રાજકોટ તાલુકાના સરધાર, પાડાસણ, લોથળા, ભયાસર અને કથરોટા વિસ્તારોમાં 3 સિંહે દેખા દેતાં લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આ સિંહોએ અત્યારસુધીમાં 20 જેટલાં પશુનું મારણ કર્યું છે, જેથી માલધારીઓ અને ખેડૂતો વાડી વિસ્તારમાં જવા માટે ભય અનુભવી રહ્યા છે. સિંહોનું છેલ્લું લોકેશન ભાયસર ગામની સીમમાં જોવા મળ્યું હતું.
લોથળા-ભયાસર ગામમાં સિંહોએ ત્રણ પશુનું મારણ કર્યું
રાજકોટ તાલુકાના ઉમેરાળી, હલેન્ડા, ડુંગરપુર, ખારચિયા, મકનપર, સરધાર, વડાળી, લોથળા ભાયાસર, કાથરોટા, પાડાસણ અને ખોખલડળ સહિતનાં ગામડાંમાં સાવજો ફરી રહ્યા છે, જેથી સ્થાનિકોમાં ભય જોવા મળી રહ્યો છે. લોથળા અને ભાયસર ગામમાં સિંહોએ ત્રણ પશુનું મારણ કર્યું છે. જ્યારે અત્યારસુધીમાં આ સિંહોએ 20 જેટલાં પશુનું મારણ કરી મિજબાની માણી છે.
વન વિભાગની ટીમ સિંહો પર ખાસ નજર રાખી રહી છે
થોડા દિવસ પહેલાં સિંહનો વિડિયો પણ વાઇરલ થયો હતો. ગોંડલ થઈને એક માદા અને બે નર સિંહ રાજકોટ તાલુકામાં ચડી આવ્યા હોવાની માહિતી મળી છે. જોકે સમગ્ર ઘટનાની જાણ વન વિભાગને કરવામાં આવતાં વન વિભાગની ટીમ સિંહો પર ખાસ નજર રાખી રહી છે.
સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો
એક માદા અને બે નર સિંહ રાજકોટ તાલુકાના અલગ અલગ વિસ્તારમાં લટાર મારી રહ્યા છે, જેને લઈને સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. મહત્ત્વનું છે કે હજુ થોડા દિવસ પહેલાં જ ગોંડલના રહેણાક વિસ્તારમાં એક બંધ મકાનમાં દીપડો ઘૂસી ગયો હતો. જોકે વન વિભાગે ભારે જહેમત બાદ દીપડાને પાંજરે પૂર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.