ન્યારી ડેમ-1ના 11 દરવાજા 9 ફૂટ ખોલાયા:રાજકોટમાં નદીકાંઠા વિસ્તારના ખેતરો ધોવાયા, ઘરમાં પાણી ઘૂસ્યા, 20 જેટલા લોકોનું કરાયું સ્થળાંતર

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ન્યારી ડેમ-1ના 11 દરવાજા 9 ફૂટ ખોલાતા ન્યારી નદી આસપાસના 11 ગામને તંત્ર દ્વારા સાવચેત રહેવા તેમજ એલર્ટ કરાયા હતા. જેમાં ગામના નદીકાંઠાના વિસ્તારોના ખેતરો ધોવાયા, 20 જેટલા નીચાણવાળા વિસ્તારમાં આવેલ ઘરના લોકોનું સ્થળાંતર કરાયું, તેમજ વરસાદના કારણે વીજળીના પોલ ધરાશાયી થયા હતા જેથી ગામમાં વીજપુરવઠો ખોરવાયો હતો. હરિપર (પાળ) ગ્રામપંચાયત કચેરીની દીવાલ પાણીના પ્રવાહના કારણે પડી ગઈ.

ન્યારી ડેમ-1ના 11 દરવાજા 9 ફૂટ ખોલાતા ન્યારી નદી આસપાસનાં રાજકોટ જિલ્લામાં આવેલ 3 તાલુકાના 11 ગામને એલર્ટ કર્યા. જેમાં વડવાજડી, હરિપર (પાળ),ખંભાળા, ન્યારા, રંગપર, તરઘડી, મોટા રામપર, રાયડી, વાજડીગઢ, વેજાગામ, વીરડા ગામના લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી હતી.

તરઘડી ગામના સરપંચ સાથે વાત કરતા જણાવ્યું કે, ગામમાં હાલ પાણી ઉતરી ગયું છે, નદીકાંઠા વિસ્તારમાં આવેલ ખેતરોનું ધોવાણ થયું છે, પાણીનો ફ્લો વધતા ઘરમાં 1.5થી 2 ફૂટ સુધી પાણી ભરાયું હતું, ગામમાં આવવાના ત્રણ કોઝવે બંધ થતાં વાહન વ્યવહાર ખોરવાયો હતો. તેમજ ગામમાં કેટલાક ઘરમાં વીજળી પુરવઠો ખોરવાયો છે. જ્યારે રંગપર ગામમાં પાણી અને વરસાદના કારણે 4 વીજપોલ ધરાશાયી થયા. જેના કારણે આખા ગામમાં વીજપુરવઠો ખોરવાતા પીજીવીસીએલના અધિકારી સાથે વાત કરતા સરપદડ લાઈનમાંથી વીજળી આપવા જણાવ્યું હતું. ન્યારા ગામની સ્થિતિ ખરાબ છે, ગામના 20 થી 25 ઘરમાં 2.5થી3 ફૂટ જેટલા પાણી ભરાયા હતા. જેના કારણે અનાજ ખરાબ થયું. આ ઉપરાંત નદીકાંઠા આસપાસના ખેતરોનું ધોવાણ થયું.

મોટા રામપર ગામમાં પાણીનો ફ્લો વધતા ગામમાં પાણી આવી ગયું. જેના કારણે નીચાણવાળા વિસ્તારમાં આવેલા ઘરમાં પાણી 1થી2 ફૂટ ભરાતા અનાજ બગડ્યું હતું. હરિપર (પાળ) ગામમાં કાચા મકાન વાળા એક પરિવારનું સ્થળાંતર કરાયું, આખા ગામમાં પાણી ભરાયું હતું, પાણીનો પ્રવાહ વધતા ગ્રામપંચાયત કચેરીની દીવાલ ધરાશાયી થઈ, હરિપરથી ઈશ્વરિયા ગામ સુધીમાં 50 જેટલા વીજપોલ ધરાશાયી થયા. ગામમાં સવારથી બપોર સુધી વીજળી ન હતી. બાદમાં વીજપુરવઠો ચાલુ થયો હતો. ઈશ્વરિયાથી મુંજકા જતો રસ્તો બંધ થયો, 2-3 દિવસ બાદ રસ્તા શરૂ થઈ શકે છે. ઈશ્વરિયા ગામમાં ડેમના વાડી વિસ્તારમાં ફસાયેલા 5 જેટલા લોકોનું રેસ્ક્યૂ કરાયું હતું. સાંજના પાંચ વાગ્યા બાદ વરસાદ વરસવાનું બંધ થતાં પાણીનો પ્રવાહ ઘટ્યો હતો અને નુકસાની કેટલી થઈ તે અંગે લોકોએ જાતે સર્વે શરૂ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...