રાજકોટના ત્રિકોણબાગ નજીક ફરી એક વખત સિટીબસના ચાલકની દાદાગીરી આવી સામે આવી છે. સિટીબસ ચાલક નજીવી બાબતે ઉશ્કેરાઇ વૃદ્ધ રિક્ષા-ચાલકને માર મારવા પર ઉતરી આવ્યો હતો. વૃદ્ધ રિક્ષા-ચાલકને બેફામ ગાળો ભાંડી ઝઘડો કર્યો હતો. જોકે આ સમયે ટ્રાફિક બ્રિગેડના જવાનો દોડી આવતા બન્નેને એકબીજાથી દૂર કરી મામલો થાળે પાડ્યો હતો. પરંતુ આ સમગ્ર ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.
સિટીબસના નજીકના સ્ટોપના કર્મચારીઓ દોડી આવ્યા
શહેરમાં છાશવારે સિટીબસ ચાલકોની દાદાગીરીની ઘટના સામે આવતી હોય છે. આજ રોજ વધુ એક વખત રાજકોટ શહેરના ત્રિકોણબાગ નજીક એક વૃદ્ધ રિક્ષાચાલક સાથે સિટીબસના કર્મચારીની દાદાગીરીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. બપોરના સમયે ત્રિકોણબાગ નજીક કોઈ નજીવી બાબતે ઉશ્કેરાઇ સિટીબસ કર્મચારી રિક્ષાચાલક સાથે ઝઘડો કરવા ઉતરી આવ્યો હતો. જેને જોતા નજીકમાં બસસ્ટોપ ખાતે રહેલા અન્ય કર્મી પણ દોડી આવ્યા હતા અને રિક્ષાચાલકને ગાળો ભાંડી હતી.
મામલો માર મારવા સુધી પહોંચી ગયો હતો
મામલો વધુ ઉગ્ર બને અને રિક્ષા-ચાલક તેમજ બસ-ચાલક વચ્ચે ઝપાઝપી થાય એ પૂર્વે ત્યાં ફરજ પર હાજર ટ્રાફિક બ્રિગેડના 3 જવાબો ધસી આવતા તેઓએ બંનેને અલગ પાડ્યા હતા અને ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ અંગે કોઈ ફરિયાદ થઇ નથી. પરંતુ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. જેમાં નજીવી બાબતે સિટીબસના કર્મીઓ રિક્ષાચાલકને બેફામ ગાળો ભાંડતા નજરે પડી રહ્યા છે.
અગાઉ બસ સાથે રિક્ષા ઘસાતા વૃદ્ધ રિક્ષા-ચાલકને તમાચા ઝીંક્યા હતા
છ મહિના પહેલા જ રાજકોટમાં સિટીબસના કર્મચારીઓની દાદાગીરી સામે આવી હતી. સિટીબસના કર્મચારીઓનો દાદાગીરીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. જેમાં શહેરના કાવાલડ રોડ પર સિટીબસ સાથે રિક્ષા ઘસાઈ હતી. બાદમાં સિટીબસના ડ્રાઇવર-કન્ડક્ટર સહિત અન્ય કર્મચારીઓ એકત્ર થયા હતા અને વૃદ્ધ રિક્ષા-ચાલકને માર માર્યો હતો. આ વીડિયો વાઇરલ થતાં રાજકોટ મનપા કમિશનર દ્વારા સમગ્ર મામલે ડેપ્યુટી કમિશનરને તપાસ સોંપી હતી. બાદમાં મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ બસના ડ્રાઇવર અને કન્ડક્ટરને સસ્પેન્ડ કરી દીધા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.