT પાણી છે અને રોજ 45 MLD પાણીનો ઉપાડ કરવામાં આવે છે.

ત્રણેય ડેમમાંથી 230 MLD પાણી ઉપાડવામાં આવે છે
આ રીતે આજી અને ન્યારીમાં અંદાજે 25-25 ટકા અને ભાદરમાં 20 ટકા જથ્થો બચ્યો છે. રાજકોટ માટે ત્રણેય ડેમમાંથી 230 MLD પાણી ઉપાડવામાં આવે છે. રાજકોટને રોજ 20 મિનrટ પાણી પુરૂ પાડવા કુલ 355 MLD પાણીની જરૂર છે. તે પૈકી 125 MLD પાણી નર્મદા પાઇપલાઇન યોજના હેઠળ બેડી તથા ન્યારા ઓફ ટેક ખાતે મેળવવામાં આવે છે. આજી ડેમમાં તા. 31/7 સુધીમાં માત્ર 120 MCFT પાણી બચવાનું છે. ડેડ વોટરમાંથી પાણી ખેંચવામાં આવે તો રોજ 65 MLD પાણી મળે તેમ છે. વરસાદ ન આવે અને ડેમનું લેવલ સતત ઘટતું જાય તો 20 મિનીટ પાણી વિતરણની વ્યવસ્થા પર અસર થાય તેમ છે.