અનાથને માતા-પિતાની છત્રછાયા મળી:રાજકોટમાં કાઠિયાવાડ બાલાશ્રમના બાળકને શહેરના જ દંપતીએ દત્તક લીધું, કલેક્ટરના હસ્તે બાળકને સોંપાયું

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
દત્તકની કાયદાકીય પ્રક્રિયા કરવામાં આવી હતી. - Divya Bhaskar
દત્તકની કાયદાકીય પ્રક્રિયા કરવામાં આવી હતી.

રાજકોટની સેવા સંસ્થા કાઠિયાવાડ નિરાશ્રિત બાલાશ્રમના માતા-પિતાથી વંચિત એવા બાળકને આજે રાજકોટના દંપતી દ્વારા કાયદાકીય રીતે દત્તક લેવામાં આવ્યું હતું. આ બાળકને કલેક્ટરના હસ્તે તેમના દત્તક માતા-પિતાને સોંપવામાં આવ્યું હતું. બાળકને પરિવાર મળતાં કલેક્ટર, સંસ્થાના ટ્રસ્ટીઓ, કર્મચારીઓએ આનંદની લાગણી વ્યક્ત હતી અને બાળકોને ઉજ્જવળ ભવિષ્યની કામના સાથે તેમના માતા-પિતાને સોંપ્યા હતા.

અત્યારસુધીમાં 750 બાળકો દેશ-વિદેશમાં દત્તક લેવાયા
કાઠિયાવાડ નિરાશ્રિત બાલાશ્રમમાંથી અત્યારસુધીમાં 750 જેટલા બાળકો હાલ સુધીમાં દેશ-વિદેશમાં દત્તક લેવામાં આવ્યા છે. દત્તક વિધાનની નવી પ્રક્રિયા પ્રમાણે કોર્ટના બદલે કલેક્ટર દ્વારા દત્તક આપવા માટેનો ઓર્ડર કરવામાં આવે છે. જે અનુસાર આજે રાજકોટ જિલ્લામાં ત્રીજું બાળક જિલ્લા બાળ સુરક્ષા એકમ અને સમાજ સુરક્ષા અધિકારીની મદદથી પોતાના ઘરે પહોંચી શક્યું છે. પરિવાર સાથેના મેળાપના શુભ પ્રસંગે કલેક્ટર અરૂણ મહેશ બાબુએ બાળકને દત્તક લેનાર માતા-પિતાને શુભેચ્છાઓ આપી બાળક દ્વારા તેમના પરિવારમાં આવનારી ખુશાલી અને તેમના થકી બાળકોના ઉજ્વળ ભવિષ્ય વિશેની કામના વ્યક્ત કરી હતી.

બાળકને આશાએ દંપતીઓ અંધશ્રદ્ધાના માર્ગે વળતા હોય છે
સમાજમાં હાલની પરિસ્થિતિમાં જોવા મળતી વંધ્યત્વની બીમારીને લીધે પોતાના બાળકની આશાએ ઘણીવાર દંપતીઓ અંધશ્રદ્ધાના માર્ગે પણ વળી જતા હોય છે. ત્યારે આ દંપતીને એક દીકરી હોવા છતાં આ બાળકને દત્તક લઈ સમાજને એક આદર્શ રાહ ચીંધ્યો છે. અન્ય દંપતીઓ પણ આ આદર્શ માર્ગ પર પોતાના ભવિષ્યની કેડી કંડારી એક માતા-પિતા વિહીન બાળકને પોતાનો સહારો આપી શકે છે અને એ બાળકના જીવનને તેમજ પોતાના પરિવારને પણ સુખમય બનાવી શકે છે. ઘણીવાર દત્તક લેવા ઇચ્છતા દંપતીઓમાં દત્તક વિધાનની પ્રક્રિયા વિશે સ્પષ્ટતાપૂર્વકની સમજણ ન હોવાને કારણે તકલીફો પણ જાણવા મળી છે.

કલેક્ટર અરૂણ મહેશ બાબુના હસ્તે બાળકને તેના દત્તક માતા-પિતાને સોંપાયું.
કલેક્ટર અરૂણ મહેશ બાબુના હસ્તે બાળકને તેના દત્તક માતા-પિતાને સોંપાયું.

