પરિણામના વધામણા:રાજકોટમાં ધો.12 સાયન્સના વિદ્યાર્થીઓએ ઢોલના તાલે ગરબાની રમઝટ બોલાવી, શિક્ષકોએ મો મીઠા કરાવ્યા

રાજકોટ10 દિવસ પહેલા
કાલાવડ રોડ પર આવેલી એક સ્કૂલમાં ઢોલના તાલે વિદ્યાર્થિનીઓએ ગરબા રમી પરિણામને વધાવ્યું.
  • રાજ્યમાં સૌથી વધુ પરિણામ રાજકોટ જિલ્લાનું આવતા વિદ્યાર્થીઓની ખુશી બેવડાઇ

આજે ધો.12 સાયન્સ અને ગુજકેટનું પરિણામ જાહેર થતા જ વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યમાં રાજકોટ જિલ્લાએ પરિણામમાં મેદાન મારતા વિદ્યાર્થીઓની ખુશી બેવડાઇ છે. શહેરના કાલાવડ રોડ પર આવેલી એક સ્કૂલમાં વિદ્યાર્થીઓ ઢોલના તાલે ગરબાની રમઝટ બોલાવી હતી. તેમજ શિક્ષકોએ વિદ્યાર્થીઓના મો મીઠા કરાવી પરિણામને વધાવ્યું હતું. વિદ્યાર્થીઓએ પરિણામ અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો.

ઢોલના તાલે રાસ-ગરબાની રમઝટ બોલાવતા વિદ્યાર્થીઓ.
ઢોલના તાલે રાસ-ગરબાની રમઝટ બોલાવતા વિદ્યાર્થીઓ.

રાજકોટની સ્કૂલોમાં પરિણામની ઉજવણી
ગુજરાતમાં સૌથી વધુ રાજકોટ જિલ્લાનું ધો.12 સાયન્સમાં 85.78% પરિણામ આવ્યું છે. કોરોના બાદ પ્રથમ વખત ધો.12 સાયન્સની પરીક્ષાનું પરિણામ આવતા વિદ્યાર્થીઓમાં પણ ખુશીની લહેર જોવા મળી રહી છે. રાજકોટની સ્કૂલોમાં પરિણામને લઈને ઉજવણી થઈ રહી છે. ઢોલ-નગારાના તાલે વિદ્યાર્થીઓ ઝુમી ઉઠ્યા છે. ગરબાની સાથોસાથ વિદ્યાર્થીઓ ફિલ્મી ગીતો પર ડાન્સ કરતા જોવા મળ્યા હતા.

કાલાવડ રોડ પર આવેલી એક સ્કૂલમાં ગરબા રમી વિદ્યાર્થિનીઓએ પરિણામની ઉજવણી કરી.
કાલાવડ રોડ પર આવેલી એક સ્કૂલમાં ગરબા રમી વિદ્યાર્થિનીઓએ પરિણામની ઉજવણી કરી.

રાજકોટ જિલ્લામાં 17 વિદ્યાર્થીએ A1 ગ્રેડ મેળવ્યો
રાજકોટ જિલ્લામાં 5807 ઉમેદવારનું પરિણામ જાહેર થયું છે. જેમાં A1 ગ્રેડમાં 17, A2 ગ્રેડમાં 397, B1 ગ્રેડમાં 1034, B2 ગ્રેડમાં 1422, C1માં 1493, C2માં 1180, D ગ્રેડમાં 264 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.

શિક્ષકે વિદ્યાર્થીના મો મીઠા કરાવ્યા.
શિક્ષકે વિદ્યાર્થીના મો મીઠા કરાવ્યા.