રાજકોટ જીલ્લાના સાતડા ગામે વધુ એક અંધશ્રદ્ધાનો કિસ્સો સામે આવ્યો છે. બે દિવસ પહેલા ઝેરી દવા પી લેતા મહિલાને હોસ્પિટલમાં સારવાર ના બદલે ભૂવા પાસે લઇ જતા ભૂવાએ દાણા-ભભૂતિ આપી ઘરે જાવ સારું થઇ જશે તેમ કહેતા ઘરે લઇ જતા મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. પગપાળા ચાલીને જવાની માનતા પૂરી કર્યા બાદ પગ દુખતા હોવાથી પતિ પત્ની વચ્ચે બોલાચાલી થતા પતિએ ઠપકો આપતા મહિલાએ ઝેર પી લીધું હોવાનું સામે આવ્યું છે.
રાજકોટ જિલ્લાના સાતડા ગામે રહેતા જયાબેન દેવાભાઈ જાખણીયા (ઉ.વ.40) ને સંતાનમાં ચાર પુત્ર અને બે પુત્રી છે. સૌથી મોટો પુત્ર લાંબા સમયથી ગુમ થઇ ગયો હોય જેથી તેમની માતા જયાબેન એ માતાજીના મંદિરે ઉઘાડા પગે ચાલીને જવાની માનતા કરી હતી દરમિયાન પુત્ર પરત આવી જતા જયાબેન પગપાળા ચાલીને માનતા ઉતારવા ગયા હતા પરત ઘરે આવીને પગ દુખતા હોય તેવી ફરિયાદ કરતા પતિએ કોણે ચાલીને જવાની માનતા રાખવાનું કહ્યું હતું તેવો ઠપકો આપતા તેણીએ ઝેરી દવા પી લીધી હતી..
બાદમાં મહિલાને હોસ્પીટલે લઇ જવાને બદલે વાંકાનેર નજીક સ્થળે ભૂવા પાસે લઇ જતા ભૂવાએ સારવાર કરાવવી નહી ભભૂતિ લઇ જાવ સારું થઇ જશે તેવું કહેતા ઘરે લઇ ગયા બાદ ગઈકાલે તબિયત લથડતા સિવિલ હોસ્પીટલે ખસેડાયા હતા પરંતુ ફરજ પરના તબીબોએ મૃત જાહેર કરતા સિવિલ ચોકીના સ્ટાફે એરપોર્ટ પોલીસને જાણ કરતા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.