રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલ નાણાંવટી ચોક નજીક ગાંધીનગર શેરી નં-5 માં રહેતી 31 વર્ષની પરિણિતાએ ડેન્ટીસ્ટ પતિ અભિષેક, કારખાનેદાર સસરા જીતેન્દ્ર સરવૈયા, સાસુ રમીલાબેન અને નણંદ ઉર્વિશાબેન હિરેન પરમાર વિરૂદ્ધ ત્રાસ આપ્યાની મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
મારી કમ્પેરીઝનમાં તું કંઈ જ નથી
પરિણિતાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, તેણે બી.કોમ સુધીનો અભ્યાસ કર્યો છે. 2019 માં લગ્ન થયા હતા. લગ્ન બાદ બે ત્રણ માસ ઘર સંસાર સારી રીતે ચાલ્યા બાદ સાસુ સસરાએ તને તારા માતા- પિતાએ કાંઈ આપ્યું નથી.અમે અમારી દીકરીને ત્રણ ત્રણ વખત પહેરામણીમાં સારી વસ્તુ આપી છે, તેવા મેણા મારવાનું શરૂ કર્યું હતું. તેની નણંદના ત્રણ વખત લગ્ન થયા છે. હાલ તે રીસામણે છે. તે પણ એવા મેણા મારતી કે તમે નોકરી જ કરી છે, તમને ઘર કામ કયાં આવડે છે, તમારૂ ઘરકામ ચોખ્ખુ નથી. પતિ કહેતો કે તારા પિતાએ મને ફોતરા જેવી વિંટી આપી છે. જો પતિને બાળક માટે કહે તો એમ કહેતો કે મારે બાળક આજેય નથી જોઈતું અને કાલેય નથી જોઈતું. તારે રહેવું હોય તો રહે. હું રૂપાળો છું, મારી કમ્પેરીઝનમાં તું કંઈ જ નથી.
બધો તારો જ વાંક છે
વધુમાં ફરિયાદમાં જણાવ્યું છે કે, ઘરડા નાનાજીનું બધુ કામ જેવું કે ગડફા અને ટોયલેટ સાફ કરવાનું કામ સાસુ તેની પાસે કરાવતી હતી. સાથોસાથ એમ પણ કહેતી કે મારા પુત્રને મારા બાપુજીએ ડોકટર બનાવ્યો છે.એટલે બધુ કામ તારી ફરજમાં જ આવે છે. અમને તો સામે ડોકટર મળતી હતી. તને કામ કરવા જ લઈ આવ્યા છીએ. તે લગ્ન કરીને સાસરે ગઈ તે સાથે જ સાસુએ કામવાળા બહેનને ના પાડી દીધી હતી. સાસુ અને નણંદ કામ કરાવવા બાબતે બહાના કાઢતા હતા.જે નણંદને કામ કરવાનું કહે તો મેણા મારતી અને પતિને ચડામણી કરતી જેથી પતિ તું નાટક કરે છે, બધો તારો જ વાંક છે તેમ કહી ઝઘડા કરી કયારેક હાથ પણ ઉપાડી લેતો હતો.
તો ઘરનું કામ કોણ કરશે
વધુમાં ફરિયાદમાં જણાવ્યું છે કે, સાસુની પાસે કોઈ વસ્તુ માંગે તો પિયરમાંથી લઈ આવવાનું કહેતા હતા. સાસુ કહે તેટલી જ રસોઈ તેને બનાવી પડતી. એટલુ જ નહી વધેલુ ભોજન તેના ભાગે આવતુ હતું. પતિને જમવાનું ઘટે તો તેની ઉપર ગુસ્સો કરતો હતો. નણંદ અવાર-નવાર બિમાર પડવાનું નાટક કરી તેનું અને પુત્રીનું કામ તેની પાસે કરાવતી હતી. જો પતિને ફરિયાદ કરે તો થોડા દિવસ પિયર જતા રહેવાનું કહેતો હતો. પિયરથી પરત આવે તો સાસુ કોઈએ સાચવ્યા નહી તેવા મેણા મારતા હતા.સાસુ,સસરા અને નણંદ અવાર-નવાર ફરવા જતા હતા. તેને કર્યાંય લઈ જતા નહી. સાથે આવવાનું કહે તો ઘરનું કામ કોણ કરશે, બાપુજીને કોણ સાચવશે તેવા પ્રશ્નો કરતા હતા.સાસુ, સસરા અને નણંદ જામનગર સંબંધીને ત્યાં રોકાવવા જતા પાછળથી તે પિયર પાછી આવી હતી. ચારેક દિવસ બાદ સસરાએ કોલ કરી તાત્કાલીક ઘરે આવવાનું કહ્યું હતું. ઘરે પહોંચતા જ જેમ ફાવે તેમ બોલવા લાગ્યા હતા.
ચીજવસ્તુઓ નણંદને આપી દીધી
વધુમાં ફરિયાદમાં જણાવ્યું છે કે, એટલુ જ નહી તેના પિતા સાથે પણ જેમ ફાવે તેમ વાત કરી હતી. સાથોસાથ પુત્રીને તેડી જવાનું કહ્યું હતું.પરંતુ તેણે પિતાને તેડવા આવવાની ના પાડી હતી. થોડા સમય બાદ તેની તબીયત ખરાબ થઈ ગઈ છતાં પતિએ દરકાર લીધી ન હતી. આખરે હોસ્પિટલે લઈ ગયા ત્યારે કોરોના પોઝીટીવ આવ્યો હતો. તે વખતે સાસુ, સસરા અને નણંદે પિયર જતા રહેવાનું કહી બરાડા પાડયા હતા. જેને કારણે ઝઘડો થતા પતિ બસ સ્ટેન્ડમાં ઉતારી જતો રહ્યો હતો. બાદમાં તેના ભાઈએ સાસરીયાઓને તેડી જવાનું કહેતા પતિએ સાફ ઈન્કાર કરી દીધો હતો. તેના લગ્ન સમયે મળેલી ચીજ વસ્તુઓ નણંદને આપી દીધી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.