વિસ્તારવાસી જ નરાધમ નીકળ્યો:રાજકોટમાં ‘તું મને બહુ ગમે છે, તારા લગ્ન બીજે નહીં થવા દઉં’ કહી યુવતીને અવાવરૂ જગ્યાએ લઇ જઇ દુષ્કર્મ આચર્યું

રાજકોટ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

રાજકોટના રૈયા વિસ્તારમાં રહેતી યુવતીએ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં પોતાના જ વિસ્તારમાં રહેતા અજય કાવઠીયા વિરૂદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં યુવતીએ જણાવ્યું છે કે, અજયે ‘તું મને બહું ગમે છે, તારા લગ્ન બીજે નહીં થવા દઉં’ કહી મને અવાવરૂ જગ્યાએ લઇ જઇ બળજબરી પૂર્વક શરીર સંબંધ બાંધ્યો હતો. આથી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

યુવતીના માતા-પિતા મજૂરી કરે છે
રાજકોટના રૈયાધાર વિસ્તારમાં રહેતી યુવતીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું મારા પરિવાર સાથે રહું છું અને મારા માતા-પિતા મજૂરી કામ કરે છે. ગત 21 જૂનના રોજ મારા પિતરાઇ ભાઇના લગ્ન હોવાથી મારા માતા-પિતા લગ્નમાં ગયા હતા. મારો નાનો ભાઈ અને હું ઘરે એકલા હતા. બપોરના સમયે હું કામકાજ કરી ઘરની નજીક વંડો આવ્યો છે ત્યા કચરો નાખવા જતી હતી. ત્યારે અમારા ઘરથી થોડે દૂર રહેતો અજય ત્યાં આવ્યો હતો. તેણે મારો હાથ પકડીને મને કહ્યું કે ‘તું મને બહુ ગમે છે, તારા લગ્ન બીજા કોઇ સાથે થવા નહીં દઉં, મારી સાથે જ લગ્ન કરવા પડશે અને છાનીમાની મારી સાથે ચાલ, નહીં તો જાનથી મારી નાખીશ’ તેવી ધમકી આપી હતી.

મેં ના પાડી છતાં બળજબરીથી શરીર સંબંધ બાંધ્યો
ત્યારબાદ હું તેની સાથે ગઈ હતી અને ચાલીને મને રામાપીર ચોકડી તરફ લઇ ગયો હતો. ત્યારબાદ મને માધાપર ચોકડીથી ઘંટેશ્વર જવાના રસ્તે લઇ ગયો હતો અને ઘંટેશ્વર ચોકડીથી જામનગર જવાના રસ્તાથી ડાબી સાઇડ આવેલી ખુલ્લી અવાવરૂ જગ્યામાં લઇ ગયો હતો. ત્યાં અજયનો ઇરાદો સારો ન હોય મેં ના પાડી છતાં પણ આ અજયએ મને દબાણ કરી મારા કપડાં ઉતારી મને ધક્કો મારી મને બળજબરીથી સુવડાવી દઇ મારા બન્ને હાથ પકડી મારી મરજી વિરૂદ્ધ શરીર સબંધ બાંધ્યો હતો.

દુષ્કર્મ આચર્યા બાદ કપડા ફાડી નાખ્યા
બાદમાં મને દુખાવો થતા અજયને ધક્કો મારતા તેણે મારા કપડાં ફાડી નાખ્યા હતા અને તે નીચે પડી ગયો હતો. અજયને માથાના ભાગે ઇજા પહોંચી હતી. આથી હું ભાગીને વહેલી સવારના આશરે ચારેક વાગ્યા આસપાસ રૈયા ચોકડી પાસે આવી ગઈ હતી અને ત્યાં મારી મોટી બહેન મને મળી ગઈ હતી. આથી હું તેની સાથે મારા ઘરે પાછી આવી ગઈ હતી. બાદમાં મારા પરિવારને જાણ કર્યા બાદ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ અંગે યુનિવર્સિટી પોલીસમાં દુષ્કર્મ અંગેની ફરિયાદ નોંધવામાં આવતા PSI ડી.વી. બાલાસરા સહિતના સ્ટાફે આરોપીને સકંજામાં લેવા તજવીજ હાથ ધરી છે.