• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • In Rajkot, The DEO Said: Some Schools Are Not Following The Guidelines Of Koro But Checking Will Be Done After Gram Panchayat Elections.

ભુલકાંની જિંદગી કરતા ચૂંટણી મહત્વની:રાજકોટમાં DEOએ કહ્યું: અમુક સ્કૂલમાં કોરોના ગાઈડલાઇન્સનું પાલન ઓછું થાય છે પરંતુ ગ્રામ પંચાયતની ચૂંટણી પછી ચેકીંગ થશે

રાજકોટ5 મહિનો પહેલા
DEO બી.એસ.કૈલા
  • જો શાળામાં ગાઈડલાઇન્સનું પાલન ઓછું થાય છે તો અત્યારે ચેકીંગ કેમ નહીં ?
  • શું ચૂંટણી વિદ્યાર્થીઓના ભવિષ્ય કરતા વધુ મહત્વની છે ?

રાજકોટ શહેરમાં ગઈકાલે એક સાથે ચાર શાળાઓમાં વિદ્યાર્થીઓ કોરોનાગ્રસ્ત થયા હતા. આ અંગે શાળામાં ચેકીંગ કરવાના મુદ્દે DEO બી.એસ.કૈલાએ વિવાદિત નિવેદન આપતા કહ્યું: અમુક સ્કૂલમાં કોરોના ગાઈડલાઇન્સનું પાલન ઓછું થાય છે. પરંતુ ગ્રામ પંચાયતની ચૂંટણી પછી શાળાઓમાં ચેકીંગ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે જો શાળામાં ગાઈડલાઇન્સનું પાલન ઓછું થાય છે તો અત્યારે જ ચેકીંગ કેમ નહીં ? અને શું ચૂંટણી વિદ્યાર્થીઓના ભવિષ્ય કરતા વધુ મહત્વની છે ?

ગામડે ગામડે લોકો એકઠા થશે
ગુજરાતમાં આવતીકાલે ગ્રામ્ય પંચાયતની ચૂંટણી યોજાનાર છે. ગામડે ગામડે લોકો એકઠા થશે ટોળા થશે ત્યારે ગાઈડલાઈનના ભંગ થશે જ.. આવા સમયે જયારે રાજકોટની શાળામાં કોરોનાનું સંક્ર્મણ જોવા મળ્યું છે ત્યારે એક તરફ DEO સ્વીકારે છે કે અમુક શાળામાં ગાઈડલાઇન્સનું પાલન ઓછું થાય છે અને બીજી તરફ નિયમભંગ અટકાવવાને બદલે તેઓ ચૂંટણી પછી દૈનિક 25 શાળાઓમાં ચેકીંગની વાત કરી રહ્યા છે.

સ્કૂલ વાહનો અને શાળાઓમાં થતા સોશિયલ ડિસ્ટન્સના અભાવે સંક્ર્મણ વધ્યું છે
સ્કૂલ વાહનો અને શાળાઓમાં થતા સોશિયલ ડિસ્ટન્સના અભાવે સંક્ર્મણ વધ્યું છે

સ્કૂલ વાહનોનું ચેકીંગ કરવાની જવાબદારી RTOની છે
ગઈકાલે જ ચાર સ્કૂલોમાં ચાર વિદ્યાર્થી તેમજ એક શિક્ષક મળી 5 પોઝીટીવ કેસ સામે આવ્યા છે. આ માટે જુદા-જુદા સ્કૂલ વાહનો અને શાળાઓમાં થતું કોરોનાનાં નિયમોનું ઉલ્લંઘન જવાબદાર છે. ત્યારે સ્કૂલ વાહનોનું ચેકીંગ કરવાની જવાબદારી આરટીઓ પાસે હોવાનું જણાવી જિલ્લા શિક્ષણાધિકારીએ હાથ ઊંચા કર્યા છે. લોકોમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે. અને તંત્ર આ ગંભીર મુદ્દો હળવાશથી લેતું હોવાની છાપ ઉપસી છે.

ઇન્ચાર્જ ARTO એમ.ડી.પાનસેરિયા
ઇન્ચાર્જ ARTO એમ.ડી.પાનસેરિયા

સ્કૂલમાં વાહન ચેકીંગની ડ્રાઈવમાં 8 જેટલા વાહનો ડિટેઇન કરાયા
આ મુદ્દે ઇન્ચાર્જ ARTO એમ.ડી.પાનસેરિયાએ જણાવ્યું હતું કે, હાલ શાળાનાં વિદ્યાર્થીઓ કોરોનાથી સંક્રમિત થયાની ઘટનાઓ સામે આવી રહી છે. જેમાં સ્કૂલ રીક્ષા અને વાનમાં કેપેસિટી કરતા વધુ વિદ્યાર્થીને બેસાડી સોશિયલ ડિસ્ટન્સ સહિત કોરોનાનાં નિયમોનો ઉલાળીયો કારણભૂત હોવાનું ધ્યાનમાં આવ્યું છે. જેને લઈને એક સ્કૂલ વાહનોનાં ચેકીંગની ખાસ ડ્રાઈવ પણ યોજવામાં આવી હતી. જેમાં બપોર સુધીમાં 8 જેટલા વાહનો ડિટેઇન કરવામાં આવ્યા છે. આગામી દિવસોમાં પણ આ પ્રકારે સ્કૂલ વાહનોનું નિયમિત ચેકીંગ કરવામાં આવનાર છે. સાથે આવા વાહનોમાં બાળકોને નહીં મોકલવા તેમણે વાલીઓને પણ અપીલ કરી છે.

કોરોનાનાં નિયમોનો ઉલાળીયો કરતા 8 જેટલા વાહનો ડિટેઇન કરાયા
કોરોનાનાં નિયમોનો ઉલાળીયો કરતા 8 જેટલા વાહનો ડિટેઇન કરાયા

ચૂંટણી મહત્વની કે લાખો બાળકોનું આરોગ્ય
શાળાઓ શરૂ થયા બાદ તેમાં કોરોનાની ગાઈડલાઈનનાં પાલન માટે આદેશો આપવામાં આવ્યા હતા. અને આ માટે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા અલગ-અલગ ટીમો બનાવીને ચેકીંગ કરવામાં આવનાર હતું. જો કે અત્યાર સુધી આ વાતો માત્ર કાગળ ઉપર જ રહી છે. અને કોઈ શાળામાં ચેકીંગ કરાયું નથી. એટલું જ નહીં ચાર છાત્રો અને એક શિક્ષક સંક્રમિત થયા બાદ પણ શાળાઓમાં ચેકીંગ કાર્ય ગ્રામ પંચાયતની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ એટલે કે સોમ-મંગળવારથી શરૂ કરવામાં આવશે તેવું ખુદ જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યું છે. ત્યારે સવાલ એ થાય છે કે ચૂંટણી મહત્વની કે લાખો બાળકોનું આરોગ્ય ?

અન્ય સમાચારો પણ છે...