સહમતિ વગર સંમતિપત્ર:સરકારની પરવાનગી વિના રાજકોટની સત્યપ્રકાશ સ્કૂલે ધો.1થી 5ના વિદ્યાર્થીઓના વાલીઓ પાસેથી સંમતિપત્રક લેવાનું શરૂ કર્યું

રાજકોટ14 દિવસ પહેલા
રાજકોટની સત્યપ્રકાશ સ્કૂલ અને ઇન્સેટમાં વાલીઓને મોકલવામાં આવેલું સંમતિપત્ર.
  • આ મામલે ખરાઇ કરી સ્કૂલ સંચાલક પાસેથી માહિતી એકત્ર કરી યોગ્ય તપાસ કરીશું: DEO

રાજકોટ સહિત ગુજરાતમાં ફરી દિવાળીના તહેવાર બાદ કોરોના કેસની સંખ્યામાં વધારો થતો જોવા મળી રહ્યો છે. બીજી તરફ ધોરણ 1થી 5ના વિદ્યાર્થીઓ માટે ઓફલાઇન વર્ગો ટૂંક સમયમાં મુખ્યમંત્રી સાથે ચર્ચા કર્યા બાદ શરૂ કરવા તૈયારી શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ ગઇકાલે રાજકોટમાં દાખવી હતી. ત્યારે સરકારની પરવાનગી પૂર્વે રાજકોટની સત્યપ્રકાશ સ્કૂલ દ્વારા ધોરણ 5ના વિદ્યાર્થીઓના વાલીઓ પાસેથી સંમતિપત્ર લેવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. જોકે રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી બી.એસ. કૈલા પણ આ વાતથી અજાણ છે અને તેઓ આ મામલે ખરાઇ કરી સ્કૂલ સંચાલક પાસેથી માહિતી એકત્ર કરી યોગ્ય તપાસ કરાવશે તેવું જણાવ્યું હતું.

વાલીઓને વોટ્સએપ પર સંમતિપત્ર મોકલાયું
રાજકોટ શહેરના બજરંગવાડી શેરી નંબર 4માં આવેલી શ્રી સત્યપ્રકાશ સ્કૂલ દ્વારા ધોરણ 5માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓ પાસેથી ઓફલાઇન અભ્યાસ શરૂ કરવા માટે સંમતિપત્ર સ્વીકારવાનું શરૂ કરી દીધું છે. આ માટે શાળા સંચાલક દ્વારા વાલીઓને વોટ્સએપ પર એક પત્ર મોકલવામાં આવ્યો છે. જેમાં તારીખ 16 નવેમ્બર એટલે કે આજથી 18 નવેમ્બર કુલ 3 દિવસ દરમિયાન સવારના 9થી 12 વાગ્યા સુધીના સમયમાં સંમતિપત્ર આપવા જણાવવામાં આવ્યું છે. જેમાં ધોરણ 5ની શાળા આગામી ટૂંક સમયમાં ઓફલાઇન શરૂ થનાર હોવાથી સરકારની સૂચના મુજબ સંમતિપત્ર ફરજીયાત છે, માટે સંમતિપત્ર આપનાર વિદ્યાર્થીને જ શાળામાં ઓફલાઇન અભ્યાસ કરવામાં આવશે.

સંમતિપત્ર લેવાની કોઈ જાહેરાત કરી નથી: DEO
આ સાથે શાળાનો સંપર્ક કરતા જાણવા મળ્યું હતું કે, હાલ વિદ્યાર્થીઓના વાલીઓ પાસેથી માત્ર સંમતિપત્ર લેવામાં આવી રહ્યું છે. 22 નવેમ્બર આસપાસ શાળા શરૂ થવાની હોવાથી સરકારની સૂચના મુજબ મેસેજ કરી વાલીઓને જાણ કરવામાં આવશે. બીજી તરફ રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી બી.એસ. કૈલાનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે, અત્યારથી સંમતિપત્ર લેવા તેવી કોઇ જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ આમ છતાં હું તપાસ કરાવી સંચાલક સાથે વાત કરી માહિતી મેળવું છું. આગામી 22 નવેમ્બરથી ધોરણ 5 માટે શાળા શરૂ થવાની શક્યતાના આધારે કદાચ સંમતિપત્ર લેવામાં આવતું હશે.

સત્યપ્રકાશ સ્કૂલ બજરંગવાડી શેરી નંબર 4માં આવેલી છે.
સત્યપ્રકાશ સ્કૂલ બજરંગવાડી શેરી નંબર 4માં આવેલી છે.

દિવાળી બાદ રાજકોટમાં એક્ટિવ કેસની સંખ્યા 13 થઇ
ઉલ્લેખનીય છે કે રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં કોરોનાના કેસની સંખ્યામાં દિવાળીના તહેવાર બાદ વધારો જોવા મળી રહ્યો છે. રાજકોટ શહેરમાં પણ દિવાળી બાદ 13 જેટલા કોરોના એક્ટિવ કેસ આજ દિન સુધીમાં નોંધાયા છે. ત્યારે કોરોનાના વધતા કેસ સમયે સ્કૂલો ખોલવી કેટલી યોગ્ય એ પણ એક સવાલ વાલીઓના મનમાં સતાવી રહ્યો છે અને આ સમયે વાલીઓ પણ બાળકોને સ્કૂલે મોકલવા સહમત ન હોવાનું અને બાળકોની રસી આવ્યા બાદ સહમતિ દાખવે તેવું જાણવા મળી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...