તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હવે તો સરકાર જાગે:રાજકોટની મોદી સ્કૂલે પહેલા ધમકીભરી નોટિસ અને હવે ફી બાકી હોવાથી ધો.7ની વિદ્યાર્થિનીનું LC ઘરે મોકલ્યું, સ્કૂલની મનમાની સામે વાલી લાચાર

રાજકોટ6 દિવસ પહેલા
  • વિદ્યાર્થિનીના વાલીએ રૂ. 8483 જેટલી બાકી ફી નહિ ભરતા મોદી સ્કૂલ LC ઘરે પહોંચાડી દીધું
  • 21 મેએ મોદી સ્કૂલે વાલીને 20 પેઇજની ધમકીભરી શો-કોઝ નોટિસ ફટકારી હતી

રાજકોટમાં ફરી એક વખત મોદી સ્કૂલની મનમાની સામે આવી છે. ધોરણ 7માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીના ઘરે લિવિંગ સર્ટીફીકેટ મોકલી દીધું હોવાનો બનાવ સામે આવ્યો છે. માહી મણવર નામની વિદ્યાર્થિનીના વાલીએ રૂ. 8483 જેટલી બાકી ફી નહિ ભરતા મોદી સ્કૂલ દ્વારા વિદ્યાર્થિનીના ઘરે લિવિંગ સર્ટિફિકેટ પહોંચાડી દેતા વાલી પણ લાચાર બન્યા છે. મોદી સ્કૂલની આ દાદાગીરીથી સરકાર હવે તો જાગે તેવી માગ અન્ય વાલીઓમાં ઉઠી છે. 21 મેના રોજ મોદી સ્કૂલે 20 પેઇજની શો-કોઝ નોટિસ મોકલી હતી.

લિવિંગ સર્ટિફિકેટમાં 16 મુદ્દા દર્શાવવામાં આવ્યા
સમગ્ર મામલે વિદ્યાર્થિનીના વાલી દ્વારા DEOને રજૂઆત પણ કરવામાં આવી છે. લિવિંગ સર્ટિફિકેટમાં કુલ 16 જેટલા મુદ્દાઓ દર્શાવવામાં આવ્યા છે. જે 16 મુદ્દાઓ પૈકી મુદ્દા નંબર 13માં ફી ભરાયેલ છે કે બાકી છે તે બાબતની વિગત દર્શાવવામાં આવી છે. તે બાબતના જવાબમાં મોદી સ્કૂલ દ્વારા 8483 રૂપિયા બાકી હોવાનું જણાવ્યું છે. તો બીજી તરફ મુદ્દા નંબર 14માં શાળા છોડવાનું કારણમાં મોદી સ્કૂલ દ્વારા લખવામાં આવ્યું છે કે તારીખ 8 જૂન 2021ના નિર્ણય મુજબ. ત્યારે સવાલ તો એ થાય છે કે આ નિર્ણય કોના દ્વારા લેવામાં આવ્યો અને નિર્ણય શું છે કે જેને શાળા છોડવાના કારણ તરીકે દર્શાવવામાં આવી રહ્યું છે.

લિવિંગ સર્ટિફિકેટ ઘરે આપી સ્કૂલે પોતાની મનમાની ચાલુ રાખી.
લિવિંગ સર્ટિફિકેટ ઘરે આપી સ્કૂલે પોતાની મનમાની ચાલુ રાખી.

વિદ્યાર્થિનીના પિતાએ 14 હજારથી વધુ ફી ભરી દીધી છે
વિદ્યાર્થીનીના વાલી સુશીલભાઈએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તેમની દીકરી ધોરણ 7માં અભ્યાસ કરે છે. ત્યારે મોદી સ્કૂલ દ્વારા એક વર્ષની ફી 30000 રૂપિયા લેવામાં આવે છે. સરકારના નિર્ણય મુજબ સ્કૂલ દ્વારા તેમની દીકરીની 25 ટકા ફી માફી કરી દેવામાં આવી છે. જે પૈકી તેમણે 14 હજારથી વધુની ફી ભરી દીધી છે. જ્યારે કે ગત વર્ષે તેમની દીકરીને કોરોનાના કારણે માત્ર ઓનલાઇન શિક્ષણ જ આપવામાં આવ્યું છે.

