દેશને આઝાદી અપાવવા માટે શહીદ થનારા શહીદોને યાદ કરી વતનના વિસરાયેલા વીરોની વાત મારફત શ્રદ્ધાંજલિ આપવા વિરાંજલિ સમિતિ દ્વારા રાજકોટમાં વિરાંજલિ નાટકનું આયોજન કરાયું છે. આ મુદ્દે આજે પત્રકાર પરિષદ યોજાઈ હતી. જ્યાં ભાજપ નેતા ઋત્વિજ પટેલે વિપક્ષ પર કટાક્ષ કરતા કહ્યું હતું કે,બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલી પોલિટિકલ પાર્ટીઓ શહીદોના નામે રાજકારણ કરે છે. વિરાંજલી સમિતિ દ્વારા શહીદોની ગાથા લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આગામી 2 એપ્રિલનો રવિવારના રોજ રાજકોટ રેસકોર્સ મેદાન ખાતે નાટક 'વિરાંજલિ' યોજાશે.
અમદાવાદમાં લોકોનો જબરો પ્રતિસાદ મળ્યો
જાણીતા શહીદોની જાણી અજાણી વાતો યુવાનો અને લોકો સુધી પહોંચાડવા માટે વિરાંજલિ સમિતિ દ્વારા વિરાંજલિ મલ્ટી મીડિયા શોનું આયોજન કરવામાં આવ્યું છે. વિરાંજલિ સમિતી ના 150થી વધુ લોકોની ટીમ દ્વારા નામી-અનામી કલાકારો સાથે શહીદોની યાદમાં શ્રધ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદમાં લોકોનો જબરો પ્રતિસાદ મળતા ગુજરાતમાં અલગ અલગ 10 શહેરોમાં વિરાંજલિ કાર્યક્રમ કરવા નક્કી કરવામાં આવ્યું છે જે સમિતી દ્વારા આગામી 2 એપ્રિલના રોજ રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે અને આગામી 10 એપ્રિલના રોજ કચ્છ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
દેશભક્તિ ફીલ કરાવવામાં આવશે
આ અંગે જાણીતા કલાકાર સાંઈરામ દવેએ જણાવ્યું હતું કે, ગુજરાતનો ક્રાંતિવીરો ઉપરનો પ્રથમ મલ્ટી મીડિયા શો છે. જેમાં 1857 થી 1931 સુધીની ક્રાંતિની ગાથા અલગ રીતે રજૂ કરવામાં આવી છે. ગુજરાતના 10 શહેરોમાં પ્રથમ રાજકોટમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. 100 કલાકારો અને આખી સમિતિના 150 જેટલા લોકો દ્વારા દેશભક્તિ ફીલ કરાવવામાં આવશે. આ એક અનુભવ છે જેના થકી આવનારી પેઢીને નવી દિશા આપશે સ્યુસાઇડ મેન્ટાલિટીથી બહાર કાઢવામાં આવશે. ત્યારે દેશનો દીકરો કે દીકરી શું કરી શકે એ વિચાર અહીંયા રજૂ કરવામાં આવશે.
નિઃશુલ્ક એન્ટ્રી પાસ આપવામાં આવશે
રાજકોટ ખાતે આજે ખાસ ઉપસ્થિત રહેલા યુવા નેતા ઋત્વિજ પટેલે જણાવ્યું હતું કે, કોરોના કપરા કાળ દરમિયાન બે વર્ષથી આ કાર્યક્રમ લોકો સુધી ઓનલાઇન વર્ચ્યુલી પહોંચાડવા પ્રયાસ કર્યો હતો ત્યારે ગત 23 અને 24 માર્ચના રોજ અમદાવાદમાં સારો પ્રતિસાદ મળતા આ કાર્યક્રમ ગુજરાતમાં અલગ અલગ 10 શહેરોમાં પહોંચાડવા નક્કી કર્યું છે. જેમાં પ્રથમ કાર્યક્રમ રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે 2 એપ્રિલના રોજ સાંજના 7 વાગ્યાથી શરૂ થશે. જેમાં રાજકોટ વાસીઓને આવવા માટે આમંત્રણ પાઠવું છું. આજના સમયમાં બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલી પોલિટિકલ પાર્ટીઓ શહીદોના નામે રાજકારણ કરે છે ત્યારે લોકો સુધી શહીદોની ગાથા પહોંચાડવા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં નિઃશુલ્ક એન્ટ્રી પાસ આપવામાં આવશે.
આખું ગ્રાઉન્ડ લોકોથી ભરાઈ ગયું હતું
વિરાંજલિ સમિતિના પ્રણેતા પ્રદીપસિંહ વાઘેલા નિર્મિત વિરાંજલિ કાર્યક્રમ 23 માર્ચે અમદાવાદના કર્ણાવતી કલબ બાદ આજે 24 માર્ચે નિકોલ વિસ્તારમાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતાં. કાર્યક્રમ નિહાળવા આખું ગ્રાઉન્ડ લોકોથી ભરાઈ ગયું હતું. જેઓને જગ્યા ન મળી તેઓએ બહાર રોડ પર લગાવેલી સ્ક્રીન પર આખો કાર્યક્રમ નિહાળ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.