નવી SOPથી પરેશાની વેઠી:રાજકોટમાં વરરાજાએ કહ્યું- લગ્નની આગલી રાતે જ 150નો નિયમ આવ્યો, 3 દિવસના પ્રસંગમાં 4 ભાગ પાડી મહેમાનોને આમંત્રિત કર્યા

રાજકોટ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
જામનગર રોડ પર રહેતા અમાર કપાસીના  લગ્ન પ્રસંગનો આજે પ્રથમ દિવસ. - Divya Bhaskar
જામનગર રોડ પર રહેતા અમાર કપાસીના લગ્ન પ્રસંગનો આજે પ્રથમ દિવસ.
  • સરકાર ગાઈડલાઈન બદલે તેમ લગ્નમાં મહેમાનોને આમંત્રણ આપવા મહેનત કરવી પડે છે

કોરોના સંક્રમણને રોકવા માટે સરકારે નવી SOP જાહેર કરી સામાજિક, ધાર્મિક કે રાજકીય કાર્યક્રમોની અંદર 400 લોકોની સંખ્યા ઘટાડીને 150 કરી દીધી છે. સરકારના આ નિયંત્રણના નિર્ણયથી બે દિવસ બાદ શરૂ થતી લગ્નસરાની સિઝનમાં અનેક લોકોએ અગવડતાનો સામનો કરવો પડી રહ્યો છે. દિવ્ય ભાસ્કરે આજે લગ્ન યોજાવવાના છે તે વરરાજા અમાર કપાસી સાથે ખાસ વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, મારા લગ્ન 12, 13 અને 14 જાન્યુઆરી એમ ત્રણ દિવસ યોજાનાર છે. આ માટે સરકારની ગાઈડલાઈન પ્રમાણે અગાઉ 400 મહેમાનોને આમંત્રિત કર્યા હતા. પરંતુ લગ્ન પ્રસંગની આગલી રાતે જ સરકારની નવી SOP આવતા 3 દિવસના પ્રસંગમાં 4 ભાગ પાડી મહેમાનોને આમંત્રિત કર્યા છે.

અચાનક ગાઈડલાઈન આવતા ઘણી અગવડતા વેઠી
રાજકોટના જામનગર રોડ પર રહેતા અમાર કપાસી નામના યુવાનનો લગ્ન પ્રસંગ આજે 12થી 14 જાન્યુઆરીના રોજ યોજાયો છે. આ માટે અગાઉ 7 તારીખની 400 લોકોની મર્યાદાની ગાઇડલાઇન મુજબ આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું અને હવે અચાનક ગઈકાલે રાત્રિના 150 લોકોની મર્યાદા આવતા તેમને ઘણી અગવડતાનો સામનો કરવો પડ્યો હતો. જેમાં સૌથી વધુ અગવડતા આમંત્રિત મહેમાનોને ફરી ક્યાં સમયે પ્રસંગમાં આવવું એ જાણ કરવામાં પડી હતી. પરંતુ હવે સરકારની ગાઇડલાઇનનું પાલન કરવા મહેમાનોને અલગ અલગ 4 ભાગમાં ડિવાઇડ કરી દેવામાં આવ્યા છે. આ સાથે વરરાજાએ અન્ય લોકોને પણ કોવિડ ગાઇડલાઇનનું ચૂસ્તપણે પાલન કરવા અપીલ કરી છે.

આજે લગ્નપ્રસંગનો પહેલો દિવસ.
આજે લગ્નપ્રસંગનો પહેલો દિવસ.

સરકારની ગાઈડલાઈન પ્રમાણે જ લગ્નનું આયોજન
અમાર કપાસીએ વધુમાં જણાવ્યું હતું કે, ફરજીયાત માસ્ક પહેરેલું હોય, સેનિટાઇઝર કરતા હોય અને ફુલ્લી વેક્સિનેટેડ હોય તેવા લોકોને જ આમંત્રણ આપવામાં આવ્યું છે. જેનાથી લગ્નમાં આવનાર અન્ય લોકોને કોરોનાનું સંક્રમણ રહે નહીં. પહેલા 400 લોકોને ભેગા થવાની ગાઈડલાઈન હતી. પરંતુ નવી ગાઈડલાઈનમાં 150 લોકોએ એકઠા થવાની ગાઈડલાઈન હોવાથી 400માંથી સીધા 150 લોકો કરવા અસંભવ હતા. આથી મહેમાનોને ત્રણ દિવસમાં અલગ અલગ સમયે બોલાવી વ્યવહાર સાચવ્યો છે. ગાઈડલાઈન નવી આવી ત્યારથી મોડી રાત સુધી આમંત્રિત મહેમાનોને ફોન કરી સમય જણાવવામાં આવ્યો હતો.

વરરાજાએ પોતે ફોન કરી મહેમાનોને સમય આપ્યો.
વરરાજાએ પોતે ફોન કરી મહેમાનોને સમય આપ્યો.

વરરાજાએ પણ લગ્ન સફળ કરવા દોડધામ કરી
અમાર કપાસીએ વધુમાં જણાવ્યું હતું કે, એક અઠવાડિયામાં બે વખત ગાઇડલાઇન બદલાતા આમંત્રિતોને આમંત્રણ પાઠવવા મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. જોકે લોકો નિયંત્રણોને ધ્યાનમાં રાખી પ્રસંગોમાં મહેમાનોને વિભાજીત કરી બોલાવવા નિર્ણય કરવા પડ્યા છે. સરકાર જેમ રાતોરાત ગાઈડલાઈન બદલે છે તેમ અમારે પણ રાતોરાત મહેમાનોને આમંત્રણ આપવા માટે મર્યાદિત સંખ્યામાં એકઠા કરવા સમય બદલવો પડ્યો હતો. ઉલ્લેખનીય છે કે, એક દિવસ અગાઉ નવી ગાઇડલાઇન આવતા તમામ પ્રકારના આયોજન કરવા ખૂબ જ મુશ્કેલ બન્યા છે. જેની સાથે સાથે ખુદ વરરાજાને પણ લગ્નના આગલા દિવસે કામમાં જોડાય પોતાના લગ્નને સફળ બનાવવા ભાગદોડ કરવી પડી હતી.