ઢોર તો પકડ્યા રજિસ્ટ્રેશન ક્યારે?:રાજકોટમાં મનપાએ એક સપ્તાહમાં 264 પશુઓ ડબ્બે પૂર્યા છતાં પશુ માલિકોએ ઢોરનું રજિસ્ટ્રેશન નથી કરાવ્યું

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર

રાજકોટ શહેરમાં પશુઓના રજિસ્ટ્રેશન માટે 60 દિવસની મુદત અપાઈ છે જેને 22 દિવસ જેટલો સમય વીતી ગયો છે. છતાં મોટાભાગના પશુ માલિકોએ ઢોરનું મનપા ખાતે રજિસ્ટ્રેશન નથી કરાવ્યું. જયારે મનપા આંકડાનું ઉજળું ચિત્ર રજૂ કરીને કામગીરી દર્શાવવાનો પ્રયાસ કરી રહી હોય તેવું સામે આવી રહ્યું છે. જ્યાં મનપા દ્વારા જાહેર કરેલ સત્તાવાર યાદીમાં એક સપ્તાહમાં 264 પશુઓ ડબ્બે પુરાયા છે. પરંતુ જે પશુઓનું રજીસ્ટ્રેશન નથી થયું તેનું શું?

પશુપાલકોની નિયમ પાલનમાં ઉદાસીનતા
ઉલ્લેખનીય છે કે રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડી રજિસ્ટ્રેશન કરવા માટે 60 દિવસની મુદત આપી છે, પરંતુ મનપા પાસે હજુ સુધીમાં પશુ માલિકો દ્વારા અરજી કરવામાં ઉદાસીનતા દાખવી હોવાનું સામે આવ્યું છે. 12 ડિસેમ્બરે લાગુ થયેલા જાહેરનામાના 22 દિવસ બાદ પણ પશુપાલકોએ આ મામલાને ગંભીરતાથી ન લેતાં ઢોરના રજિસ્ટ્રેશન થઈ રહ્યાં નથી. મુદત વીતી ગયા બાદ શું સ્થિતિ થશે એ જાણવાનો પ્રયત્ન કરતાં ઢોર ઘર પાસે ઢોર બાંધેલાં હશે, પણ રજિસ્ટ્રેશન નહિ કરાવ્યું હોય તો પશુપાલક સામે પણ ગુનો દાખલ કરાશે એવું જાણવા મળ્યુ છે.

પશુપાલક સામે ગુનો દાખલ કરાશે
રાજકોટ શહેર પોલીસ કમિશનરના જાહેરનામા મુજબ દરેક પશુપાલકે પોતાના ઢોરનું રજિસ્ટ્રેશન મનપા પાસે કરાવીને ચિપ લગાવવાની રહેશે. આ સિવાયના ઢોર હોય તો એને એનિમલ હોસ્ટેલમાં મોકલવાનાં રહેશે. આ પ્રક્રિયા કરવા માટે 60 દિવસનો સમય અપાયેલો છે, તેથી 60 દિવસ બાદ જો કોઇ ઢોર રજિસ્ટ્રેશન વગર રહેશે તો એ જાહેરનામાનો ભંગ ગણાશે અને તે પશુપાલક સામે ગુનો દાખલ કરાશે.

ઢોર અંદર બાંધેલાં હોવાં જોઈએ
આ મામલે મનપાના એએસીડી વિભાગના અધિકારી ડો. જાકાસણિયાને સ્પષ્ટતા પૂછવામાં આવી હતી કે કોઇ પશુપાલકના ઘર પાસે ઢોર બાંધેલાં હોય અને રજિસ્ટ્રેશન ન હોય તો ગુનો દાખલ થાય કે નહિ? અધિકારીએ જણાવ્યું હતું કે ઢોર રાખવા માટે પોતાની માલિકીની જગ્યા હોવી જોઈએ અને તેની અંદર બાંધેલા હોવાં જોઇએ. જો ઢોર ઘરની બહાર શેરી કે રસ્તામાં બાંધેલાં હશે અને રજિસ્ટ્રેશન નહિ કરાવ્યું હોય તોપણ ગુનો દાખલ થઈ શકે છે. આ જાહેરનામું શહેર પોલીસનું હોવાથી તે ગુનો દાખલ કરશે. આ ઉપરાંત જે રીતે ઢીંકે ચડેલા બનાવમાં મનપા ફરિયાદી બને છે એ રીતે પણ થઈ શકે છે, આ માટે હજુ પોલિસી બનશે.

મનપા દ્વારા એનિમલ હોસ્ટેલ કાર્યરત
લોકો પશુઓ રજિસ્ટ્રેશન ન કરાવી શકે તેઓએ પોતાના ઢોર એનિમલ હોસ્ટેલમાં રાખવાનો વિકલ્પ પણ પોલીસ કમિશનરે જાહેરનામામાં આપ્યો છે. તેથી મનપાની જવાબદારી પણ વધી છે, મુદત પૂરી થયા બાદ મનપાનો વાંક ન આવે તે માટે એનિમલ હોસ્ટેલમાં વ્યવસ્થાઓ ચકાસાઈ રહી છે અને સુવિધાઓ વધારાઈ છે અને તે માટે મેયર ડો. પ્રદીપ ડવે અધિકારીઓ સાથે એનિમલ હોસ્ટેલની તપાસ કરી હતી અને જણાવ્યું હતું કે હજુ ઘણી જગ્યા છે અને તબક્કાવાર સુવિધાઓનો વધારો કરાશે તેથી વધુમાં વધુ પશુપાલકો કે જેની પાસે ઢોર બાંધવાની જગ્યા નથી તે અહીં ઢોર રાખી શકે.

મનપાનો વાંક ન નીકળે તે માટેની ચકાસણી શરૂ
રાજકોટ મહાનગરપાલિકા હસ્તક જે એનિમલ હોસ્ટેલ છે તે પૈકી કોઠારિયા વિસ્તારની એનિમલ હોસ્ટેલમાં 20,000 ચો.મી. જગ્યા છે. જેમાં 50 પશુપાલકના 580 પશુઓ બાંધ્યા છે. હજુ પણ ત્યાં 170 પશુઓ રાખી શકાય તેટલી જગ્યા છે. મવડી વિસ્તારમાં 27528 ચોરસ મીટર જ્યાં છે પણ તેમાં 31 પશુપાલકના 350 જ ઢોર છે અને હજુ બીજા 500 ઢોર સમાઈ શકે છે. રૈયાધારની હોસ્ટેલમાં 6000 ચોરસ મીટર જગ્યા છે જેમાં 15 પશુપાલકના 142 ઢોર છે અને હજુ તેમાં 100થી વધુ સમાઈ શકે છે. જ્યારે રોણકીમાં 7519 ચોરસ મીટર જગ્યા છે પણ ફક્ત 2 પશુપાલકના 34 ઢોર જ છે. આ રીતે જોતા એનિમલ હોસ્ટેલમાં ઘણી જગ્યા ખાલી છે. હાલ એનિમલ હોસ્ટેલમાં લાઈટ, પાણી, શેડ વગેરે જેવી સુવિધા છે. પશુ દીઠ 60 ફૂટની જગ્યા તેમજ ઘાસ કે અન્ય ઉપયોગ માટે 100 ચો. ફૂટની અલગથી જગ્યા અપાય છે. કોઠારિયામાં હયાત શેડની પાછળના ભાગે વિશેષ શેડ બનાવવા ટેન્ડર કરાયા છે. ઉપરાંત વધુ 3 નવી હોસ્ટેલ માટે વિચારણા ચાલી રહી છે.