તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોરીની નવી રીત:રાજકોટમાં જન્માષ્ટમીએ ફરવા ગયેલા કારખાનેદારના મકાનમાં બે દિવસ સાયકલ લઇ તસ્કરો આવ્યા, 23 લાખ રોકડા અને 14 લાખના દાગીનાની ચોરી, CCTV

રાજકોટ15 દિવસ પહેલા
તસ્કરો સાયકલ લઇને આવતા તે દ્રશ્યો CCTVમાં કેદ થયા.
  • 28 ઓગસ્ટે પરિવાર સાથે રાજસ્થાન ફરવા ગયા, ગઇકાલે પરત ફરતા ઘરમાં બધુ વેર વિખેર થયેલું જોયું

રાજકોટના એરપોર્ટ રોડ પર આવેલી પત્રકાર સોસાયટીમાં સાતમ-આઠમની રજામાં ફરવા ગયેલા કારખાનેદારના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. તસ્કરો બે દિવસથી સાયકલ પર સવાર થઇ આવતા અને ઘરમાં ચોરી કરતા હતા. બંધ મકાનમાંથી તસ્કરોએ 23 લાખ રોકડા અને 14 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી હતી. આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. હાલ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પરિવાર ઘરે આવતા ચોરી થયાનું માલુમ પડ્યું
પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ શહેરના એરપોર્ટ રોડ પર પત્રકાર સોસાયટીમાં રહેતા અને શાપર-વેરાવળમાં ઇન્ડસ્ટ્રી ધરાવતા કારખાનેદાર મોહસીનભાઈ પટેલ સાતમ-આઠમના પર્વ પર પરિવાર સાથે રાજસ્થાનના ઉદયપુર ખાતે 28 ઓગસ્ટના રોજ બપોરના 3.30 વાગ્યે ફરવા માટે નીકળ્યા હતા અને ગઈકાલે રાત્રિના 12.15 વાગ્યે રાજકોટ પરત ઘેર આવ્યા હતા. આજે સવારના સમયે ઘરમાં ચોરી થયાનું માલુમ થતા ગાંધીગ્રામ પોલીસને જાણ કરવામાં આવી હતી અને ગાંધીગ્રામ પોલીસ તેમજ ક્રાઇમ બ્રાન્ચ સહિતનો સ્ટાફ સ્થળ પર પહોંચ્યો હતો.

તસ્કરો સાયકલ લઇને આવતા.
તસ્કરો સાયકલ લઇને આવતા.

કારખાનેદાર પરિવાર સાથે 28 ઓગસ્ટે ફરવા જવા નીકળ્યા હતા
ઘટનાની તપાસમાં CCTV ફૂટેજ તપાસતા 28 તારીખે રાત્રિના 8.18 વાગ્યે ચડ્ડી પહેરી સાયકલ પર સવાર એક ઈસમ અને તેની સાથે ચાલીને આવતો એક ઈસમ ઘરમાં પ્રવેશ કરતો હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે કારખાનેદારની ફરિયાદી પરથી ગુનો નોંધી આરોપીને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. ઉલ્લેખનીય છે કે, કારખાનેદાર મોહસીન પટેલ 28 તારીખે બપોરના સમયે રાજસ્થાન જવા માટે નીકળ્યા અને એ જ દિવસે રાત્રિના 8.18 વાગ્યે બે શખસે તેમના ઘરમાં પ્રવેશ કરતા નજરે પડે છે, માટે આ ચોરીને અંજામ આપનાર જાણભેદુ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

બે દિવસથી મકાન બંધ હતું.
બે દિવસથી મકાન બંધ હતું.

સાતમ-આઠમમાં રાજકોટમાં ચોરીના બનાવો વધે છે
સાતમ-આઠમના તહેવારનું સૌરાષ્ટ્રમાં અનેરું મહત્વ રહેલું છે અને આ સમય દરમિયાન લોકો તહેવારના સમયે પરિવાર અને મિત્રો સાથે બહાર હરવા ફરવા જવાનું પસંદ કરતા હોય છે. જોકે, આ સમયે તસ્કરો તેનો લાભ ઉઠાવી બંધ મકાનને ટાર્ગેટ બનાવી ચોરીના ગુનાને અંજામ આપતા હોય છે. એ જ રીતે આ વર્ષે પણ તહેવાર સમયે ચોરીની ઘટના સામે આવી છે. જેમાં તસ્કરોએ 23 લાખ રોકડા તેમજ 14 લાખની કિંમતના દાગીના ચોરી ગયાનું સામે આવ્યું છે.

એક શખ્સ સાંજે સાઇકલમાં ‘રેકી’ કરી ગયો
પોલીસે લાખોની મતાની ચોરીનો ભેદ ઉકેલવા માટે બંગલાના તેમજ આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચેક કરતાં તસ્કર ત્રિપુટી પૈકીનો એક શખ્સ સાંજે સાઇકલ લઇને ‘પીસ’ બંગલા પાસેથી પસાર થયો હતો, બંગલો બંધ હોવાનું સાબિત થતાં એ શખ્સ સહિત ત્રણ તસ્કર રાત્રીના બંગલામાં કૂદ્યા હતા.

પાડોશીની લાઇટ બંધ થતાં ઘરમાં ઘૂસ્યા
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, વ્હોરા પરિવાર બપોરે 3.30 વાગ્યે ફરવા માટે નીકળ્યો હતો. રાત્રે 8.30 વાગ્યે તસ્કર ત્રિપુટી બંગલાના પાછળના ભાગે આવેલી દીવાલ કૂદીને બંગલામાં આવેલા બગીચામાં ઘૂસી હતી, રાત્રીના 11.30 વાગ્યા સુધી બગીચામાં ઝાડ નીચે છુપાઇને બેઠા હતા. પાડોશીઓની લાઇટ રાત્રે 11.30 વાગ્યે બંધ થતાં બંગલાના દરવાજાના તાળાં તોડી અંદર ઘૂસ્યા હતા.