15 દિવસ પહેલા વાલીઓને શો-કોઝ નોટિસ ફટકારી હતી
ઉલ્લેખનીય છે કે, 15 દિવસ પૂર્વે પણ રાજકોટ શહેરની મોદી સ્કૂલ વિવાદમાં આવી હતી. મોદી સ્કૂલના કેટલાક વાલીઓ દ્વારા સોશિયલ મીડિયામાં ગ્રુપ બનાવ્યું છે. આ ગ્રુપની અંદર મોદી સ્કૂલ દ્વારા થઇ રહેલા અન્યાય અંગે વાતચીત કરવામાં આવી રહી હતી. જે બાબતની જાણ સ્કૂલના સંચાલકોને થતા તેમણે વાલીઓને શો-કોઝ નોટિસ ફટકારી હતી. આ મામલો પણ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી સુધી પહોંચ્યો હતો.

21મેના રોજ અંગ્રેજીમાં 20 પેઇજની શો-કોઝ નોટિસ ફટકારી હતી.
21મેના રોજ અંગ્રેજીમાં 20 પેઇજની શો-કોઝ નોટિસ ફટકારી હતી.

મોદી સ્કૂલના સંચાલક અને વાલી વચ્ચે ઘર્ષણ
છેલ્લા દોઢ વર્ષથી કોરોનાની વૈશ્વિક મહામારી ચાલી રહી છે. શાળાઓમાં પ્રવેશ માટે સમય નજીક આવતાં શાળા અને વાલીઓ વચ્ચે કોઇ ને કોઇ મુદ્દે તકરાર થતી હોય છે. ત્યારે રાજકોટની મોદી સ્કૂલના સંચાલક અને વાલી વચ્ચે ઘર્ષણ થયાનું સામે આવ્યું છે, જેમાં સ્કૂલ દ્વારા વાલીને 20 પેજની શો કોઝ નોટિસ ફટકારી 7 દિવસમાં વર્તન નહીં સુધારો, સ્કૂલની છબિને નુકસાન પહોંચાડવાની પ્રવૃત્તિ કરશો અને નોટિસનો જવાબ નહીં આપો તો દીકરીને સ્કૂલમાંથી એડમિશન રદ કરી દેવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.

21 મેના રોજ સુશીલભાઇને સ્કૂલે નોટિસ ફટકારી હતી
મવડી વિસ્તારમાં અંબિકા ટાઉનશિપ ખાતે આવેલી મોદી સ્કૂલના વાલી સુશીલભાઇ મણવરને ગત 21 મેના રોજ સ્કૂલ તરફથી નોટિસ પાઠવવામાં આવી હતી, જેમાં તેઓ અન્ય વાલીઓ સાથે મળી સોશિયલ મીડિયામાં ગ્રુપ બનાવી સ્કૂલ વિરુદ્ધ ઉશ્કેરણીજનક મેસેજ મૂકી તેમજ માનહાનિભર્યા મેસેજ કરતાં હોવાનું લખવામાં આવ્યું હતું.

સોશિયલ મીડિયામાં ગ્રુપ બનાવી સ્કૂલ વિરૂદ્ધ વાલીઓ મેસેજ કરતા હોવાથી નોટિસ ફટકારી હતી.
સોશિયલ મીડિયામાં ગ્રુપ બનાવી સ્કૂલ વિરૂદ્ધ વાલીઓ મેસેજ કરતા હોવાથી નોટિસ ફટકારી હતી.

શું વાલીઓને પોતાનો અવાજ ઉઠાવવા હક્ક નથી?-વાલી
નોટિસ મળ્યા બાદ વાલીએ જણાવ્યું હતું કે સચ્ચાઇ સામે અવાજ ઉઠાવો તો શાળા તરફથી આ રીતની નોટિસ ખોટી રીતે ઇસ્યુ કરવામાં આવી રહી છે. શું વાલીઓને પોતાનો અવાજ ઉઠાવવા હક્ક નથી? આ તકે મને નોટિસ મળી, પરંતુ જિલ્લા શિક્ષણ અધિકારીને વિનંતી છે કે આવી શાળાઓ સામે કડક પગલાં લઇ કાર્યવાહી કરવામાં આવે.

2015થી મોદી સ્કૂલ સતત વિવાદમાં
વર્ષ 2015થી વિવાદમાં સપડાયેલી મોદી સ્કૂલ ફરી એક વખત વિવાદમાં આવી ચૂકી છે. અનામત આંદોલનનો પ્રશ્ન હોય, ગેરકાયદેસર બાંધકામ હોય કે રજાના દિવસે વિદ્યાર્થીઓને શાળાએ બોલાવવાના હોય. મોદી સ્કૂલ સતત વિવાદોમાં સપડાતી આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...