માસૂમ સાથે રાક્ષસી કૃત્ય:રાજકોટમાં મકાનમાલિકે 2 વર્ષના પુત્રને દારૂ પિવડાવ્યાનો પિતાનો આક્ષેપ, બેભાન થતાં હોસ્પિટલે ખસેડાયો, મેડિકલ રિપોર્ટની રાહ

રાજકોટ3 દિવસ પહેલા

રાજકોટમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. મીરા ઉદ્યોગનગરમાં મકાનમાલિકે ભાડૂઆત યાસીન સૈયદના બે વર્ષના પુત્રને દારૂ પિવડાવ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. બે વર્ષના બાળકને દારૂ પિવડાવતાં તે બેભાન થઈ જતાં તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે. હાલ પોલીસે બાળકનો મેડિકલ રિપોર્ટ કરાવવા તજવીજ હાથ ધરી છે. મેડિકલ રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી થશે એવું પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે. હજુ પણ બાળક સિવિલ હોસ્પિટલમાં આવેલી કે.ટી.ચિલ્ડ્રન હોસ્પિટલમાં બેભાન અવસ્થામાં છે.

હું તેના રૂમમાં ગયો તો મારા પુત્રને દારૂ પિવડાવતો હતો
બાળકના પિતા યાસીને મકાનમાલિકનું નામ વનરાજભાઈ હોવાનું જણાવ્યું છે. યાસીને આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે અમે મીરા ઉદ્યોગનગરમાં રહીએ છીએ. અમારા મકાનમાલિકે કહ્યું હતું કે મારે જમવું છે, આથી મેં કહ્યું- વાંધો નહીં, જમવાનું બનાવી દઈએ. બાદમાં હું અમે મારી પત્ની તેમનું જમવાનું તૈયાર કરતાં હતાં. આ દરમિયાન મારો બે વર્ષનો પુત્ર રમતો રમતો તેના રૂમમાં જતો રહ્યો હતો. આથી હું તેને શોધવા નીકળ્યો હતો. બાદમાં મકાનમાલિકના રૂમમાં પહોંચ્યો તો તે મારા પુત્રને દારૂ પિવડાવતો હતો.

બાળકના પિતા યાસીન સૈયદ સાથે પરિવાજનો પણ પહોંચ્યાં.
બાળકના પિતા યાસીન સૈયદ સાથે પરિવાજનો પણ પહોંચ્યાં.

મકાનમાલિક એમ જ કહે છે કે મેં દારૂ નથી પિવડાવ્યો
યાસીને જણાવ્યું હતું કે આ જોઇને મેં મકાનમાલિકને કહ્યું હતું કે આવું થોડું કરાય આટલા બે વર્ષના બાળક સાથે. પછી 10-15 મિનિટ બાદ મારો પુત્ર બેભાન થઈ ગયો હતો, આથી અમે મારા પુત્રને લઈને હોસ્પિટલે લાવ્યા હતા. વિદેશી દારૂ હતો, જે મારા પુત્રને પિવડાવ્યો હતો. મકાનમાલિક તો એમ જ કહે છે કે મેં પિવડાવ્યો નથી. પણ મારું કહેવું છે કે મારો પુત્ર બેભાન એમ થોડો થઈ જાય. મકાનમાલિક આખો દિવસ વિદેશી દારૂ જ પીવે છે.

સિવિલ હોસ્પિટલમાં આવેલી કે.ટી.ચિલ્ડ્રન હોસ્પિટલમાં બાળક સારવાર હેઠળ.
સિવિલ હોસ્પિટલમાં આવેલી કે.ટી.ચિલ્ડ્રન હોસ્પિટલમાં બાળક સારવાર હેઠળ.

કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી મારી માગ
મારી માગણી છે કે મારા બાળક સાથે આવું કર્યું એટલે તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. મકાનમાલિકે જમવામાં ઇંડાકરી માગી હતી. મકાનમાલિક ખોડિયારપરામાં રહે છે પણ રોજ અમારા વિસ્તારમાં દારૂ પીવા આવે છે. અમારા ઘરમાં નહીં, પણ તેણે અલગ રાખેલો રૂમ છે ત્યાં દારૂ પીવા આવે છે. તેને અમારા વિસ્તારમાં એક જ લાઈનમાં આઠ રૂમ છે.

અન્ય સમાચારો પણ છે...