પોલીસ ચોંકી ઊઠી:રાજકોટમાં મહિલા PIનો પતિ તેની પત્નીની જ સર્વિસ રિવોલ્વરથી રોફ મારતો પકડાયો, સાથે રમકડાની પિસ્તોલ પણ રાખતો!

રાજકોટ2 દિવસ પહેલા

રાજકોટના શહેરના ગરુડ ગરબી ચોકમાં ટુ-વ્‍હીલર લઇને નીકળેલા એક શખ્‍સે ત્‍યાં ગરબીના મંડપનું કામ કરી રહેલા શ્રમિકો સાથે ઝઘડો કર્યો હતો. રસ્‍તા પરથી મંડપનાં લાકડાં, સામાન દૂર હટાવી લેવાનું કહી ગાળાગાળી કરી હતી. બાદમાં ઉશ્કેરાઇને આ શખ્‍સે રિવોલ્વર કાઢતાં ગરબીના કાર્યકરો, આગેવાનો અને લોકોએ તેને પકડી લઈ પોલીસને સોંપવા તજવીજ કરી હતી. આ શખ્‍સનાં પત્‍ની મહિલા પોલીસ ઇન્‍સ્‍પેક્ટર હોવાનું ખૂલતાં ખુદ પોલીસ ચોંકી ઊઠી હતી. પોલીસે પૂછપરછ કરતા રિવોલ્વર પત્નીની જ સર્વિસ રિવોલ્વર હોવાનું જણાવ્યું હતું. તેમજ સાથે રમકડાની પણ પિસ્તોલ રાખતો હતો.

પોલીસે મહિલા PIની સર્વિસ રિવોલ્વર કબજે કરી હતી.
પોલીસે મહિલા PIની સર્વિસ રિવોલ્વર કબજે કરી હતી.

સાથે રમકડાની પણ પિસ્તોલ રાખ્યાનું ખૂલ્યું
પ્રાપ્ત વિગત મુજબ બપોરે એક વ્‍યક્‍તિ એક્‍ટિવા લઇને રામનાથપરા ગરુડ ગરબી ચોકમાંથી પસાર થઇ રહ્યો હતો. ત્‍યારે ત્‍યાં ગરબીના મંડપ ફિટિંગનું કામ ચાલી રહ્યું હોઇ તેનાં લાકડાં સહિતનો સામાન રોડ પર હોવાથી ટ્રાફિકજામ થઇ ગયો હતો. આ વખતે એક્‍ટિવાચાલકે મજૂરોને ઝડપથી લાકડાં સાઇડમાં લેવાનું કહેતાં મજૂરોએ થોડી રાહ જોવાનું કહેતાં આ શખ્‍સ ઉશ્‍કેરાયો હતો. બાદમાં મજૂરો સાથે ગાળાગાળી શરૂ કરતાં મજૂરોએ ગાળો બોલવાની ના પાડતાં તેણે ઉશ્‍કેરાય જઈ પિસ્‍તોલ કાઢી હતી. આ વખતે ગરુડ ગરબી ચોકના આયોજકો, કાર્યકરો અને બીજા શ્રમિકોએ તેને પકડી લેતાં તેણે પિસ્‍તોલ ફેંકી દીધી હતી અને રમકડાની પિસ્‍તોલ કાઢી પોતાની પાસે આ રમકડું હોવાનું રટણ કર્યું હતું.

પોલીસ ન આવે ત્યાં સુધી ગરબીના આયોજકોએ શખ્સને પકડી રાખ્યો હતો.
પોલીસ ન આવે ત્યાં સુધી ગરબીના આયોજકોએ શખ્સને પકડી રાખ્યો હતો.

એ-ડિવિઝન પોલીસે પૂછપરછ કરી તપાસ હાથ ધરી
બનાવની પોલીસને જાણ થતાં એ-ડિવિઝન પોલીસે આ શખ્‍સની પૂછપરછ કરી હતી. લોકોએ એક સરકારી પિસ્‍તોલ પોલીસ સમક્ષ રજૂ કરી હતી. આ શખ્‍સે પોતાનું નામ જસજિતસિંઘ હોવાનું અને પોતાની પત્‍ની પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર હોવાની ઓળખ આપતાં પોલીસ પણ ચોંકી ગઈ હતી. તે શા માટે પત્‍નીની પિસ્‍તોલ લઇને નીકળ્‍યો એ બાબતે ચર્ચા જાગી છે. વળી રમકડાની પિસ્‍તોલ પણ તેણે સાથે રાખી હતી. એ-ડિવિઝનના ઇન્‍ચાર્જ PI ઇલાબેન સાવલિયા, PSI જે.ડી. વસાવા સહિતે પિસ્‍તોલ સાથે પકડાયેલા શખ્‍સની પૂછપરછ યથાવત્ રાખી છે. પત્ની મહિલા PI હાલ ગાંધીનગર હોવાનું પણ જણાવાયું હતું.

પોલીસે રિવોલ્વર કબજે કરી શખ્સને પકડી પૂછપરછ કરી હતી.
પોલીસે રિવોલ્વર કબજે કરી શખ્સને પકડી પૂછપરછ કરી હતી.