આક્ષેપબાજી:રાજકોટમાં કોંગ્રેસ નેતાએ કહ્યું- મનપા ડમી સર્ટિફિકેટ જનરેટ કરી 100% વેક્સિનેશન બતાવી રહી છે, મેયરે કહ્યું- એક પણ ડમી સર્ટિફિકેટની ફરિયાદ મળી નથી

રાજકોટ6 મહિનો પહેલા
કોંગ્રેસના નેતા હેમાંગ વસાવડા (ડાબી બાજુ) અને મેયર ડો.પ્રદીપ ડવ (જમણી બાજુ)
  • આરોગ્ય તંત્રને પ્રોત્સાહન આપવાના બદલે કોંગ્રેસ ખોટા આક્ષેપો કરે છેઃ મેયર

રાજકોટમાં 100 ટકા વેક્સિનેશન થઈ ગયાનું મનપાએ પોતાની સત્તાવાર યાદીમાં જણાવ્યું હતું. જોકે વેક્સિનેશનને લઇને કોંગ્રેસના નેતા હેમાંગ વસાવડાએ નિવેદન આપતા જણાવ્યું છે કે, મહાનગરપાલિકાનો 100 ટકા વેક્સિનેશનનો દાવો ખોટો છે. મનપા ડમી સર્ટિફિકેટ જનરેટ કરી 100 ટકા વેક્સિનેશન બતાવી રહી છે. બીજી તરફ હેમાંગ વસાવડાને મેયરે જવાબ આપતા જણાવ્યું હતું કે, એક પણ ડમી સર્ટિફિકેટની ફરિયાદ હજી સુધી આવી નથી.

100 ટકા વેક્સિનેશનને લઇને ભાજપ-કોંગ્રસ વચ્ચે આક્ષેપબાજી
હેમાંગ વસાવડાએ વધુમાં જણાવ્યું હતું કે, સરકાર અને તંત્ર જનતાને ગુમરાહ કરવાની કામગીરી કરી રહી છે. મનપાનું આરોગ્ય તંત્ર હર ઘર દસ્તક કાર્યક્રમ શા માટે ચલાવી રહી છે. આ અંગે ન્યાયિક તપાસની માગ કરવામાં આવી છે. રાજકોટમાં 100 ટકા વેક્સિનેશનને લઇને ભાજપ-કોંગ્રસ વચ્ચે આક્ષેપબાજી થઈ રહી છે.

શહેરમાં 11 લાખ 65 હજાર લોકોએ વેક્સિન લીધીઃ મેયર
મેયર ડો. પ્રદીપ ડવે વધુમાં જણાવ્યું હતું કે, હેમાંગ વસાવડાના આક્ષેપો પાયાવિહોણા છે. રાજકોટ કોર્પોરેશન વિસ્તારમાં 100 ટકા વેક્સિનેશનની કામગીરી પૂર્ણ થઈ છે. શહેરમાં 11 લાખ 65 હજાર લોકોએ વેક્સિન લીધી છે. રાજ્ય સરકારે જે ટાર્ગેટ આપ્યો હતો તેને રાજકોટ મનપાએ પૂર્ણ કર્યો છે. મારા ધ્યાન પર એક પણ ડમી સર્ટિફિકેટની ફરિયાદ મળી નથી. આરોગ્ય તંત્રને પ્રોત્સાહન આપવાના બદલે કોંગ્રેસ દ્વારા ખોટા આક્ષેપો કરવામાં આવે છે જે દુઃખની વાત છે.

અન્ય સમાચારો પણ છે...