આડાસંબંધનો કરૂણ અંજામ:રાજકોટમાં પરિણીત પ્રેમિકાના પતિએ જ યુવકને છરીના ઘા ઝીંકી પતાવી દીધો’તો

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આશ્રય ગ્રીનસિટી નજીક બુધવારે રાત્રે થયેલી યુવકની હત્યાનો ભેદ ખુલ્યો, 3 શખ્સ સકંજામાં

રાજકોટના આશ્રય ગ્રીનસિટીના ગેટ નજીકથી બુધવારે રાત્રે 9 વાગ્યે એક યુવાન દોડીને આવ્યો હતો અને લોહિયાળ હાલતમાં ઢળી પડ્યો હતો, યુવકને તત્કાલીન સમયે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ તેનું મોત નીપજ્યું હતું. યુવકને છરીનો ઘા ઝીંકી ગળું કાપી હત્યા કરવામાં આવી હતી. ઘટના અંગે તાલુકા પોલીસે તપાસ કરતાં મૃતક ઉત્તરપ્રદેશના બલરામપુર જિલ્લાના મહાદેવ અંતરપી ગામનો વતની હોવાનું અને રાજકોટમાં અજંતા ઇન્ડસ્ટ્રીઝ એરિયા સોરઠિયા સમાજની વાડી સામે આવેલા કારખાનામાં કામ કરી તેની નજીકની ઓરડીમાં રહેતો નિર્મોહીલાલ ઉર્ફે ભભૂતી રામતીરથ ચૌહાણ (ઉ.વ.25) હોવાનું ખુલ્યું હતું.

મૃતકની ઓળખ મળ્યા બાદ પોલીસ માટે તેની હત્યા કોણે અને શા કારણે કરી તે ભેદ ઉકેલવાનો પડકાર હતો, તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ જે.વી.ધોળા સહિતના સ્ટાફે મૃતકની સાથે કામ કરતાં શ્રમિકોને ઉઠાવી લઇ પૂછપરછ કરતાં હત્યારા સુધી પહોંચવાની મહત્ત્વની કડી મળી હતી. નિર્મોહીલાલ ચૌહાણને ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં જ કામ કરતાં ઉત્તરપ્રદેશના વતની કુંદન ઉર્ફે કમલેશની પત્ની સાથે આડાસંબંધ હતા, અને આ મુદ્દે કુંદન અને નિર્મોહીલાલ વચ્ચે અવાર નવાર માથાકૂટ થઇ હતી, નિર્મોહીલાલની હત્યા પાછળ આડાસંબંધ કારણભૂત હોવાની શંકા ઉઠતાં પોલીસે કુંદનને ઉઠાવી લઇ આગવીઢબે પૂછપરછ કરતાં તેણે હત્યાની કબૂલાત આપી હતી.

પોલીસે ઘટનાસ્થળ નજીકના સીસીટીવી કેમેરાના ફૂટેજ ફરીથી ચેક કર્યા હતા જેમાં એક ફૂટેજમાં ઘટનાસ્થળ નજીક કુંદન સહિત ત્રણ શખ્સ દેખાયા હતા, પોલીસે કુંદનને ઉઠાવી લઇ પૂછપરછ કરતાં હત્યાનો ભેદ ઉકેલાઇ ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...