મહિલા ASI લાંચ લેતા ઝડપાઇ:રાજકોટમાં મારામારીના ગુનામાં પતિને માર નહીં મારવા મહિલા પાસેથી 20 હજારની માગ કરી, આજે 10 હજારનો બીજો હપ્તો લેતી ACBએ પકડી

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

રાજકોટ માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલા ASI ગીતાબેન પંડ્યા પોલીસ સ્ટેશનની અંદર જ ઇન્વેસ્ટિગેશન રૂમમાં રૂપિયા 10,000ની લાંચ લેતા એસીબીના હાથે રંગે હાથ ઝડપાઇ ચુકી છે. ઉલ્લેખનીય છે કે, મારામારીના ગુનામાં લોકઅપમાં આરોપીને ન રાખવા અને માર ન મારવા તેમજ તુરંત જામીન આપવા માટે 20,000ની લાંચ માગી હતી. જે પૈકી આજે બીજા હપ્તાના બાકી રહેતા 10,000 લાંચ સ્વીકાર કરતા એસીબીના હાથે ઝડપાઇ ગયા હતા.

મારામારીના ગુનામાં ફરિયાદીના પતિને પકડવાનો બાકી હતો
આ કામના ફરિયાદી મહિલા અને તેના પતિના વિરૂદ્ધમાં માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં મારામારી અંગેનો ગુનો દાખલ થયો હતો. આ ગુનામાં ફરિયાદીના પતિની અટકાયત કરવાના બાકી હોય ફરિયાદીએ આ ગુનાની તપાસ કરનાર મહિલા ASI ગીતાબેનને મળતા તેઓએ ફરિયાદીને તેઓના પતિ હાજર થયેથી લોક-અપમાં નહીં રાખવા તથા માર નહીં મારવાના અને તુરંત જ જામીન પર મુક્ત કરી દેવાના બદલામાં રૂ.20 હજારની લાંચની માંગણી કરી હતી.

અગાઉ ફરિયાદી પાસેથી 10 હજાર લઈ લીધા હતા
અગાઉ ફરિયાદી પાસેથી રૂ.10 હજાર લઈ લીધા હતા. બાકી રહેલી રૂ.10 હજારની રકમ આજે આક્ષેપિતને ફોન કરી આપવા જવા અંગેનો વાયદો થયો હતો. આ લાંચની રકમ ફરિયાદી આપવા માગતા ન હોય એસીબી પોલીસ સ્ટેશન રાજકોટ શહેર ખાતે આવી ફરિયાદીએ પોતાની ફરિયાદ કરી હતી. ફરિયાદીની ફરિયાદના આધારે માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં ગોઠવેલ લાંચના છટકા દરમિયાન આ કામના આક્ષેપિત પંચ 1ની હાજરીમાં ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી હતી. બાદમાં લાંચની રકમ માગી અને સ્વીકારી હતી. જે છટકા દરમિયાન મહિલા ASI રંગેહાથ ઝડપાઇ ગયા હતા. એસીબીએ મહિલા ASI લામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અગાઉ PGVCLનો નાયબ ઇજનેર 60 હજારની લાંચ લેતા ઝડપાયો હતો
માર્ચ 2022માં રાજકોટ પીજીવીસીએલના નાયબ ઇજનેર પીજીવીસીએલના નાયબ ઇજનેર દેવેન્દ્ર ખુશાલસિહ દાંતલાએ ડાયરેક્ટ તાર નાખી વીજ ચોરી કરી હોવાનુ જણાવી વીજચોરીનો કેસ દાખલ કરવાનું અને તેમાં 5 લાખનો દંડ તથા જેલની સજા કરાવવાનો ડર બતાવ્યો હતો. જો કેસ દાખલ ન થવા દેવો હોય તો 2 લાખની લાંચ માગી હતી. ફરિયાદીએ રકઝક કરતા અને ઓછું કરવા જણાવતા 80,000 અને છેલ્લે 60,000 રૂપિયા આપવા જણાવ્યું હતું.

નાયબ ઇજનેર સાથે તેના સહયોગીની પણ ધરપકડ કરી હતી
ફરિયાદી લાંચની રકમ આપવા માગતા ન હોવાથી તેમણે રાજકોટ ગ્રામ્ય એસીબી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી ફરિયાદ કરી હતી. જેના આધારે વીંછિયા ખાતે ગોઠવેલા લાંચના છટકા દરમિયાન પીજીવીસીએલના નાયબ ઇજનેર દેવેન્દ્ર દાંતલા અને તેમના સહયોગી અજય ડાભીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી 60,000 રૂપિયાની લાંચની રકમ માગી સહયોગી અજય ડાભીને આપી હતી. એ જ સમયે એસીબીની ટીમ આવી જતા બન્નેને રંગેહાથ ઝડપ્યા હતા. આરોપીઓની એસીબીએ ધરપકડ કરી આગળની કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...