વિધાનસભાની ચૂંટણીને લઈને તમામ પાર્ટીઓએ સૌરાષ્ટ્ર તરફ દોટ મૂકી છે. 28 મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જસદણના આટકોટ ગામે આવશે. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડશે. બીજી તરફ કોંગ્રેસે પણ કમ્મર કસી છે અને 19મેના રોજ રાજકોટના હેમુ ગઢવી હોલમાં સૌરાષ્ટ્ર ઝોનની કારોબારી બેઠકનું આયોજન કર્યું છે. ત્યારે આજે કોંગી નેતા શક્તિસિંહ ગોહિલ આજે રાજકોટની મુલાકાતે આવી પહોંચ્યા છે. તેઓએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હાર્દિક પટેલ એક યુવાન અને ઉત્સાહી છે, કોંગ્રેસમાં રહીને કામ કરે તો એમાં એનું ઉજ્જવળ ભવિષ્ય છે. કોંગ્રેસમાં હીરો હોય અને ભાજપમાં જાય તો તેને ઝીરો બનાવી દેવામાં આવે છે તેવા ઘણા ઉદાહરણો છે.
મારા પક્ષમાં આંતરિક લોકશાહી છે
શક્તિસિંહ ગોહિલે વધુમાં જણાવ્યું હતું કે, હું ચોક્કસ માનુ છું કે, મારા પક્ષમાં આંતરિક લોકશાહી છે, જે બીજા રાજકીય પક્ષોમાં નથી. મારા પક્ષમાં મારા રાષ્ટ્રીય પ્રમુખની હાજરીમાં મનમાં જે વાત કહેવા માગતો કાર્યકર પણ છૂટથી કહી શકે છે. ભાજપમાં આવું હોય તો મને કહી બતાવો. અમારી સૌની જવાબદારી છે કે આંતરિક લોકશાહીનો પુરો લાભ પણ લઇએ પણ ક્યાંય અશિસ્ત ન થઈ જાય અને પક્ષને નુકસાન ન થાય.
ખેડૂતનો ખર્ચ ડબલ પણ આવક બમણી ન થઈ શકી
વધુમાં જણાવ્યું હતું કે, ખેડૂતનો ખર્ચ ડબલ થયો પણ આવક બમણી ન થઈ શકી. અમારી સરકારો જ્યાં છે ત્યાં અમે કરી બતાવ્યું છે. માત્ર વાતો નહીં હકિકત કરી બતાવ્યું છે. રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધને લઇ સરકારે વિશ્વને અનાજ ભારત પુરૂ પાડશે તેવું કહ્યું હતું. આથી ખેડૂતોને બે-ત્રણા ભાવ મળશે. પરંતુ પરમદિવસે નિકાસ કરવાની વાત હતી તેના પર પૂર્ણવિરામ મુકાઇ ગયું હતું એટલે હવે ખેડૂતો પર માર પડશે. હું લોકોને કહું છું કે આવો હવે સરકાર કોંગ્રેસની બનશે.
સૌરાષ્ટ્ર ઝોનની બેઠકને લઇ કોંગ્રેસની તૈયારી શરૂ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી મહેશ રાજપુતે યાદીમાં જણાવ્યું છે કે, 19 મેના રોજ બપોરે 1 વાગ્યે હેમુ ગઢવી હોલમાં સૌરાષ્ટ્ર ઝોનની કારોબારી બેઠક યોજાનાર છે. જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોર, વિધાસભા કોંગ્રેસ પક્ષના નેતા સુખરામ રાઠવા, પ્રભારી રઘુરામ શર્મા, સૌરાષ્ટ્ર ઝોન ઇન્ચાર્જ રામકૃષ્ણ ઓઝા, રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ, પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી, તુષાર ચૌધરી, પૂર્વ અધ્યક્ષ અમિત ચાવડા, ભૂતપૂર્વ અધ્યક્ષ અર્જુન મોઢવાડિયા, પૂર્વ વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી સહિતના નેતાઓ- ધારાસભ્યો હાજર રહેશે. આથી રાજકોટ શહેર-જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રદીપ ત્રિવેદી અને આગેવાનોએ ઠેર-ઠેર બેનર, ઝંડા, ધજા, પતાકાથી શણગાર કરાઈ રહ્યો છે અને તડામાર તૈયારીઓ કરવાંમાં આવી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.