• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • In Rajkot, Rickshaws Filled With Water In 11 Inches Of Rain Filled The Pit By Asking For Stones, The Rent Was Paid By Himself, The Corporators Did Not Knock Anywhere

ટ્રાફિક વોર્ડનની દરિયાદિલી:રાજકોટમાં 11 ઇંચ વરસાદમાં પાણી ભરાતા રિક્ષા ભરી પથ્થરો મગાવી ખાડો બૂર્યો, ભાડું પોતે ચૂકવ્યું, નગરસેવકો ક્યાય ન ડોકાયા

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ટ્રાફિક વોર્ડને જાતે પથ્થરો ઉંચકી ખાડો બૂર્યો. - Divya Bhaskar
ટ્રાફિક વોર્ડને જાતે પથ્થરો ઉંચકી ખાડો બૂર્યો.

રાજકોટમાં આજે દે ધના ધન 11 ઇંચ વરસાદ ખાબકતા ઠેર ઠેર રસ્તાઓ પર કેડ સમા પાણી ભરાયા હતા. આવા સમયે લોકોના મતથી ચૂંટાયેલા નગરસેવકો ક્યાય ડોકાયા નહોતા પરંતુ લોકોની વ્હારે પોલીસ જરૂર આવી હતી. શહેરના કોર્ટ ચોકમાં પાણી ભરાતા મોટો ખાડો પડી ગયો હતો. આથી ટ્રાફિક વોર્ડન મનોજભાઈ વ્યાસે ઓટો રિક્ષા ભરીને પથ્થરો મગાવ્યા હતા. તેમજ ઓટો રિક્ષાનું ભાડુ પણ તેમણે ચૂકવ્યું હતું. બાદમાં રિક્ષામાંથી પથ્થરો લઇ તેઓ અને તેમની સાથેના સાથી ટ્રાફિક પોલીસના જવાનો પણ ખાડા બૂરવા વ્યસ્ત બન્યા હતા. પથ્થરોથી ખાડા બૂરાતા લોકો આસાનીથી ત્યાંથી પસાર થઈ શક્યા હતા.

કોર્ટ ચોકમાં ફરજ બજાવતા ટ્રાફિક વોર્ડન મનોજભાઈ વ્યાસ.
કોર્ટ ચોકમાં ફરજ બજાવતા ટ્રાફિક વોર્ડન મનોજભાઈ વ્યાસ.

લોકોને જાનહાનિથી બચાવવા આવું કર્યું
ટ્રાફિક વોર્ડન મનોજભાઈ વ્યાસે જણાવ્યું હતું કે, હું કોર્ટ ચોકમાં ફરજ બજાવું છું. એક ભાઇ અહીંથી હોન્ડા સાથે પસાર થતા હતા અને પડી ગયા. આથી મને વિચાર આવ્યો કે, રિક્ષામાં પથ્થરો ભરીને મગાવું. રિક્ષાવાળાને કહ્યું તો તે પથ્થરો ભરીને આવ્યા અને મેં તેમને ભાડું પણ આપી દીધું હતું. બાદમાં પથ્થરોથી ખાડો બૂર્યો હતો. અહીં ખાડો બહુ મોટો હતો. અહીં મોટી જાનહાનિનો ખતરો હતો. બન્ને રિક્ષાવાળાને 20-20 રૂપિયા ભાડુ આપ્યું હતું.

ટ્રાફિક વોર્ડને પથ્થરોથી ખાડો બૂર્યો.
ટ્રાફિક વોર્ડને પથ્થરોથી ખાડો બૂર્યો.

પહેલી વખત મને કોઈ પોલીસવાળાએ ભાડું આપ્યું
રિક્ષાવાળા નીતિનભાઈએ જણાવ્યું હતું કે, ટ્રાફિક વોર્ડન દ્વારા પથ્થર મગાવ્યા હતા. બાદમાં મને ભાડુ પણ ચૂકવી દીધું હતું. આ પથ્થરોથી ટ્રાફિક વોર્ડન દ્વારા ખાડો બૂરવામાં આવ્યો હતો. પોલીસની આ દરિયાદિલી પહેલીવાર જોઇ. હજી સુધીમાં કોઈએ ભાડું આપ્યું નથી પણ મનોજભાઈએ મને ભાડું આપ્યું. મોટી બજાર ચોકથી અમે પથ્થર ભરીને લાવ્યા હતા અને અહીં ખાડો બૂર્યો હતો.

મનોજભાઈએ રિક્ષાચાલકને ભાડું પણ ચૂકવ્યું.
મનોજભાઈએ રિક્ષાચાલકને ભાડું પણ ચૂકવ્યું.

ગઈકાલે પણ TRBના જવાનોએ ખાડા બૂર્યા હતા
ગઈકાલે સવારે વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસ્યો હતો. ત્યારે કાલાવડ રોડ પર વરસાદને પગલે રસ્તા પર ખાડા પડ્યા હતા. એ સમયે પ્રિ-મોન્સૂન પ્લાનની વાતો કરતા મહાનગરપાલિકાના સતાધિશો અને કર્મચારીઓની પોલ ખુલી હતી. આવા સમયે જડુસ હોટેલ પાસે ફરજ પર તહેનાત TRBના જવાનોએ ખાડા બૂર્યા હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો.

ખાડો બૂરવા બે રિક્ષા ભરી પથ્થરો મગાવ્યા.
ખાડો બૂરવા બે રિક્ષા ભરી પથ્થરો મગાવ્યા.

માલિયાસણ ચોકડીએ પોલીસે ચાલુ વરસાદે ખાડા બૂર્યા
આજે માલિયાસણ ચોકડીએ પોલીસે ચાલુ વરસાદે ખાડા બૂર્યા હતા. પોલીસે કપચીના ટ્રક અને જેસીબી મગાવી રસ્તા પર પડેલા ખાડા બૂર્યા હતા. આથી વાહનચાલકોને મુશ્કેલીમાંથી મુક્તિ મળી હતી.

માલિયાસણ ચોકડીએ પોલીસે ચાલુ વરસાદે ખાડા બૂર્યા
માલિયાસણ ચોકડીએ પોલીસે ચાલુ વરસાદે ખાડા બૂર્યા