માર માર્યાનાં LIVE દૃશ્યો:રાજકોટ ST બસ પોર્ટમાં નશામાં ધૂત પ્રૌઢને સિક્યોરિટી ગાર્ડે 11થી 12 લાકડી ફટકારી, 18 ફડાકા ઝીંક્યા, વીડિયો વાઇરલ

રાજકોટએક મહિનો પહેલા

રાજકોટ ST બસપોર્ટ પર વધુ એક વખત સિક્યોરિટી ગાર્ડની દાદાગીરી સામે આવી છે. બસપોર્ટ પર કેફી પદાર્થ પીધેલી હાલતમાં એક આધેડ નશામાં ફરતો હતો. આથી સિક્યોરિટી ગાર્ડે પોલીસને જાણ કરવા બદલે પોતે કાયદો હાથમાં લઇ પ્રોઢને 11થી 12 લાકડી ફટકારી હતી તો 18 ફડાકા ઝીંક્યા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.

ગઈકાલ રાતે 11 વાગ્યા આસપાસનો બનાવ
રાજકોટ શહેરના ઢેબર રોડ પર આવેલા બસપોર્ટનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. જેમા સિક્યોરિટી ગાર્ડ એક પ્રૌઢને લાકડી વડે બેફામ માર મારતા દેખાઈ રહ્યો છે. પ્રાપ્ત વિગત મુજબ આ વાઇરલ વીડિયો ગઇકાલ રાત્રિના 11 વાગ્યા આસપાસનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. બસપોર્ટમાં પ્રૌઢ સંપૂર્ણ રીતે નશામાં ધૂત થઈ બેશુદ્ધ અવસ્થામાં આવી પહોંચ્યો હતો. સિક્યોરિટી ગાર્ડને જાણ થતાં ત્યાં આવી પોલીસને જાણ કરવાના બદલે પોતે જ કાયદો હાથમાં લઇ એક બાદ એક 18 ફડાકા ઝીક્યાં હતા. આમ છતાં ત્યારબાદ પણ સંતોષ ન થતાં 11થી 12 જેટલી લાકડી સિક્યોરિટી ગાર્ડ દ્વારા ફટકારવામાં આવી હતી.

સિક્યોરિટી ગાર્ડે લાકડીથી પ્રૌઢને માર માર્યો.
સિક્યોરિટી ગાર્ડે લાકડીથી પ્રૌઢને માર માર્યો.

કાયદો હાથમાં લેનાર સિક્યોરિટી ગાર્ડ સામે પગલાં લેવાશે?
ગઇકાલે બનેલી આ સમગ્ર ઘટનાનો વીડિયો વાઇરલ થયો છે. જોકે અવારનવાર બસપોર્ટ ખાતે સિક્યોરિટી ગાર્ડની દાદાગીરીના સમાચાર સામે આવતા જ હોય છે. ત્યારે વધુ એક વખત સિક્યોરિટી ગાર્ડ જ પોતે કાયદો હાથમાં લઇ જાણે પોતે જ પોલીસ હોય તેમ પ્રૌઢને માર મારતા વીડિયો સામે આવતા ST વિભાગ દ્વારા સિક્યુરિટી એજન્સીને તાકીદ કરી કાયદો હાથમા લેનાર ગાર્ડ સામે કાર્યવાહી કરશે કે કેમ તે જોવું મહત્વનું રહેશે.