બાળક દત્તક લેવાની પ્રક્રિયા શું છે?
જે કોઈ દંપતી બાળકને દત્તક લેવા ઇચ્છતું હોય તે દંપતીએ સૌપ્રથમ www.cara.nic.in સાઇટ પર રજિસ્ટ્રેશન કરાવવાનું હોય છે. જેમાં પાનકાર્ડ, આધારકાર્ડ, મેરેજ સર્ટિફિકેટ, મેડિકલ રિપોર્ટ, ઇન્કમ ટેક્સ રિટર્ન, પોલીસ ક્લિયરન્સ અને બન્નેનો ફોટો અપલોડ કરવાના હોય છે, ત્યારબાદ દંપતીને દીકરો કે દીકરી અંગેની પસંદગી માટે પણ તેમાં ઓપ્શન આપવામાં આવેલ હોય છે. સાઇટ પર જ બાળકને દત્તક લેવા માટેના કોઈ પણ ત્રણ રાજ્યની પસંદગી અને સંસ્થાની પસંદગી પણ કરવામાં આવે છે. આ રજિસ્ટ્રેશન બાદ સાઇટ દ્વારા જ પતિ-પત્નીના ઉંમરના સરવાળાના આધારે તેમને કેટલા વર્ષ સુધીનું બાળક દત્તક લઇ શકાય છે તેના વિશેની માહિતી આપવામાં આવે છે.

દંપતીનો ઇન્ટરવ્યૂ અને હોમ વિઝિટ કરવામાં આવે
બાદમાં સાઇટ પર દંપતી ટ્વીન કે સિંગલ બાળક અંગેની પોતાની પ્રાથમિકતા પણ જણાવી શકે છે. આ આધારે કારા દ્વારા દંપતીને અનુરૂપ બાળકો વિશે જણાવવામાં આવે છે, જેમાંથી દંપતી બાળકની પસંદગી કરી શકે છે. રજિસ્ટ્રેશનની સંપૂર્ણ પ્રક્રિયા બાદ દંપતીનું સંપૂર્ણ ડોક્યુમેન્ટ સાથેનું ડોઝિયર તૈયાર થાય છે. દંપતીનું કાઉન્સેલિંગ કરવામાં આવે છે. તેમજ તેમનો હોમ સ્ટડી રિપોર્ટ પણ તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ એડોપ્શન કમિટી દ્વારા દંપતીનો ઇન્ટરવ્યૂ અને હોમ વિઝિટ કરવામાં આવે છે. આ પ્રક્રિયાના અંતે એલિજિબલ થતા દંપતીને બાળક દત્તક લેવા માટેની માન્યતા મળે છે. આ માન્યતામાં પ્રથમ સ્તરે ફોસ્ટર કેર એટલે કે બાળકના પાલન-પોષણ માટેની માન્યતા મળે છે. ફોસ્ટર કેરની મંજૂરી બાદ બાળકને દત્તક લેવા માટેની પ્રક્રિયા કરી તપાસ બાદ જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા બાળક દત્તક આપવાનો ઓર્ડર દંપતીને આપવામાં આવે છે.

બાળક દત્તક લેતા જ માતા-પિતા ખુશખુશાલ જોવા મળ્યા હતા.
બાળક દત્તક લેતા જ માતા-પિતા ખુશખુશાલ જોવા મળ્યા હતા.

બાળક દત્તક કોણ લઈ શકે છે?
કોઈ પણ દંપતી પોતાના ત્રણ બાળકો સુધી અન્ય બાળકને દત્તક લઈ શકે છે, જો દંપતીને પોતાના ત્રણ બાળકો હોય તો તે ચોથા બાળકને દત્તક લઈ શકે નહીં. આ, દત્તક વિધાન વિશેની સાચી સમજ આપીને પારણું ઝુલાવવાનો અવસર અને એક બાળકને માતા-પિતાની છત્રછાયા મેળવવાની પ્રક્રિયાનો સમન્વય થઇ પરિવારને ખુશી આપવા માટેનું માધ્યમ બની શકે છે.

અન્ય સમાચારો પણ છે...